સફળતા ૫ાછળ સાધનાનું બળ .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
પાબ્લો પિકાસો એક સ્પેનિશ ચિત્રકાર, મૂર્તિકાર, પ્રિન્ટમેકર, સિરેમિકિસ્ટ અને સ્ટેજ ડિઝાઈનર હતા. વીસમી સદીનો એ પ્રભાવશાળી કલાકારોમાંના એક કલાકાર હતા. આ વિવાદાસ્પાદ સમૃદ્ધ કલાકાર હંમેશાં કોઈને કોઈ કારણે ચર્ચામાં રહતા. એમણે તીક્ષ્ણ રેખાઓનો પ્રયોગ કરી ધનવાદ કલાને પુરસ્કૃત કરી, ધનવાદને ક્યુબિઝમ પણ કહે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિકસિત કલાનું આ એક વિશિષ્ટ આંદોલન હતું જે ચિત્રકલા અને મૂર્તિકલામાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં નિમિત્ત બન્યુ હતું.
આ પ્રકારની કલાનો મુખ્ય ઉદ્દેશ વસ્તુઓનો અનેક વાસ્તવિક રૂપમાં કરવાને બદલે એને કંઈક અલગ દૃષ્ટિકોણથી એકસાથે જોવાનો અનુભવ પ્રદાન કરવાનો હોય છે. પિકાસોની કલાકૃતિઓ માનવવેદનાનો જીંવત દસ્તાવેજ છે.
એક સમયે પિકાસો એક રસ્તા પર જઈ રહ્યા હતા. ચિત્રકલામાં ખૂબ જ રસ ધરાવતી એક મહિલાએ જોયું કે સામેના રસ્તા પર જે વ્યક્તિ જઈ રહી છે તે વિખ્યાત ચિત્રકાર પિકાસોને ઘણી જ મળતી આવે છે. યુવતીએ પિકાસો જે દિશામાં જતા હતા એ દિશામાં જવા ઝડપ કરી અને તે રસ્તા પર પહોંચીને જોયું તો તેને પાકી ખાતરી થઈ ગઈ કે આ પિકાસો જ છે. એનો પ્રિય અને મહાન કલાકાર તેની તદ્દન નજદીક હોવાથી તે મહિલા એકદમ ખુશ થઈ ગઈ અને નજીક જઈ અને કહ્યું કે, 'આપ બહુ જ મોટા કલાકાર છો. મારી વિનંતી છે કે મારે માટે એક ચિત્ર બનાવો.' પિકાસો કહે, 'બહેન, અત્યારે નહીં, પણ ક્યારેક હું તમારે માટે ચિત્ર જરૂર બનાવી આપીશ.' મહિલા કહે, 'ના સાહેબ, એવું બિલકુલ નહીં કે તમે મારે માટે ક્યારેક ચિત્ર બનાવો. કારણ કે હું જાણતી નથી એ 'ક્યારેક' નો સમય ક્યારે આવે ? મને તો હમણાં અત્યારે જ મારા માટે એક ચિત્ર બનાવી આપો.' પિકાસો કહે, 'બહેન, અત્યારે મારી પાસે કશું જ નથી તો હું તને કઈ રીતે તારા માટે ચિત્ર બનાવીને આપું?'
પેલી મહિલાએ તો જિદ્ પકડી. એ પિકાસોનો માર્ગ અવરોધીને ઊભી રહી. ટસથી મસ થવા તૈયાર નથી. પિકાસોએ ખિસ્સામાં હાથ નાખ્યો. એક કાગળ મળ્યો. એક કાગળ ઉપર તેણે દસ મિનિટમાં એક ચિત્ર બનાવ્યું અને મહિલાના હાથમાં ચિત્ર આપતાં કહે કે, 'લે, આ મિલિયન ડોલરનું ચિત્ર!' યુવતી હસતી હસતી ચાલવા લાગી ને મનોમન કહે કે, 'માત્ર દસ મિનિટમાં બનાવેલ ચિત્ર કોઈ મિલિયન ડોલરનું હોતું હશે ?! શક્ય જ નથી.'
તે મહિલા ઘરે ગઈ અને રાત્રે વિચારે છે કે, આ પેઈંટીંગનું શું મૂલ્ય છે તે જાણવું પડશે. બીજે દિવસે સવારે માર્કેટમાં ગઈ અને બે-ત્રણ જગાએ પેઈંટીંગ બતાવી તેની બજારકિંમત જાણવાનો પ્રયત્ન કર્યો તો એ મહિલા અચંબામાં પડી કે, 'આનું મૂલ્ય તો બજારમાં ખરેખર મિલિયન ડોલર છે!'
પિકાસો પાસે જઈ અને કહે કે, 'વાહ! શું ચિત્ર બનાવ્યું છે! તમે તો સાચે જ એક મહાન કલાકાર છો. મને તો લાગતું હતું કે મને રાજી રાખવા માત્ર દસ મિનિટમાં એક કામચલાઉ ચિત્ર બનાવીને મને પકડાવી દીધું, પરંતુ ના, આ ચિત્રનું મૂલ્ય તો ખરે જ મિલિયન ડોલરનું છે! હું કલાની ચાહક છું, હંમેશા તમારી કલાની પ્રશંસક છું. મને તમારી શિષ્યા બનાવો. તમારી પાસેથી કલા શીખી, તમે જે દસ મિનિટમાં સર્જન કર્યું એવું ચિત્ર હું દસ કલાકના પરિશ્રમ બાદ બનાવું તો પણ મારું જીવન સાર્થક ગણાય.'
પિકાઓએ કહ્યું કે, 'બહેન! જે મેં દસ મિનિટમાં ચિત્ર બનાવ્યું તેની પાછળ મારા ૩૦ વર્ષનો અનુભવ હતો. ત્રીસ વર્ષનો મારો કલાનો અભ્યાસ એ મારું આ ક્ષેત્રનું તપ હતું. ત્યાર પછી જ મને આ પ્રચંડ સફળતા મળી છે.'
કોઈ એક પ્રોફેસર ૪૫ મિનિટનું તેના વિષયનું સચોટ લેક્ચર આપે તેની પાછળ તેનો વર્ષોનો અભ્યાસ હોય. આ પ્રત્યેક સફળતા પાછળ સાધનાનું બળ હોય છે. કોઈ એક ડોક્ટર માત્ર એક કલાકમાં જટીલ ઓપરેશન સફળતાથી પાર પાડે તેની પાછળ તેનો વર્ષોનો અભ્યાસ અને અનુભવ હોય છે. એક મહાકાય મશીન બંધ પડી જાય, ઘણા પ્રયત્નોથી પણ ચાલુ ન થાય. ત્યાં એક અનુભવી એન્જિનિયર માત્ર પાંચ મિનિટમાં એક હથોડો મારી અને મશીન ચાલુ કરી દે, તે પાંચ મિનિટ પાછળ તેનો વર્ષોનો અનુભવ અને અભ્યાસ હોય છે.
વર્ષોથી મૂંઝાયેલા સાધકને ગુરુજી માત્ર થોડી મિનિટમાં દિશાદર્શન કરાવી તેની મૂંઝવણનો ઉકેલ લાવે તેની પાછળ ગુરુજીનો વર્ષોનો સ્વાધ્યાય અને તપોબળ હોય છે. આમ, સફળતા પાછળ સાધનાનું બળ કામ કરે છે.