ભસ્મના કુલ ત્રણ પ્રકારો છે. (1) શ્રૌત ભસ્મ (2) સ્માર્ત ભસ્મ (3) લૌકિક ભસ્મ
- શિવજીની આજ્ઞા છે કે, દરેક વર્ણના મનુષ્યોએ ઉત્તમ ભસ્મ ધારણનો ત્યાગ કરવો નહીં. ભસ્મના સ્નાનથી ભસ્મના જેટલા કણ પોતાના શરીર પર રહે છે તેટલા શિવલિંગોને જ તે ભસ્મ ધરનારો શરીર પર ધારણ કરે છે.
એ ક વખત ઋષિ મુનિઓએ સૂતપુરાણી મહારાજને ભસ્મ સંબંધી પ્રશ્ન પૂછયો તો તેના જવાબમાં સૂતપુરાણી મહારાજે કહ્યું કે શિવજીના ઉપાસકોએ ભસ્મ ધારણ કરવી જોઈએ અને એટલે જ વિધાતાએ ત્રિપુંડ કરવા માટે લલાટને આડુ બનાવ્યું છે. વિધિના લેખને પણ મેખ મારવાનું સામર્થ્ય ભસ્મમાં છે.
ભસ્મના કુલ ત્રણ પ્રકારો છે. (૧) શ્રૌત ભસ્મ (ર) સ્માર્ત ભસ્મ (૩) લૌકિક ભસ્મ
(૧) શ્રૌત ભસ્મ એટલે જે ભસ્મ વેદ મંત્રોથી તૈયાર કરવામાં આવી હોય તથા કપિલા ગાયના છાણમાંથી જે ભસ્મનું સર્જન થયું હોય તેને શ્રૌત ભસ્મ કહેવાય.
(ર) સ્માર્ત ભસ્મ એટલે જે ભસ્મ પુરાણોક્ત મંત્રોથી તૈયાર કરવામાં આવે તેને સ્માર્ત ભસ્મ કહેવાય.
(૩) લૌકિક ભસ્મ એટલે જે ભસ્મ ચૂલાની હોય તેને લૌકિક ભસ્મ કહેવાય.
જાબાલ ઋષિએ ભસ્મનો મંત્ર બનાવ્યો. તેમના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ ભસ્મને જલમાં મિશ્રિત કરવી અને તે સમયે નીચે મુજબ મંત્રનું પઠન કરવુ.
જલમિતિત ભસ્મ, અગ્નિરિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વાયુરિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ
આ મંત્રથી ભસ્મને જલમાં મિશ્રિત કરી શરીર પર તેનું લેપન કરવું.
દેવી ભાગવતમાં પણ ભસ્મનો મહિમા વર્ણવવામાં આવ્યો છે, જેની કથા એવી છે કે, એક સમયે દુર્વાસા મુનિ વૈકુંઠલોકથી યાત્રા કરી નર્ક લોક તરફ આવ્યા. તેમણે મહારૌરવ કુંડ તરફ દ્રષ્ટિ કરી. જ્યાં તેમણે અનેક જીવાત્માઓને દુઃખી જોયા. દુર્વાસા મુનિ તે કુંડ તરફ નમ્યા. એ સમયે તેમના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હતું. તેમાંથી થોડીક ભસ્મ મહારૌરવ કુંડમાં ખરી પડી અને તેનાથી તે જીવાત્મા દુઃખ મુક્ત થયા. દુર્વાસા મુનિ તો વિદાય થયા પણ યમદૂતોના મનમાં થયું કે આ મહારૌરવ કુંડમાં આટલી બધી પ્રસન્નતા કેમ છે ? તેજ સમયે યમદેવે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા અને પ્રશ્ન પૂછયો કે, 'આ કુંડમાં જીવાત્માઓ પ્રસન્ન કેમ દેખાય છે ?' ત્યારે જવાબમાં વિષ્ણુ ભગવાને કહ્યું કે, 'હમણાં જ દુર્વાસા મુનિ આ કુંડ આગળથી પસાર થયા ત્યારે એમના લલાટમાંથી થોડી ભસ્મ એ કુંડમાં ખરી અને ભસ્મના પ્રભાવથી એ જીવાત્માઓના તમામ પાપ બળી ગયા.' એ સમયે તમામ દેવતાઓએ નર્કમાં પિત્રેશ્વર મહાદેવજીની સ્થાપના કરી. મહારૌરવ કુંડનું નવનિર્માણ થયું. તે સમયે યમદેવે તેમના દૂતોને કહ્યું કે, 'જે કોઈ વ્યક્તિએ ભસ્મ ધારણ કરી હોય અને તેના કર્મો પવિત્ર હોય તેને યમલોકમાં આવવાની જરૂર નહીં પડે. ભસ્મ દેવલોકમાં દેવતાઓ પણ ધારણ કરે છે.'
શિવજીની આજ્ઞા છે કે, દરેક વર્ણના મનુષ્યોએ ઉત્તમ ભસ્મ ધારણનો ત્યાગ કરવો નહીં. ભસ્મના સ્નાનથી ભસ્મના જેટલા કણ પોતાના શરીર પર રહે છે તેટલા શિવલિંગોને જ તે ભસ્મ ધરનારો શરીર પર ધારણ કરે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો ,વૈશ્યો, શુદ્રો, વર્ણ શંકરો, સ્ત્રીઓ, વિધવાઓ, બાળાઓ, સંન્યાસીઓ કે દરેક વ્રતધારી ભસ્મના ત્રિપુંડની નિશાનીવાળા હોય છે તેઓ સર્વ પાપોથી મુક્ત છે તેમાં શંકા નથી. જાણે કે અજાણે પણ ધારણ કરેલી ભસ્મ સમગ્ર મનુષ્યને પવિત્ર કરે છે. જેઓ ત્રિપુંડની નિંદા કરે છે તે શિવની નિંદા કરે છે અને જેઓ ભક્તિથી ત્રિપુંડ ધારણ કરે છે તે શિવને જ ધારણ કરે છે. ભસ્મ વિનાના કપાળ ધિક્કાર છે. શિવાલય વિનાના ગામને ધિક્કાર છે અને શિવપૂજા રહિત જન્મને ધિક્કાર છે.
સ્ત્રીઓએ કેશ સુધી ત્રિપુંડ ધારણ કરવું. તેમજ બ્રાહ્મણ વિગેરે અને વિધવાઓએ પણ એ જ રીતે ભસ્મ ધારણ કરવી અને તે જ રીતે દરેક આશ્રમવાસીઓએ સમગ્ર પાપનો નાશ કરનારી અને મોક્ષ રૂપ ફળ આપનારી ધોળી ભસ્મ હંમેશાં ધારણ કરવી. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર તમામ લોકો વિધિપૂર્વક ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ બરાબર ધારણ કરી પાપનો સમુદાય છોડીને પવિત્ર બને છે.
ભસ્મ ધારણ કરનારો ખાસ કરીને સ્ત્રી હત્યા, ગૌહત્યા જેવા મહાપાપોમાંથી તેમજ વીરહત્યા અને અશ્વ હત્યાના પાપમાંથી પણ છૂટી જાય છે એમાં સંશય નથી. પારકું દ્રવ્ય પડાવી લેવું, પારકી સ્ત્રી સાથે મૈથુન કરવું, પારકી નિંદા કરવી, બીજાના ધાન્ય અને બગીચા આંચકી લેવા, પારકા ઘર બાળી નાંખવા તેમજ ગણિકા, શુદ્રી, રજઃસ્વાલા કન્યા તથા વિધવાઓ સાથે મૈથુન કરવું, જુઠ્ઠું બોલવું અને ખોટી સાક્ષી આપવી જેવા અસંખ્ય પાપો હોય તો પણ ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે.
સર્વ ઉપનિષદોનો સાર વારંવાર જોઈ નિર્ણય કરાયો છે કે, ભસ્મનું ત્રિપુંડ પરમ કલ્યાણરૂપ છે, જે બ્રાહ્મણ હોવા છતાં ભસ્મની નિંદા કરે છે તો તે બીજા વર્ણથી જ જન્મ્યો છે અને મર્યા પછી જ્યાં સુધી બ્રાહ્મણ જીવે છે ત્યાં સુધી ઘોર નર્કમાં વસે છે. શ્રાદ્ધ, યજ્ઞા, જપ, હોમ અને દેવ પૂજનમાં જે ભસ્મનું ત્રિપુંડ ધારણ કરી પવિત્ર આત્માવાળો બને છે તે માણસ મૃત્યુને જીતે છે. સર્વ તીર્થોમાં જે પુણ્ય મળે છે અને તીર્થોમાં જે ફળ મળે છે તે ફળ ભસ્મ વડે સ્નાન કરનારો મેળવે છે. ભસ્મ સ્નાન એ શ્રેષ્ઠ તીર્થ છે. તે દરરોજ ગંગા સ્નાન રૂપ છે. ભસ્મરૂપે સાક્ષાત્ શિવજી છે અને ભસ્મ ત્રણે લોકને પવિત્ર કરનારી છે. જેના શરીર ઉપર અતિશય પુણ્ય આપનાર એક પણ રુદ્રાક્ષ ન હોય અને જો લલાટમાં ત્રિપુંડ ન હોય તો તેનો જન્મ નિરર્થક ગણાય છે. આમ, ભસ્મનો મહિમા અનેકગણો માનવામાં આવ્યો છે. અસ્તુ.!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી