Get The App

કપડવંજની સત્ય ઘટના : ઉત્તમ ધ્યાન-ઉત્તમ જ્ઞાનનો સુવર્ણસંયોગ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
કપડવંજની સત્ય ઘટના : ઉત્તમ ધ્યાન-ઉત્તમ જ્ઞાનનો સુવર્ણસંયોગ 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

ગામના ઉપાશ્રયે બિરાજમાન મહાત્મા કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થવાની તૈયારી કરતા હતા. મનોમન આજે કોઈક વિશિષ્ટ સંકલ્પ સાથેનો કાયોત્સર્ગ કરવાનો તેમણે નિશ્ચય કર્યો. ઉપાશ્રયની નિકટમાં એક કુંભાર રહે. યોગાનુયોગ એ જ સમયે તે પોતાના ગધેડા લઈને નિત્યક્રમ પ્રમાણે ગામ બહાર જવા નીકળ્યો આ જોઈને મહાત્માએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ કુંભારના ગધેડાઓનો ભૂંકવાનો સ્વર ન સંભળાય ત્યાં સુધી મારે કાયોત્સર્ગ કરવો. જૈન પરંપરા અનુસાર આવો કાયોત્સર્ગધ્યાન કરનાર વ્યક્તિને ધ્યાન પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલી ન શકે. એક સ્થાનથી બીજા સ્થાને જઈ ન શકે. આવા ધ્યાન દરમ્યાન સતત એક જ સ્થિતિમાં અને પરમાત્માનાં ચિંતનમાં લીન રહેવાનું હોય. મહાત્માએ આવો કાયોત્સર્ગ આરંભ્યો. પણ બન્યું એવું કે રોજ થોડા સમયમાં જ પરત આવનાર કુંભાર એ દિવસે બહારગામ ગયો હોવાથી પરત ન આવ્યો.

કુંભારને પાછા ફરવામાં સમય લાગતા કાયોત્સર્ગસ્થિત મુનિવરે મનોમન પ્રભુભક્તિસ્વરૂપ પૂજાઢાળોની રચના શરૂ કરી. કુંભાર બરાબર બોંતેર કલાક પછી પરત ફર્યો. ગધેડા ભૂંકવાનો અવાજ આવ્યો અને મુનિવરે કાયોત્સર્ગ પૂર્ણ કર્યો. ત્યાં સુધીમાં તેમણે સત્તર પ્રકારી અને એકવીશપ્રકારી એમ બે પ્રકારની પૂજાની રચના અઢળક ઢાળો અને રાગો સાથે કરી. ખ્યાલ રહે, આ સમગ્ર રચના તેમણે કાગળ-પેનના ઉપયોગ વિના મનથી જ કરી હતી. તો પૂરા ત્રણ દિવસપર્યંત તેમની કાયોત્સર્ગસ્થિરતા અચલ અને અભંગ રહી હતી. આવો ભવ્ય કાયોત્સર્ગ કરનાર એ મહાત્મા હતા જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી મહારાજના નિશ્રાવર્તી મહોપાધ્યાય સકલચંદ્રવિજયજી ગણિવર, આજથી ચારસોથી પણ અધિક વર્ષો પૂર્વે કપડવંજનગરના હોળીચકલા વિસ્તારમાં આ સત્ય ઘટના સર્જાઈ હતી. એ વિસ્તારમાં આજે પણ આ ઘટનાની શાખ પૂરતો પૂજ્ય સકલચંદ્રજીનો ઉપાશ્રય અડીખમ ઊભો છે. એ સ્થાનનો પ્રભાવ આજે પણ એવો જયવંતો છે કે ત્યાં જાપ કરનાર મહાત્મા અને ભાવિકોનો ક્ષયોપશમ વિશેષપ્રકારે ખીલી ઉઠે છે. ત્યાંના ઉપાશ્રયમાં સકલચંદ્રજીરચિત સત્તરપ્રકારી તથા એકવીશપ્રકારી પૂજાઢાળો તામ્રપત્રો પર અંકિત છે, તો શત્રુંજયગિરિરાજનો કેનવાસ પર સર્જાયેલો ચારસો વર્ષ પ્રાચીન અદ્ભુત પટ પણ દર્શનીય છે.

આવો, આપણે પૂજ્ય સકલચંદ્રજી ગણિની અજબ-ગજબની સ્થિરતા-એકાગ્રતાને વંદન કરવા સાથે નક્કી કરીએ કે જીવનમાં જે જે શુભ ધર્મસંકલ્પો કરીશું, એમાં આપણે પણ સ્થિર-એકાગ્ર અને દ્રઢ બનીશું. છેલ્લે યાદ રાખીએ આ મસ્ત વાત કે 'જે ધર્મને સાચવે છે, ધર્મ એને સાચવે છે...'