Get The App

રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથિયાં છે

Updated: Apr 6th, 2022

GS TEAM

Google News
Google News
રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથિયાં છે 1 - image


- રામાયણનો ચોથો કાંડ એ કિષ્કીંન્ધા કાંડ છે. જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે, એનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ સુગ્રિવ છે.

રા માયણ માટે એક સુંદર પંક્તિ સ્મરણ થાય કે, "હમેં નીજ ધર્મ પર ચલના સિખાતી હૈ રોજ રામાયણ," આમ, એક આદર્શ ચરિત્ર ભગવાન શ્રી રામજીનું આપણી સન્મુખ છે. ભગવાન શ્રી રામજી ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. રામાયણ એ જીવનનું શિક્ષણ છે. રામાયણના માધ્યમથી આપણે આદર્શ જીવન જીવવાની કળા શીખીએ છીએ. પતિ-પત્નિનો સંબંધ કેવો હોવો જોઈએ ? પિતા-પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ ? આ બધીજ બાબતોના જવાબ રામાયણમાં જોવા મળે છે અને ચરિતાર્થ પણ થાય છે. 

 રામ ચરિત માનસમાં ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે, ભગવાન શ્રી રામજીની દિનચર્યા કેવી હતી !? તો તેના ઉત્તરમાં જણાવે છે કે, "પ્રાતઃકાલ ઉઠી કેઉ રઘુરાયા માત-પિતા-ગુરુ નાવ હી માતા" સવારના સમયે ભગવાન શ્રી રામજી ઉભા થઈ માતા-પિતા અને ગુરુને વંદન કરતા હતાં. રામાયણનો પ્રથમ કાંડ બાળ કાંડ છે. આ બાળ કાંડ એ જીવનની બાલ્યા અવસ્થા કેવી હોવી જોઈએ તે સમજાવતો તથા તેને ચરિતાર્થ કરતો કાંડ છે. 

રામાયણનો બીજો કાંડ અયોધ્યા કાંડ છે જે યુવા પ્રધાન છે. એટલે કે યુવાને પોતાનું જીવન કેવી રીતે જીવવું તે દર્શાવે છે. ઘણીવાર એવું બને કે પરિવારમાં કેટલીક બાબતો તમને ગમતી ન હોય પણ એને ભાવે કે કુભાવે સ્વીકારવી પડે છે. જેમ કે તેનું પ્રકૃષ્ટ ઉદાહરણ રામાયણમાં ભરતજી છે. ભરતજીને ભગવાન શ્રી રામજી વનમાં જાય એ મંજુર નથી. રામાયણની 'ગોપી' એ ભરતજી કહી શકાય. ભ્રાતૃભાવ તો ખરોજ ! પણ સમય જોઈને ભરતજીએ પરિસ્થિતિ સ્વીકારી એટલું જ નહીં પરંતુ મારા સ્વામી કંદ-મૂળ, ફળ ખાતા હોય તો હું કેવી રીતે રાજ મહેલના ભોગ જમી શકું !? તેથી તે પોતે કુટીર બનાવીને નંદીગ્રામમાં રહ્યા. આ બધી બાબતો અયોધ્યા કાંડમાં વર્ણવી છે.  

ત્યાર બાદ, અરણ્ય કાંડ એ ભક્તોનું ચરિત્ર છે. જેમાં ભક્તિ તત્ત્વ છે. ભગવાનને મેળવવા માટે ભક્તિ જ એ સર્વસ્વ છે. 'સુતિક્ષણજી' એ ભગવાન પાસે માગ્યું કે, "હે ભગવાન ! મને અભિમાન આપો પણ અભિમાન કેવું ! તો કહ્યું કે, હું ભગવાનનો અને ભગવાન મારા બની રહે એવું." આવું ભક્તિ તત્ત્વ અરણ્ય કાંડમાં વર્ણવ્યું છે. જ્યારે સિતા માતાજીનું રાવણ અપહરણ કરે છે ત્યારે ભગવાન શ્રી રામજી સિતાજીના વિરહમાં કોયલને કહે છે કે, "હે કોયલ ! સિતાનો અવાજ પણ તારા જેવો જ હતો." તો ઉત્તમ પ્રેમનું ચરિતાર્થ ભગવાન શ્રી રામજી આ અરણ્ય કાંડમાં વર્ણવે છે. જેમાં શબરીને નવ પ્રકારની ભક્તિનો શ્રી રામજીએ જ્ઞાાનોપદેશ કર્યો.

રામાયણનો ચોથો કાંડ એ કિષ્કીંન્ધા કાંડ છે. જેમાં જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ થાય એ પછી જીવ માટે ઈશ્વર શું કરે છે, એનું પ્રકૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ સુગ્રિવ છે. પણ જીવનો ભગવાન સાથે સંબંધ જોડાય એના માટે કોઈ યોગ્ય ગુરૂ મળવા જોઈએ. અહીં સુગ્રિવને ગુરૂ તરીકે હનુમાનજી મહારાજ મળ્યા છે. હનુમાનજી સખા તો છે જ પણ સુગ્રિવજીના એક ઉત્તમ માર્ગદર્શક બનીને અહીં તેમણે ગુરૂ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. અહીં ભગવાન શ્રી રામજી કર્મોનું સ્મરણ કરાવે છે. કિષ્કીંન્ધા કાંડની ચોપાઈ અહીંયા સ્મરણ થાય છે કે, જ્યારે વાલીને ભગવાન શ્રી રામજીએ માર્યો ત્યારે વાલી કહે છે કે, "ધર્મ હેતુ અવતર્યું ગોસાંઈ, માર્યું મોહીં વ્યાધ કી નાહીં ! મૈં બેરી સુગ્રિવ પિયારા, કારણ કવન નાથ મોહેં મારા." ત્યારે ભગવાન શ્રી રામજીએ કર્મ સમજાવ્યું છે. તેમણે વાલીને કહ્યું કે હે વાલી ! તારું કર્મ કેવું હતું ?  તેં તારા ભાઈની પત્નિને શયનખંડમાં પુરી હતી. આમ, જ્યારે કર્મનું સ્મરણ શ્રી રામજીએ કરાવ્યું ત્યારે વાલી ખૂબ પસ્તાયો છે. પણ વાલીએ એક કામ ઘણું સરસ કર્યું, અંગદનો હાથ રામના હાથમાં સોંપ્યો અને કહ્યું કે, "હે શ્રી રામ ! અંગદમાં મારા જેટલી બુદ્ધિ છે અને મારા જેટલું જ બળ છે, ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે માટે તમે તેને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપજો અને તેનું જીવન ચરિત્ર યથાર્થ બને તેવું કરજો." આ પ્રસંગ આપણને સમજાવે છે કે, આપણી બુદ્ધિ, આપણું બળ અને આપણી સંપત્તિ જો ભગવાનને આપણે સોંપીએ તો તે સઘળું આપણા માટે પ્રભુની પ્રસાદી બની જાય છે, અને આ પ્રસાદી થકી જીવનમાં ઉન્નતિ થાય; આ મર્મ કિષ્કીંન્ધા કાંડ સમજાવે છે. 

જીવનમાં જ્યારે ઉન્નતિ થાય ત્યારે જીવન સુંદર બને એટલે એનું નામ છે સુંદર કાંડ. આ સુંદર કાંડમાં કથા જ સુંદર છે. આ કાંડમાં એક બાબત ખૂબ સારી છે કે, ભગવાન શ્રી રામજી પાસે માંગવા જેવી જો કોઈ ચીજ હોય તો તે ભક્તિ છે જે હનુમાનજી મહારાજે માંગી છે. સુંદર કાંડ એટલે જીવન કિંમતી છે અને જીવનને આપણે સુંદરમય જીવીએ. પણ એક વસ્તુનો ખ્યાલ જરૂર રાખવો જોઈએ કે યુદ્ધ કાંડ ન સર્જાય. લંકા કાંડને વાલ્મિકી રામાયણમાં યુદ્ધ કાંડ તરીકે વર્ણવ્યો છે. લંકા કાંડના કેન્દ્રમાં પણ ભક્તિ છે. રામેશ્વર મહાદેવજીની સ્થાપના અને રાવણે જે શત્રુતા કરી પણ વેર ભાવથી ભગવાનની ભક્તિ કરી છે. અહીં એક પંક્તિ યાદ આવે  જેમાં રાવણ કહે છે કે, "જાનકી હરણ મેં જાણી જોઈને કીધું, મેં મરણ માંગીને લીધું. એ જ છે આનંદ પુરણકારી પણ મને મારવાને મનુષ્યાદેહ ધારી." તો આ બધી વાત લંકા કાંડમાં વર્ણવી છે. એ જ ભાવ મંદોદરી લંકા કાંડમાં આપે છે કે, "પદ પાતાળ શીષ અજધામા." અર્થાત્ ભગવાન શ્રી રામજીના પગ પાતાળમાં છે ને મસ્તક બ્રહ્મલોકમાં છે. ત્યાં પૂર્ણ બ્રહ્મત્ત્વ છે.

રામાયણમાં વર્ણવેલો ઉત્તર કાંડ એટલે જીવનની ઉત્તરા સહજા અવસ્થા. એટલે જેનું મૃત્યુ સુધરે તે વ્યક્તિ મહાન જીવન જીવ્યો તેમ કહેવાય. આમ, જેનું મૃત્યુ સુધર્યું તે આત્માનો સીધો સંબંધ પરમાત્મા સાથે સધાય છે તેવું આ ઉત્તર કાંડમાં વર્ણવ્યું છે. તેમાં કાગભુષુંડીજી અને ગરૂડજીનો સંવાદ જાણવા મળે છે. કાગભુષુંડીજી ગરૂડજીને કહે છે કે, "દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી તથા સત્સંગ અને સંતના મિલન જેવું કોઈ ઉત્તમ સુખ નથી."

આમ, રામાયણના સાત કાંડ એ ભક્તિના સાત પગથિયાં છે. ભક્તિ કુલ નવ પ્રકારની છે પણ રામાયણના સાત કાંડના માધ્યમથી જો ભક્તિના સાત પગથિયાં ચઢી જઈએ તો બાકીની બે ભક્તિ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય. રામ નવમી કે રામાયણનો સંદેશ એ જ છે કે, ઘરને મંદિર બનાવીએ અને પરિવારના સદસ્યોને આપણે ભગવાન મય જોઈએ.  અસ્તુ.!

પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :