Get The App

સજ્જતાનું ત્રીજું સોપાન : અન્યોની ઇર્ષ્યાનો ત્યાગ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
સજ્જતાનું ત્રીજું સોપાન : અન્યોની ઇર્ષ્યાનો ત્યાગ 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

આપણામાંથી ઘણાના મનની એક વિલક્ષણતા કદાચ આ છે કે એને પોતાને શું મળ્યું છે ? એની એટલી ચિંતા નથી, પણ બીજાને પોતાના કરતા વધું મળ્યું છે તો તેની પરવાહ વધારે છે. પોતાને નબળું મળ્યું છે એ એના માટે એટલો મોટો પ્રશ્ન નથી. પણ બીજાને પોતાનાથી વધારે સારું કેમ મળ્યું છે ? એ એના માટે જાણે યક્ષપ્રશ્ન છે. એ પોતાનાં દુ:ખનાં કારણે જેટલું દુ:ખી થાય છે એના કરતા બીજાનું સુખ જોઈને વધુ દુ:ખી થાય છે. મનની આ વિલક્ષણતાને દૂર કરવા માટે જ જૈનાચાર્ય સોમપ્રભસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત' સિન્દૂરપ્રકર' ગ્રન્થમાં સજ્જન બનવા માટેનું ત્રીજું લક્ષણ જાણે આ રીતે બતાવ્યું છે કે 'સંતોષ વહતે પરદ્વિષુ.' મતલબ કે સજ્જન વ્યક્તિએ છે જે બીજાની સમૃદ્ધિ નિહાળીને મનમાં સંતોષ ધારણ કરે- ઇર્ષ્યા ન કરે.

અન્યની સમૃદ્ધિમાં સુખમાં આવો સંતોષ ધારણ કરનાર વ્યક્તિનાં જીવનમાં ચાર લાભો થાય છે : (૧) બીજાના સુખમાં સુખ મળે છે- અન્યનું સુખ નિહાળીને મનમાં ઇર્ષ્યાનો ભાવ પ્રગટતો નથી બલ્કે આનંદની અનુભૂતિ થાય છે. (૨) લાલસાઓ શાંત બને છે- અન્યો સાથે સ્પર્ધાનો ભાવ ન હોવાના કારણે નવું નવું મેળવી લેવાની પ્રવૃત્તિઓ ઘટે છે. (૩) તત્ત સ્વસ્થ રહે છે-  જીવનમાં સંતોષવૃત્તિ હોવાનાં કારણે નિરર્થક અને અતિશય દોડધામ રહેતી નથી. તેથી તન સ્વસ્થ-નિરોગી રહે છે અને (૪) તન સમાધિમાં રહે છે- બીજો મેળવી જાય છે, હું રહી જાઉં છું અથવા તો બીજાને વધારે મળે છે, મને ઓછું આવો ઉચાટ મનમાં રહેતો નથી. મન હરદમ પ્રસન્ન રહે-સમાધિમાં રહે છે. અન્યની સમૃદ્ધિમાં આવી સંતોષવૃત્તિ ન હોય અને ઇર્ષ્યાવૃત્તિ હોય તો પરિણામમાં ઘણીવાર મેળવવાના બદલે ગુમાવવાનું આવતું હોય છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ નાનકડી ઘટના :

ગામની બહાર બે ગરીબ વૃદ્ધા બાજુ બાજુમાં કુટિર બનાવીને એકલી રહે. એકનું નામ શાંતા અને બીજીનું નામ કાંતા. એક દીવસ કોઈ સંતના ઉપદેશથી શાંતાએ ગામથી દૂર રહેલા યક્ષને સાધના કરી પ્રસન્ન કર્યા અને રોજ એક સોનામહોર મેળવવાનું વરદાન મેળવ્યું. ધીરે ધીરે શાંતાના દિદાર બદલાવા લાગ્યા. આ વાતની ખબર ક્યાંકથી પડી કાંતાને. એનાં મનમાં ઇર્ષ્યા જાગી. શાંતા સુખી થઈ અને હું રહી ગઈ આ વિચારે એ દુ:ખી થઈ. એણે પણ મહેનત કરી યક્ષને પ્રસન્ન કર્યા. યક્ષ પાસેથી રોજ બે સોનામહોર મળે એવું વરદાન મેળવ્યું. શાંતાને આ વાતનો ખ્યાલ આવતા ઇર્ષ્યાથી એણે ફરી યક્ષસાધના કરી, નિત્ય ચાર સોનામહોરો મળે એવું વરદાન મેળવ્યું. એ પછી કાંતાએ આઠ સોનામહોરોનું- શાંતાએ સોળ સોનામહોરોનું- કાંતાએ બત્રીશ સોનામહોરોનું- શાંતાએ ચોસઠ સોનામહોરોનું.. એમ વરદાનપ્રાપ્તિનો ક્રમ ચાલ્યો. ન કાંતા થાકે.. ના શાંતા થાકે.. પણ આમાં પેલો યક્ષ એક દિવસ થાકી ગયો. આખરે એણે કંટાળીને શાંતા અને કાંતા પાસેથી તમામ વરદાન પરત લઈ લીધા. એટલું જ નહિ, ઝૂંપડીમાંથી મહેલસમા બનેલા તેમના આવાસોને પણ પુન: કુટિરમાં પરિવર્તિત કરી દીધા. સજ્જન બનવા માટે આપણે આવી ઇર્ષ્યાવૃત્તિને છોડીને અને સંતોષવૃત્તિને જીવનમાં અપનાવવા સાથે યાદ રાખીએ આ સંદેશ કે 'અન્યનાં દુ:ખે સુખી થાય એ દુર્જન છે, અન્યનાં સુખે સુખી થાય એ સજ્જન છે...'