દરેક ગામમાં શિવમંદિર શિવાલય હોય છે. શિવમંદિરની વિશેષતા છે કે લગભગ શિવમંદિરને તાળું લગાડાતું નથી. શિવાલયમાં ભગવાન સદાશિવનું લિંગ પૂજાય છે. તેની પ્રતીષ્ઠા થાળામાં કરાય છે જેને શાસ્ત્રો ભગ કહે છે. શિવલિંગની ફરતે શેષનાગ હોય છે. ઉપરી જલાધારી દ્વારા જળાભિષેક થાય છે. બહાર કાચબો, નંદી (પોઠિયો) ગોઠવેલાં હોય છે ગણપતિ અને હનુમાનજીની પ્રતિમાઓનાં દર્શન કરી શકાય છે. કાચબો એ જીવનું પ્રતિક છે.
જેને પોતાની પાંચેય ઇન્દ્રિયો અને છઠ્ઠા મન ઉપર અનુશાસન છે. નિયંત્રણ છે તેવા સાધકની અવસ્થા દર્શાવે છે. જેમ કાચબો પોતાના ચાર પગ, પૂંછડી અને મોઢાને જરૂર પડે બહાર કાઢે અને અંદર પાછી ખેંચી શકે છે. તે જ રીતે જેની પાંચેય જ્ઞાાનેન્દ્રિયોના વિષયો અને શબ્દ: સ્પર્શ રૂપ, રસ, ગંધ, અને છઠ્ઠું મન અંતર્મુખ થયા છે. જેનો આ છ ઇન્દ્રિયોમાં એક પ્રકારની સંવાદિતા લય અને સંપ આવ્યા છે તેવા દરેક જીવનું પ્રતિક કાચબો છે અને તે આત્મ સાક્ષાત્કાર માટે લાયક બને છે. ટૂંકમાં કાચબો સંયમિત જીવનું પ્રતિક છે.
યમ-નિયમ બંને કિનારા છોડીને જે સંયમના મધ્ય માર્ગે ચાલે છે તે જ શિવ દર્શનનો અધિકારી છે. જે કાચબાની જેમ ધૈર્યવાન છે. પરમાત્મા પ્રાપ્તિનો આખો માર્ગ ધૈર્યનો માર્ગ છે. તેથી શિવમંદિરનો સંયમી ધીરજવાન જીવનું પ્રતિક છે જે શિવ દર્શન માટે યોગ્ય ઠરે છે.
- નાથાલાલ બ્રહ્મભટ્ટ


