વિશ્વનો પહેલો 'પ્રેમપત્ર' રુકમણિનો પત્ર
શ્રી મદ્ ભાગવતના દશમા સ્કંધમાં ઉત્તરાર્ધમાં બાવનનાં અધ્યાયમાં રુકમણિજીએ શ્રીકૃષ્ણને લખેલ સાત શ્લોકનો અદ્ભુત સુંદર પ્રેમપત્ર લખીને પોતાની બુદ્ધિપ્રતિભા અને શ્રીકૃષ્ણ પ્રત્યેનાં પ્રેમનો ભાવ બતાવ્યો છે. 'શ્રર્ત્વા' શબ્દથી પત્રનો આરંભ છે. અને ભુવન સુંદરનું સંબોધન છે. આમાં મર્યાદાનું માધુર્ય પણ છે અને સત્યનું સૌંદર્ય પણ છે.
રુકમણિજીનો પત્ર :- ' હે ત્રિભુવન સુંદર ! આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે. જે ગુણાનુવાદ કાનનાં દ્વારોમાંથી મારા અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને મારા ચિત્તને આપને સમર્પિત કર્યું છે. આ સંસારમાં જેટલાપણ સાચી આંખોવાળા પ્રાણીઓ છે. તેમના માટે આપનું રૂપ અખિલાર્થ લાભ, અર્થાત્ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ- એમ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારૂં છે. હે કૃષ્ણ , મારૂં ચિત્ આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે.'
હે પ્રેમસ્વરૂપ શ્યામ સુંદર ! આપણાં બન્નેનાં કુળ-શીલ-રૂપ-વિદ્યા-વય- દ્વવ્યધામ (ઘર) વગેરે સમાન છે. મનુષ્યલોકમાં જેટલા પણે પ્રાણી છે. બધાનું મન આપને જોઈને શાંતિનો અનુભવ કરે છે. આનંદિત થાય છે. હવે પુરુષોમાં શ્રેષ્ઠ ! આપ જ કહો, એવી કઈ કુળવાન મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે, જે વિવાહ યોગ્ય સમય આવતા આપને પતિ તરીકે ન વરે ?
મેં જો પૂનર્જન્મમાં કૂવા-વાવ- તળાવ વગેરે બનાવ્યા હોય, યજ્ઞા, હોમ કર્યા હોય તથા દેવતાઓ, બ્રાહ્મણો અને ગુરૂજનોની પૂજાથી ભગવાનની આરાધના કરી હોય, અને તે સર્વે મારા ઉપર પ્રસન્ન હોય તો શ્રીકૃષ્ણ અહીં પધારીને મારૂં પાણિગ્રહણ કરો. શિશુપાલ અથવા બીજો કોઈ પણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે.
અમારા કુળમાં એવો નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલા કુળદેવીનાં દર્શનાર્થે બહુ મોટી શોભાયાત્રા નીકળે છે. જેમા લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજાદેવીનાં મંદિરે જવું પડે છે તે સમયે આપ વીરતાનું મૂલ્ય ચુકવીને મારૂં હરણ કરી જશો.
હે કમલનયન ! ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા-મોટા મહાપુરુષો પણ આત્મ શુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઇચ્છે છે, જો હું આપનો તે પ્રસાદ, આપની તે ચરણરજ પ્રાપ્ત ન કરી શક્ત તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાણનો ત્યાગ કરીશ. ભલે તેના માટે સેંકડો જન્મ કેમ ન લેવા પડે. ક્યારેક તો આપનો એ પ્રસાદ અવશ્ય જ મળશે જ.
ભગવાને તરત જ પોતાનો સારથિ દારૂકને લઈને રુકમણિનું હરણ કરી દ્વારકા લઈ ગયા. 'જીવ જ્યારે ભગવાનની પ્રાપ્તિ માટે આટલો ઉત્સુક હોય તો પ્રભુ પણ એવા જ તૈયાર થઈ જાય છે. તેનું આ પ્રતિક છે. આ શ્રીકૃષ્ણનાં લગ્ન પ્રસંગની ભાષા લૌકિક છે. પરંતુ તેની પાછળનો સિદ્ધાંત અલૌકિક છે. આ સાધારણ લગ્નની વાત નથી. આ જીવનાં લગ્ન ઇશ્વર સાથે થાય તે બતાવવાનો આ લગ્નનો હેતુ છે. રુકમણિનાં આ પત્ર ઉપરથી સિદ્ધ થાય છે કે આ શુદ્ધજીવનાં પરમાત્મા સાથેના લગ્નની કથા છે. રુકમણિ કોઈ કન્યા નથી તેમ શ્રીકૃષ્ણ એ કોઈ વર નથી.' (ડોંગરેજી મહારાજ) આપણે સહુએ પણ શ્રીકૃષ્ણને મેળવવાની આવી જીજ્ઞાાશા રોજ રાખવી જોઈએ.
- ડો.ઉમાકાંત જે.જોષી