શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ ગુરૂતત્વ
સાંસારીક મોહ-માયાને કારણે મનુષ્યે મારે શુ કરવું ? અને શું ન કરવું? એવી દુવિધામાં ફસાઈ ન કર્તવ્યચ્યૂત થઈ જાય છે. આવી અસમંજસ સ્થિતીએ, સાચો રસ્તો દેખવા મળે, શાન મળે, પોતાના કર્તવ્યનું ભાન થાય, પોતાના જીવનનું ધ્યેય જોવા મળે... તે ગુરૂતત્ત્વ છે. આ ગુરૂ તત્ત્વ કોઈ સમર્થ વ્યક્તિ કે શાસ્ત્ર દ્વારા પ્રગટ થાય... તેને પોતાનો ગુરૂ માનવો જોઈએ.
યોગસુત્રમાં ઈશ્વરના સ્વરૂપનું કથન કરતા પતંજલિ ઋષિ કહે છે ''ઈશ્વર જ સર્વ પૂર્વ ગુરૂ ઓના પણ ગુરૂ છે. અને કાળથી અવિચ્છિન્ન કાલાતીત છે.'' આમ ખરેખર પરમાત્મા જ આપણા સહુના ગુરૂ છે. સંસારમાં જે કોઈ જ્ઞાન પ્રકાશ મળે છે. તે ભગવાન થકી જ પ્રગટ થાય છે. આથી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, ''હું જ બધી રીતે દેવતાઓ અને મહર્ષિઓનો આદિ અર્થાત્ તેમનો ઉત્પાદક, સંરક્ષક અને શિક્ષક છું.''
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-૧૧માં ભગવાનના પરમ એશ્વર્ય રૂપનું દર્શન થતા અર્જુન આ અંગે પ્રતિસાદ આપતા શ્લોક-૩૭માં કહે છે ''હે દેવેશ, આપ જ સર્વના જન્મના કારણ રૂપ, સૌના નિયામક, સર્વાધ્યજ્ઞા, સોના આદિકર્તા, બધા જ દેવોના માલિક અને જગતના આધાર છો. આપ અક્ષર સ્વરૂપ છો. સત-અસત્થી પણ પર જે કંઈ છે તે સર્વ આપજ છો. આપ ગુરૂઓના પણ ગુરૂ છો.''
શ્રીમદ્ ભગવદ્ગીતા સફળ વેદો-ઊપનિષદો-પુરાણોના જ્ઞાનનો સાર છે. જે સ્વયમ કૃષ્ણના મુખારવિંદમાંથી સરેલી વાણી છે. જેનું સંકલન શ્રી વેદવ્યાસજી કરી, સમગ્ર માનવ જાત માટે કરેલો મોટો ઊપકાર છે. ગીતાના ફક્ત સાતસો શ્લોકોમાં... જીવ અને જગતની તમામ સમસ્યાનું નિરાકરણ બતાવેલ છે. જીવ માત્રના કલ્યાણ માટે તથા પરમ પદ સુધી પહોંચવા માટે, એક ઊમદા દિશા સુચન કરેલ છે.
- મકવાણા વિનોદ એમ.