રાગ એટલે આકર્ષણ અને વિરાગ એટલે ઘૃણા કે નફરત. એક માણસ પૈસાની પાછળ પડે છે તેનું તેનું આકર્ષણ છે. રાત-દિવસ તેને ગણ્યા કરે છે તે રાગ છે અને તેથી ઉલટું જે ધનની વિરૂદ્ધ જાય છે જે ધનથી ભાગે છે નફરત કરે છે તેનું નામ વિરાગ.
રાગ એ ધનને, વિષયોને પકડે છે જ્યારે વિરાગ તે ધનથી વિષયોથી ભાગે છે. આ બન્ને એક પ્રકારનો રોગ છે. બંનેનું કેન્દ્ર એક જ છે. કોઈ રાગની દિશામાં દોડે છે. કોઈ વિરાગની દિશામાં દોડે છે. આ બંનેમાં દોડ સમાયેલી છે. બંનેમાં એકાગ્રતા એક જ છે. સ્ત્રી અથવા પુરૂષની બંનેની પરસ્પર વિષયો તરફની દોડ અથવા વિરૂદ્ધની દોડ.
અને વિતરાગ નો અર્થ છે બંનેની પાર થઈ જવું. વિતરાગ એ એક ત્રીજા પ્રકારનો ભાવ છે જે રાગ અને વિરાગ બનેની પાર થઈ જાય છે તે વિતરાગ છે. આવી વ્યક્તિ કોઈપણ જાતનાં આકર્ષણ કે અપાકર્ષણથી પર હોય છે. કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે હું ધનનો ત્યાગ કરી રહી છું તો તેનો અર્થ એ ધન હજુ તેના મનમાંથી ગયું નથી. હજુ પણ તેના માટે ધન સાર્થક છે. અને જે માણસ એમ કહે કે મેં આટલું ધન વૈભવ છોડી દીધું. અર્થ બદલાઈ ગયો પણ ધન શબ્દ હજુ મનમાંથી ગયો નથી. ધન શબ્દ બંને માટે મૂલ્યવાન છે.
વિતરાગ- જેને થયો છે કે જેને ધનનો કોઈ અર્થ જ નથી. તેના માટે ધન કે વૈભવ એક ધૂળ સમાન જ છે. જેને ધન કે વિષયો ધૂળ સમાન સમજાય તે આ ત્યાગના અહંકારથી પીડાતો નથી.
* કથા :- ઉપનિષદની કથા છે. યજ્ઞાવાલ્ક્ય સંસાર છોડીને જઈ રહ્યા હતા. તેને બે પત્નીઓ હતી. ગાર્ગી અને મૈત્રયી. તેણે તે બંને પત્નીઓને કહ્યું કે મારી ધન-સંપતિ હું તમને બંનેને અડધી અડધી વહેંચી દઉં છું. હું હવે બધું ત્યાગીને પ્રભુની શોધમાં નીકળી જાઉં છું.
મૈત્રયી ખુશ થઈ ગઈ. તે એક સાધારણ સ્ત્રી હતી. તે સ્ત્રીને પતિ એટલા માટે ગમતો હોય કે તેની પાસે સંપત્તિ છે. તેને થયું કે પતિ જાય છે તો કંઈ વાંધો નહીં પણ સંપત્તિ તો દઈ જાય છે. તો મારું શું ગયું? આમ મૈત્રયી ખુશ થઈ ગઈ. પણ ગાર્ગીએ એક સવાલ ઉઠાવ્યો. તે એક સાધારણ સ્ત્રી ન હતી. તેણે કહ્યું કે તમે જાઓ છો તો ધન અમને શા માટે આપી જાઓ છો? જો ધન જ વ્યર્થ છે તો તેનો બોજો મારા ઉપર શા માટે નાખો છો ? અને જો ધન સાર્થક છે તો તમે શા માટે છોડી જાઓ છો ?
ગાર્ગીએ સાચો પ્રશ્ન ઉઠાવ્યો, કે જો ધન વૈભવ બધું વ્યર્થ છે, ધૂળ સમાન છે તો શા માટે મને આપીને ગૌરવ અનુભવો છો ? અને જો સાર્થક છે તો તેને છોડીને શા માટે જાઓ છો ? એવું સાર્થક ધન મને બતાવો કે જેને મેળવવા તમે જઈ રહ્યા છો.
યજ્ઞાવાલ્ક્ય ખરેખર મૂંઝાઈ ગયા. યજ્ઞાવાલ્ક્ય વિરાગને માર્ગે જઈ રહ્યા હતા. ગાર્ગી તેને વીતરાગના માર્ગે દોરી રહી હતી. યજ્ઞાવાલ્ક્ય જરૂર ધનને છોડતા હતા પણ હજુ તેના મનમાંથી ધનમાં સાર્થકતા દેખાતી હતી. ગાર્ગીએ એક નવી દિશા તરફ ઇશારો કર્યો. તેણે કહ્યું કે જો ધન સંપત્તિ છોડવામાં ગૌરવ લાગતું હોય તો તેનો અર્થ એ કે તમે ધનને છોડતા નથી. હજુ પણ તમે ધનને પકડી જ રાખ્યું છે.
* વિતરાગ :- નો અર્થ વિરક્ત નહીં પણ રાગની પાર, આસક્તિની પાર, અને વિરક્ત વ્યક્તિ બીજી તરફ મનને દોરે છે. બંને સામ સામા અને વિરૂદ્ધ દિશાનાં આકર્ષણો છે જે આવા દ્વંદ્વોથી પાર નીકળી જાય તે વિતરાગ છે.
વિતરાગનો અર્થ એ છે કે જેને કોઈ મિત્ર નથી અને કોઈ શત્રુ પણ નથી. જેનું મન કોઈપણ માં બંધાતું નથી. મિત્ર પ્રત્યે પણ નહીં અને શત્રુ પ્રત્યે પણ નહીં. શંકરાચાર્યે તેને ઋૈ્શ્નઇંંર્ંહ્રશ્ર કહીને સંબોધન કરેલ છે.


