વિમાન ઊડયું, આકાશને બદલે અવનિ પર
માણસને જે જગ્યાએ જવાનું હોય તેમાંથી તે અવળે ફંટાય તો ના બનવાનું બની જાય છે. ઊંચે જવાને બદલે નીચે ઊતરાય કે ઊર્ધ્વગમનને બદલે અધોગતિ કરાય તો નિયત આયોજનનો ધ્વંશ થઈ જાય છે. તા. ૧૨ જૂનના દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઊડેલું વિમાન સળગી ગયું. પછી તે પોતાની દિશાએ આભમાં જવાને બદલે ભંગાર કાઠમાળ બનીને અવનિ પર અથડાયું. સાત સમંદર પાર કરીને ગમન કરવા અધીરા બનેલા ૨૫૦ જેટલા યાત્રીઓ ઈગ્લેન્ડને બદલે અલૌકિક ધામમાં પહોંચી ગયા. તેઓ જ્યાં ના પહોંચ્યા ત્યાં છેક ઉપર અંતરિક્ષમાં તેમના સ્નેહીઓની કલાપીટ અને આક્રંદ પહોંચી ગયા. ઊડવા માટે સર્જાયેલા આ વિમાને ધડાક દઈને ધરતી પર પડીને દસ જેટલા સેવાભાવી ડૉક્ટરોને ધરબી દીધા. તેઓને ખબર ન હતી કે સવારે શું થવાનું છે?
આ કિસ્સાને માત્ર અકસ્માતમાં લેખવવાનો નથી. એનાથી ખાતરી થાય છે માણસના જીવનનો ભરોસો નથી. આયુષ્યના દિવસો આપણે નહિ પણ પરમાત્માએ નિર્ધારિત કરેલા છે. જિંદગી ક્ષણભંગુર છે. માણસો અહીં માટીના માંડવામાં દિવસો ગણી રહ્યા છે અને કેટલા દિવસ બાકી હોવાની તેઓને જરાય જાણ નથી. માણસને ક્યાં જવું હોય છે અને તે ક્યાં જઈ ચડે છે એ ગહન બાબત છે. પોતાની જિંદગીની મંજિલ ક્યારે આવશે તેની તેને ખબર હોતી નથી. જન્મ, જીવન અને મરણ એ માનવજીવનની ત્રણ અવસ્થાઓ છે. તેમાંના જનમ તથા મરણના વખત વિષે તે અજ્ઞાત હોય છે. આયુષ્યની મર્યાદા ઈશ્વરે ઠરાવેલી છે. આ પૃથ્વી માણસનું સદાકાળનું નિવાસસ્થાન નથી. તેથી તેનામાં આસક્તિ રાખવાની નથી. આ જીવન હંસ અને દીવા સમાન છે. હંસલો એકલો ચાલ્યો જવાનો છે અને ઝઝૂમતા વાયરે દીવો હોલવાવાનો છે.
એક શ્રીમંતના ખજાના ભરચક હતા. આનંદના અતિરેકમાં તેણે પોતાને કહ્યું, ''કે જીવ ખા,પી અને મોજ કર. તારે માટે યુગોના યુગ ચાલે એટલી સંપત્તિ ભરેલી છે.'' પરંતુ વિમાનના યાત્રીઓની માફક તે રાત્રે તેનું પ્રાણપંખેરું ઊડી જવાનું હોવાથી તેને જાણ ન હતી. તેથી પૃથ્વી પરના આપણા અસ્તિત્વ દરમિયાન ઈશ્વરના વિશ્વાસમાં, ભક્તિભાવમાં, પ્રેમમાં અને માનવ સેવામાં આપણે જિંદગી જીવી જાણીએ તેમાં જ સાર્થકતા થતા શ્રેય રહેલાં છે. ચાલો મોંધી માનવતાને ઊજાળીએ.
- ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી