પરોપકારનું પુણ્ય .
સંસ્કૃતમાં જાણીતું સુભાષિત છે.
પરોપકારાય વિભાતિ સૂર્ય : પરોપકારય ફલન્તિ વૃક્ષાઃ ।
પરોપકારય વિહન્તિ નદ્યઃ પરોપકારાય સતા વિભૂતયઃ ।।
અર્થાત્ પરોપકાર માટે સૂર્ય પ્રકાશે છે, નદીઓ વહે છે., વૃક્ષો ફળ આપે છે તથા સંતો કાર્યરત રહે છે. માનવજીવનમાં પરોપકારનું અનોખું મહાત્મ્ય છે. એક જાણીતી ઉક્તિ છે કે સૂર્ય, ચંદ્ર, વાદળો, વૃક્ષ, નદી, ગાય અને સજ્જનો આ સૌને આ યુગમાં પરોપકાર અર્થે સર્જેલા છે.
પરોપકાર એટલે અન્ય માટે મદદ, હિત કે સારૂં કરવાનો કલ્યાણકારી પ્રયાસ, કહેવાય છે કે પરોપકારમાં જ બધા તીર્થધામો વસ્યા ંછે.
એક લેખકે લખ્યું છે, દુધનું સત્ય મલાઈ, જીવનનું સત્ય ભલાઈ, ભલા બનો,ભલુ કરો તેમ પૂ. પ્રમુખ સ્વામી પણ કહી ગયા છે. બુરાઈ સામે ભલાઈને જીવનમંત્ર બને તો કલ્યાણના દ્વાર ખુલે છે. ભલા મનુષ્યનો જીવનમંત્ર ભલું કરવાનો જ હોય છે. આપણે કોઈ પર કરેલ ઉપકારને યાદ રાખવો નહીં. કે યાદ કરાવવો નહીં, આ વાત યાદ રાખવા જેવી છે. રામચરિત માનસમાં એક ચોપાઈના શબ્દોમાં પણ આવે છે. પરોપકાર કરો કા તારો. પરોપકારમાં પહેચાનની જરૂર નથી પરોપકાર ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેના ઉપર થઈ શકે છે. પરોપકારનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું હોય છે, પરોપકારમાં સ્વાર્થજ કે અંગત હેતું હોતો નથી. પરોપકાર કરનાર કોઈ માગણી કે શરતો રાખતા નથી. પરોપકાર સાહજિક છે. સ્વાભાવિક છે.
નરસિંહ મહેતા એ વૈષ્ણવ જન વિશે લખ્યું છે કે 'પરોપકાર એ સજ્જનોનું વ્યસન હોય છે, પરોપકાર એ સજ્જનોનો વૈભવ છે. કવિ કાલીદાસે 'શાકુંતલ'માં લખ્યું હતું કે ફળ આવવાથી વૃક્ષો નીચાં નમે છે, વાદળાં પાણી ભરીને નીચે લટકે છે. પરોપકારીઓનો આ સ્વભાવ છે.'
અંધ વ્યક્તિને રસ્તો ઓળંગાવવા માટે બહુ ઓછા લોકો આગળ આવતા હોય છે. અન્યની જરૂરિયાતો ને મદદ કે ઉપકારમાં સજ્જનો પલટી શકે છે. પરોપકાર કરનારની જીત થાય છે. દુઃખી લોકોના આર્શીવાદ મળે છે. અન્યનું હિત ઈચ્છનાર સુફળ મેળવે છે. પરોપકારની પરંપરાને પ્રણામ !