શ્રી પદ્મપુરાણના ઉત્તરખંડ-અધ્યાય ૧૮૧ માં શ્રાદ્ધ કર્મમાં સૌથી શ્રેષ્ઠ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવતા, ભગવાન શીવ-પાર્વતીના સંવાદની ધર્મકથાનો ઉલ્લેખ છે. જેનો ટુંકસાર આ પ્રમાણે છે.
શિવજી કહે છે, 'હે પાર્વતી ! હવે હું સાતમા અધ્યાયનું મહાત્મ્ય જણાવું છું. જેને સાંભળીને કાનમાં અમૃત-ભંડાર ભરાઈ જાય છે. તો આ કથા સાંભળો.'
પાટલિપુત્ર નામના દુર્ગમ શહેરમાં પરિવાર સાથે શંકુકર્મ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એણે વૈશ્યવૃત્તિનો આશ્રય લઈને પુષ્કળ ધન એકઠું કર્યું. છતાં તેણે ન તો કદી પિતૃઓનું તર્પણ કર્યું કે ન તો દેવતાઓનું પૂજન. અધિક ધન ભેગું થવાથી તેમનામાં કામદેવે પ્રવેશ કર્યો. તે અનેક પત્નીઓ કરવા લાગ્યો.
એક સમયની વાત છે. શંકુકર્ણએ પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને સગાસંબંધી સાથે જાન જોડી લગ્ન કરવા નીકળ્યો. માર્ગમાં રાત પડતા વિશ્રામ માટે રોકાણ કરેલ. બ્રાહ્મણને થાકને કારણે ઊંઘ આવી જાય છે. ઘોર અંધારી રાત્રે એક ઝેરી સર્પ આવી તેના જમણા હાથમાં ડંખ મારે છે. થોડી જ ક્ષણોમાં તે અકાળે મૃત્યુ પામે છે. બ્રાહ્મણનો જીવ તેણે ભેગા કરેલા ધનમાં રહી જાય છે. આથી પ્રેત યોનિ ભોગવતો ભોગવતો સર્પ બની જમીનમાં દાટેલા ધન પર પડી રહે છે.
એક દિવસ શ્રાદ્ધ પર્વમાં સાપની યોનિથી પીડાતા, પિતાએ જ્યેષ્ઠ પુત્ર ને સ્વપ્નમાં આવી ને પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. સવારે પુત્રોએ સ્વપ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરી, ધન એકઠું કરવા પ્રયત્ન કરેલ. તેમાં સર્પ આડો આવે છે. જેથી પુત્રોએ હાથ જોડી પ્રણામ કર્યા. પિતા સ્વરૂપ સર્પ પુત્રોને કહ્યું, 'હે પુત્રો મને સત્વરે આ બંધનમાંથી મુક્ત કરો !'
પુત્રોએ પૂછયું, 'હે પિતાજી આપના જીવની મુક્તિ કેવી રીતે થશે ? ઉપાય જણાવો.'
'દિકરાઓ, ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરો. કાગવાસ નાખી ગાય તથા શ્વાનને જમાડજો જેથી મારો મોક્ષ થશે.'
'પિતાની ઇચ્છાઓ પૂર્ણ કરવી એ દરેક સંતાનનું પરમ કર્તવ્ય છે.' પિતાની આજ્ઞાાનુસાર પરિવાર એકઠો થઈ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરે છે. પૂર્ણ શ્રદ્ધા સાથે શ્રાદ્ધ કર્મ કરે છે. પિતૃતર્પણ થતા બ્રાહ્મણે સર્પ યોની ત્યજીને પુન: બ્રાહ્મણ કુળમાં જન્મ થાય છે.
પુત્રોએ તમામ ધન એકઠું કર્યું. સદાચારી પુત્રોએ લોકકલ્યાણ - પરહિત માટે વાવ, તળાવ, કુવા, દેવમંદિર, ધર્મશાળા, અન્નક્ષેત્ર, બનાવડાવી ધનનો સદુપયોગ કર્યો.
શિવજી કહે છે, 'હે દેવી - સૂર્ય સ્વરૂપે રહેલ પિતૃઓનું શ્રાદ્ધકર્મ જે પુત્રો કરે છે તેના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ સાતમા અધ્યાયના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાતકોમાંથી મુક્ત થઈ જાય છે.'
મહર્ષિ વેદવ્યાસજી આ કથાનો સાર રજુ કરતા લખે છે, 'અર્થ અને કામની ઉપાસના ભલે કરો, પણ તે ધર્મની આણમાં રહીને મોક્ષની પ્રાપ્તિ માટે.'
- મકવાણા વિનોદ એમ.


