Get The App

બદલો લે તે સંસારી, બદલી નાંખે તે સંત .

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
બદલો લે તે સંસારી, બદલી નાંખે તે સંત                             . 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

પુષ્પની એક વિશિષ્ટતા એવી અદ્ભુત છે કે જેનું સ્મરણ કરતાં હૈયું પ્રસન્નતાની મહેંકથી તર-બ-તર બની જાય. અત્તર બનાવવા માટે એ પુષ્પને નિચાવો નાંખવામાં આવે છે યાવત્ એનું અસ્તિત્વ મટી જાય છે. તે છતાં પણ એ ક્યારેય બદલો લેવાનું કે ફરિયાદી બનવાનું વ્યક્તિત્વ નથી ધરાવતું. એટલે જ પુષ્પ માટે આ મસ્ત પંક્તિ લખાઈ છે ને કે 'કોઈનું નહિ ફરિયાદી ને, કોઈનું નહિ કાજી: ફૂલ તો એની ફોરમ ઢાળી થાતું રાજી રાજી....' જેવી વાત છે પુષ્પની, એવી જ વાત છે ગુણગરિષ્ઠ મહાપુરુષોની. કોઈના નિમિત્તે તેઓ હેરાન-પરેશાન થઈ જાય. તે છતાં પણ બદલાની કે ફરિયાદની વૃત્તિ નહિ, બલ્કે છલકતી કરુણા જ નિહાળવા મળે છે તેમનાં હૈયામાં. આવા વિરલ મહાપુરૂષરૂપે આજે આપણે યાદ કરીએ મહાવદિ ચૌદશ, સોમવારે જેમનો પવિત્ર જન્મદિવસ અને ફાગણ શુદિ-૨, ગુરુવારે જેમનો ૭૮મો દીક્ષાદિવસ છે તે અમારા પરમગુરુદેવ પ્રૌઢભાવશાળી દર્ભાવતીતીર્થોદ્વારક જૈનાચાર્ય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને. ઈ.સ.૨૦૦૪ની વાત. પદયાત્રાપૂર્વક જ વિહરવાની જૈનશ્રમણની મર્યાદા અનુસાર વડોદરાથી મુંબઈનો અમારો પગપાળા વિહાર જારી હતો. એમાં એ દિવસે છેલ્લો વિહાર હતો. મુંબઈથી વીશ કિ.મી. દૂર રહેલા વિહારસ્થાનથી અમે વહેલી સવારે નીકળ્યા. ગુરુદેવ સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ વયની મર્યાદાવશ વ્હીલચેરમાં વિહાર કરી રહ્યા હતા. માંડ છ કિ.મી.નો વિહાર હાઈ-વે ઉપર થયો અને એક ભયજનક વળાંક પાસે વિશાલકાય ટ્રેલરનો પાછળનો ભાગ ગુરુદેવની વ્હીલચેરને સ્પર્શીને ગયો. ગુરુદેવ વ્હીલચેર સહિત બાજુના નાના ખાડામાં પડી ગયા. શરીરમાં અનેક સ્થળે ઈજા પહોંચવા સાથે રક્ત વહી રહ્યું. અલબત્ત, ગુરુદેવ સંપૂર્ણપણે હોશમાં હતા. ટ્રેલર ચાલકને અકસ્માતનો ખ્યાલ આવતા તેણે તુરત ટ્રેલર અટકાવ્યું. નીચે ઉતરીને સારવાર માટે રૂપિયા સ્વીકારવાની વિનંતી કરવા સાથે તે ધ્રુસકે ધ્રુસકે રડીને ગુરુદેવની માફી મંગવા લાગ્યો. ગુરુદેવના જવાબમાં ત્યારે પુષ્પસમી પૂર્વોક્ત વિશિષ્ટતાનું સહજ દર્શન થયું. તેમણે કહ્યું:- ''જુઓ ભાઈ! સરતચૂકથી તમારા થકી આ ક્ષતિ થઈ છે તે માટે અમને કોઈ રોષ  નથી. અમારા તમને આશીર્વાદ જ છે. બીજું, જૈન સાધુ ક્યારે ય રૂપિયાનો સ્વીકાર ન કરે. અમારી સારવારની ચિંતા જૈન સંઘ કરશે. તેથી રૂપિયાની જરૂર નથી અને ત્રીજું, તમે તમારું વાહન લઈ અહીંથી તુરત રવાના થશો. નહિંતર પેટ્રોલિંગ કરતી પોલીસવાનની નજરે ચઢશો તો નાહક સંકટમાં મુકાશો.'' આટલું કહીને ગુરુદેવે ધરાર તે શીખ ડ્રાઈવરને વિદાય કર્યો. કોઈના દ્વારા પરેશાની યા પીડા મળે, તો પણ તેના ઉપર અત્તરસમી કરુણા વરસાવવાનો કેવો સરસ ઉપક્રમ નિહાળવા મળે છે આ ઉત્તરમાં !!! આ પ્રસંગથી જૈન શ્રમણ પ્રત્યે પૂર્ણબહુમાનથી વાસિત બની ગયો પૂર્વોક્ત ડ્રાઈવર. આવો, એવા જ બહુમાનભાવથી વાસિત બનીને આપણે સદ્ગુરુને આ વાક્ય દ્વારા બિરદાવીએ કે 'બદલો લે તે સંસારી, બદલી નાંખે તે સંત...'