શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના પાંચમાં અધ્યાયમાં વેદોએ માતા જગદંબાની સ્તુતિ કરી છે. શ્રીમદ્ ભાગવતજીમાં પણ વેદ સ્તુતિ છે. શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંધના ૮૭માં અધ્યાયમાં વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે. ત્યાં ભગવાનની સ્તુતિ છે અહીં માતાજીની સ્તુતિ છે.
વેદો બોલ્યા - હે દેવી ! આપ મહામાયા છો. જગતના સર્જક છો. આપ કલ્યાણરૂપ શરીર ધારણ કરવાવાળાં અને પ્રકૃતિના ગુણોથી પર છો. સંપૂર્ણ જગત આપની સત્તાને વશ છે. આપ ભગવાન શંકરના મનોરથ પુરા કરો છો. હે માતા ! આપને નમસ્કાર કરીએ છીએ. બધા જ પ્રાણીઓને આશ્રય આપવા માટે આપ પૃથ્વીરૂપે વિદ્યમાન છો. પ્રાણધારીઓના પ્રાણ પણ આપ જ છો. ધી, શ્રી, કાન્તિ, ક્ષમા, શાંતિ, શ્રદ્ધા, મેધા, ધૃતિ અને સ્મૃતિ આ બધાં આપનાં નામ છે. 'ઁકાર' માં જે અર્ધમાત્રા છે, તે આપનું જ રૂપ છે. ગાયત્રીમાં આપ પ્રણવ છો. જ્યા, વિજ્યા, ધાત્રી, લજ્જા, કીર્તિ, સ્પૃહા અને દયા - આ નામોથી આપ પ્રસિદ્ધ છો.
હે માતા ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ ત્રિલોકને ઉત્પન્ન કરવામાં અતિ કુશળ છો. આપનો વિગ્રહ (શરીર) દયાથી પરિપૂર્ણ છે. આપ માતાઓની પણ માતા છો. આપ વિદ્યારૂપ અને કલ્યાણ સ્વરૂપિણી છો. આપનું તમામ કાર્ય જગતના હિત માટે હોય છે. આપ પરમ પૂજનીય છો. વાણીના મૂળમાં આપ રહેલાં છો. જ્ઞાન દ્વારા સંસારના અંધકારનો આપ નાશ કરો છો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઈન્દ્ર, અગ્નિ, સરસ્વતી અને સૂર્ય, જે ભૂમંડળના સ્વામી કહેવાય છે, તે પણ આપની જ સત્તાથી કાર્ય કરે છે. તેથી આપની આગળ તેમની કોઈ સત્તા નથી. કારણ કે આપ તો સચરાચર જગતનાં માતા છો. હે જગદમ્બિકા ! આપને જ્યારે અખિલ ભૂમંડળને ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે ત્યારે આપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે દેવતાઓને પ્રગટ કરીને તેમના દ્વારા સર્જન, પાલન અને સંહારનું કાર્ય કરો છો. હે દેવી ! ખરેખર તો આપ એક જ છો. સંપૂર્ણ સંસારમાં કોઈ પણ એવો મનુષ્ય નથી જેનામાં આપના રૂપોને અને નામોને જાણી શકવાની યોગ્યતા હોય. ભલા ! વાવનાં થોડાં પાણીમાં તરનાર મનુષ્ય સમુદ્રનાં અથાગ જળને કુશળતાથી તરીને પાર જઈ શકે ખરો ? હે ભગવતી ! દેવોમાં પણ એવું કોઈ સિદ્ધ નથી, જે આપની વિભૂતિને આપના ઐશ્વર્યને જાણી શકે. આપ જગતની એકમાત્ર જનેતા છો. આપ એકલાં જ આ મિથ્યા એવાં સમસ્ત જગતની રચના કરો છો. હે દેવી ! આ મિથ્યા જગતમાં શ્રુતિવચન જ પ્રમાણ છે. હે દેવી ! આશ્ચર્ય તો એ છે કે આપ ઈચ્છારહિત હોવા છતાં આપ સમસ્ત જગતની ઉત્પત્તિનું કારણ છો. આપનું આવું અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહ પમાડે છે. જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવને જાણવામાં અસમર્થ છે, ત્યારે અમે આપને કઈ રીતે જાણી શકીએ ? હે કલ્યાણમયી જગદમ્બિકે ! ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે ત્યારે આપનુ આ લીલા ચરિત્ર અમે નથી જાણતાં. હે જગદમ્બિકા ! લક્ષ્મી પણ આપના અંશમાંથી જ પ્રગટયાં છે માટે હે માતા ! લક્ષ્મીજીએ કોઈ અપરાધ કર્યો હોય તો આપ એમને ક્ષમા કરો ! અને શ્રીહરિને મસ્તક પાછું આપીને લક્ષ્મીજી અને અન્ય દેવાતાઓ ઉપર કૃપા કરો. હે દેવી ! આ તમામ દેવતાઓ આપને વારંવાર નમસ્કાર કરી રહ્યાં છે. આપના સૃષ્ટિ સર્જન કાર્યમાં તેઓ મુખ્ય અંશ રહ્યાં છે. આપની કૃપાથી તેમને પ્રતિષ્ઠા મળી છે.
હે દેવી ! આપ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો. હે દેવી ! આપ જે રીતે અમૃતપાન કરાવીને દેવતાઓને જીવીત કરવામાં નિપુણ છો, તે જ રીતે આ જગતને જીવીત રાખવું એ આપનું કર્તવ્ય છે.
આમ, જ્યારે વેદોએ ભગવતીની સ્તુતિ કરી ત્યારે દેવી અત્યંત પ્રસન્ન થઈ દેવતાઓને નિર્ભયતા આપી. માતાએ પ્રસન્ન થઈ કહ્યું કે, 'આ વેદોએ ગાયેલું સ્તોત્ર વેદ સમાન જ છે. જે મનુષ્ય મૃત્યુલોકમાં મારા સ્તોત્રનો પાઠ કરશે, મારી સ્તુતિ કરશે અથવા વાંચશે કે સાંભળશે તેની બધી મનોકામના પૂર્ણ થશે અને તેના દુ:ખ શોકનું નિવારણ થશે.' તો આવો, આપણે સૌ માતાની સ્તુતિ પ્રાર્થના કરી માતાના આશિર્વાદ પ્રાપ્ત કરીએ.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


