Get The App

''તીર્થયાત્રા'' તો ત્યારે ''સફળ'' ગણાય .

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
''તીર્થયાત્રા'' તો ત્યારે ''સફળ'' ગણાય                                    . 1 - image

તીર્થ 'યાત્રા''નો અર્થ છે : ઈન્દ્રિયોને પ્રતિકુળ વિષયોમાંથી હટાવી અને અનુકુળ પવિત્ર શુદ્ધ ભાવમાં જોડી દેવી. તીર્થયાત્રા તો તેની 'સફળ ગણાય કે જે તીર્થ જેવો પવિત્ર થઈને ઘેર આવે.'

જાત્રા કરવા જનાર, ભાન રાખતો નથી અને પાપ ભેગું કરીને ઘેર આવે છે. યાત્રા વિધિપૂર્વક કરીએ તો તેનું પુણ્ય મળે છે. યાત્રા ઉપર જતાં પહેલાં આજથી હું બ્રહ્મચર્ય પાળીશ. આજથી હું ક્રોધ નહિ કરું. જૂઠું નહિ બોલું... અપશબ્દો ભરી વાણીને છોડીશ. નિંદા છોડીશ. પ્રતિકુળતાઓ વચ્ચે પણ મનને શાંત રાખીશ. આ પ્રકારની પ્રતિજ્ઞાાઓ પાળી પછી જાત્રાની શરૂઆત કરવી જોઈએ.

આજકાલતો પૈસા વધે એટલે લોકો યાત્રાને બહાને મનોરંજન કરવા નીકળી પડે છે. આવી રીતે તો કાગડાઓ કાશી-મથુરાની યાત્રાઓ કરતા હોય છે. પ...ણ અંદરથી-બહારથી કાળાને કાળા રહે છે. પાપનાં પોટલાં સાથે, પાછા ફરી, એનું પરિણામ ભોગવતા હોય છે.

તીર્થયાત્રા કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પણ આપણાં ધર્મપુસ્તકોમાં છે. જે તીર્થમાં જાવ ત્યાં ઉપવાસ કરવા. શરીરની શુદ્ધિ થાય... પાપ બળે. શરીરમાં સાત્વિકભાવ જાગે છે.

વિદુરજી સાચા અર્થમાં તીર્થ યાત્રા કરી તીર્થ બની જઈ પ્રભુપ્રેમ પ્રાપ્ત કર્યો હતો. યાત્રા દરમિયાન વિદુરજી અવધૂત વેશમાં રહેતા. પવિત્ર અને અલ્પ ભોજન કરતાં. શુદ્ધવૃત્તિથી જીવન નિર્વાહ કરતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતાં ભૂમિ ઉપર શયન કરતા ભગવાનને પ્રસન્ન કરતાં વ્રતો પણ કરતા. મરણ મંગલ અત્ર... સફલ જીવન અત્ર એવું મંગલ તીર્થ હોય છે. એવી દ્રઢશ્રદ્ધા સદા રાખવી પડે ને... નિયમો પાડવા પડે.

તીર્થમાં ગયા પછી કેટલાક જે ન ભાવતું હોય તે છોડવાનો નિયમ લે છે. દા.ત. રીંગણાં ખાવાનું છોડે... કારેલાં ખાવાનું છોડે... આવા નિયમો ફાયદાકારક નથી. ''પાપવિકાર'' છોડો તો લાભ છે. કામ, ક્રોધ-લોભ છોડવાનો નિયમો દ્રઢતાપૂર્વક પાળવા પડે. ભગવાન આપણી સાથે યાત્રાદરમિયાન સાથે જ છે એવી સતત ભાવના રાખવી પડે. યાત્રા દરમિયાન ભૌતિક વસ્તુઓ જોવામાં, ખરીદવામાં, ફક્ત તેમાં જ આનંદ લેવામાં સમય ન જવો જોઈએ. ભગવાનનું ભાવથી સ્મરણ કરતાં કરતાં રહીએ તો, એક એક પગલે પ્રદક્ષિણાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.ઉદાહરણ રૂપ શુધ્ધ-પવિત્ર યાત્રાઓ, અક્રૂરજીએ, વિદુરજીએ, ઉદ્દવજીએ પૂરી કરી જેની નોંધ પુરાણોએ લીધી છે... તેથી તો તેઓ પોતે જ તીર્થરૂપ બની જઈ, પરમાત્મા કૃષ્ણના પ્યારા બન્યા હતા. ધન્ય બની ગયા હતા.

- લાભુભાઈ ર. પંડયા