'ભગવાન સત્યનારાયણની કથા- તત્વાર્થ
ભગવાન સત્યનારાયણની કથા શરૂ કરતાં પહેલાં અનેક દેવ-દેવીઓનું આહ્વાહન કરીને તેની સ્થાપના કરવામાં આવે છે. પૂજન કરવામાં આવે છે તથા ભોગ ધરાવાય છે. સ્નાન કરાવાય છે. વસ્ત્રો ધરાવાય છે. કથા પૂરી થયા પછી એ દેવ-દેવીઓને ફરીથી પધારવાની પ્રાર્થના સાથે યથા સ્થાને જવા માટે વિસર્જન કરતાં અનેક મંત્રો બોલે છે.
મૂળ વાર્તા નાની છે. પાંચ અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં સત્યને સ્વીકારવાની ભાવના વ્યક્ત થાય છે. આપણે તકલીફ વખતે લીધેલી પ્રતીજ્ઞાા કે આપેલું વચન પાલન કરવાનું મહત્ત્વ સમજાવાય છે. સત્યને ઉજાગર કરતી આ કથા ભગવાન સત્યનારાયણની કથા તરીકે મહત્વ ધરાવે છે.
પૂજા કરતી વખતે ગોર મહારાજ- સામે મૂકેલા ગોળના ટુકડામાંથી થોડો-થોડો ગોળ લઈને કેળના પાન ઉપર આસન જમાવીને જુદા-જુદા દેવનું આહવાહ્ન અને સ્થાપન કરે છે. કથાના અંતે એ દેવ સ્વરૂપ મૂકેલા ગોળને લઈને ભેગો કરે છે. હતો તેવો જ પીંડો બનાવીને મૂકી દે છે.
આમ તો આ ઘટના સામાન્ય લાગે છે. પરંતુ એનો તાત્પર્ય એ છે કે જે રીતે મહારાજે એક ગોળના કાંકરામાંથી અનેક દેવ દેવીઓની સ્થાપના કરી, તે રીતે ભગવાન પોતાના પિંડ બ્રહ્માંડમાંથી અનેક નામધારી, દેહધારી, માણસ, પશુ-પક્ષી, જીવ જંતુ જડ- ચેતન પદાર્થોનું સર્જન કરે છે અને કાળક્રમે તે પોતાની ઇચ્છા વડે પાછા પોતાનામાં લીન કરી દે છે. એ રીતે આનંદ લઈ રહેલા આનંદના સાગર, સુખના સાગર, પ્રકાશના સાગર પરમપિતા પરમાત્માની લીલાને સમજવાનો પ્રયત્ન કરીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય