આર્ય સંસ્કૃતિએ નાગ કે સર્પને દેવતા તરીકે સ્વીકાર્યા છે. નાગદેવતા ક્ષેત્રપાલ તરીકે પણ ઓળખાય છે કારણ કે તે ખેતરોનું રક્ષણ કરે છે, શિવજીએ નીલકંઠ બનીને તથા વિષ્ણુએ શેષશૈયા પર શયન કરીને નાગદેવતાનાું મહત્વ સમજાવ્યું છે. આપણા ધાર્મિક પાત્રો અને દેવતાઓનો નાગ કે સર્પ સાથે નાતો ધરાવે છે જેની વિગતો આ પ્રમાણે છે :
શ્રીકૃષ્ણના ભાઈ બલરામ (હળધર) તથા પ્રભુ શ્રી રામના ભાઈ લક્ષ્મણ બન્ને શેષાવતાર કહેવાય છે. ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શેષ શૈયા પર શયન કરે છે. અને તેમનાં ચરણ લક્ષ્મીજી ચાંપે છે. મહાદેવજીનાં ગળામાં સર્પ છે. શ્રીકૃષ્ણે યમુનાનાં ઊંડા જળમાં પ્રવેશીને કાલીય નાગનું દમન કર્યું હતું. શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ઉત્તર પ્રદેશના શિવપુરીની ટેકરીઓ પર ભગવાન વિષ્ણુની શેષશાયી મૂર્તિ વાળું મંદિર આવેલું છે. આપણાં દરેક શિવમંદિરોમાં લિંગની ઉપર નાગ હોય છે.
આપણી આ વિશાળ પૃથ્વી શેષનાગના શિર પર ટકી રહી છે. સમુદ્ર મંથન સમયે પર્વતની બન્ને બાજુ શેષનાગને બાંધીને તેના દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમુદ્રમાંથી રત્નો ઐરાવત્, લક્ષ્મીજી, ઉચ્ચૈશ્રવા:, ઝેર તથા અમૃત તથા અનેક ચીજો નીકળી હતી.
આપણે ત્યાં નાગપાંચમના દિવસે ઘણાં ઘરોમાં ગૃહસ્થો કે પુરૂષો પાણીયારે નાગ દેવતાનાં ચિત્રનું પૂજન કરતા હોય છે. જેમાં દૂધ, ફળ, ફૂલ તથા શ્રીફળ ધરાવામાં આવે છે. ત્યારબાદ આરતી કરવામાં આવે છે. નાગદેવતાનાં મંદિરોમાં પણ નાગદેવતાનું પુજન થતું હોય છે.
એક જાણીતી પુરાણ કથા પ્રમાણે તક્ષ (સર્પ) કશ્યપ તથા કદ્રુનો પુત્ર હતો જે સર્પોનો રાજા હતો. જન્મેજયના સર્પ સત્રમાં સર્પોનો નાશ થયો ત્યારે તે આસ્તિક ઋષિના વચ્ચે પડવાથી બચ્યો હતો.
સર્પ અને નાગનો આપણાં અનેક પાત્રોએ સારો મહિમા ગાયો છે.
મહાદેવજી ગળામાં સર્પ ધારણ કરતા હોવાથી તેમનું એક નામ 'પન્નગ ભુષણ' પણ છે. આપણી જુની ઘણી હિંદી ધાર્મિક ફિલ્મોમાં સર્પદંશની અનેક વાતો બતાવવામાં આવી છે.
સર્પ અને નોળિયાને વેર હોય છે તો સર્પ અને ગરૂડને પણ વેર હોય છે. આપણે ત્યાં ઘણા લોકો જ્યોતિષીઓના કહેવા મુજબ કાળસર્પની વિધિ પણ કરાવતા હોય છે.
સાપ કાંચળી ઉતારે છે તે ત્યાગનો મહિમા દર્શાવે છે. અમુક સાપ કરડતા નથી પણ તેનો માત્ર ફુંફાડો જ ડરાવી દે છે. સામાન્ય રીતે સાપ રાફડામાં કે દરમાં રહેતા હોય છે.
ભગવાન શ્રી રામ તથા ભાઈ લક્ષ્મણને અહિરાવણે સર્પથી બાંધી દીધા હતા અને બન્નેને પાતાળ લોકમાં લઈ ગયો હતો તે રામાયણની વાત જાણીતી છે.
સાપ વિશેની કેટલીક કહેવતો પણ છે જેમકે (૧) સાપ છછુંદર ગળે, (૨) સાપ ગયા ને લિસોટા રહ્યા, (૩) દીકરી સાપનો ભારો, (૪) સંઘર્યો સાપ પણ કામનો વિગેરે.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, 'નાગોમાં હું વાસુકી નાગ છું.'
નાગનાં વિવિધ નામો પણ છે જેવાં કે : નાગ, સર્પ, સાપ, તક્ષક, પૈડકું, વાસુકી, કાલિયા, ફણાધર, પન્નગ, ભુજંગ વગેરે...
આમ નાગને દેવતાનું સ્થાન આપી પુજવામાં આવે છે. નાગ જંગલમાં હોય કે મદારીની ટોપલીમાં તે તેનો સ્વભાવ છોડી શકતો નથી. નાગનું ઝેર જીવલેણ સાબિત થાય છે. આમ છતાં આપણી સંસ્કૃતિમાં દેવો, દાનવો, માનવોનો સંબંધ એક યા બીજી રીતે જોડાયેલો હોય છે. નાગની અનોખી દુનિયાને અંત:કરણનાં વંદન...
- ભરત અંજારિયા


