હિંદુ ધર્મશાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલી પિતૃયજ્ઞા એટલે કે શ્રાદ્ધની અનેરી મહત્તા
ભા રતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધની મહત્તા અનેક પુરાણોમાં દર્શાવાયેલી છે. સંસ્કૃત ભાષાના શ્રદ્ધા શબ્દ પરથી શ્રાદ્ધ શબ્દ બનેલો છે. બે-ત્રણ પ્રકારે એની વ્યાખ્યા કરાય છે. 'શ્રદ્ધયા કૃતં સમ્પાદિતમિદમ્', 'શ્રદ્ધયા દીયતે યસ્માત્ તત્ શ્રાદ્ધમ્', 'શ્રદ્ધાયા ઇદં શ્રાદ્ધમ્'. પોતાના મૃત પિતૃગણના ઉદ્દેશ્યથી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા ખાસ કર્મને શ્રાદ્ધ કહેવાય છે. મહર્ષિ પરાશરે શ્રાદ્ધના લક્ષણો જણાવતાં કહ્યું છે - 'દેશે કાલે ચ પાત્રે ચ વિધિના હવિષા ચ યત્ । તિલૈદર્ભૈશ્ચ મન્ત્રૈશ્ચ શ્રાદ્ધં સ્યાચ્છદ્ધયા યુતમ્ ।। દેશ, કાળ તથા પાત્રમાં હવિષ્ય વગેરે વિધિ દ્વારા જે કર્મ તલ, જવ અને દર્ભ વગેરેથી અને મંત્રોથી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એને શ્રાદ્ધ કહે છે.'
એ રીતે મહર્ષિ મરીચીએ લગભગ આવી જ લક્ષણા બતાવતા કહ્યું છે - 'મૃત પિતૃઓના નિમિચે પોતાને પ્રિય, ભાવતું હોય તેવું ભોજન જેમાં શ્રદ્ધાયુક્ત બનીને આપવામાં આવે તેને શ્રાદ્ધ કહે છે. મહર્ષિ બૃહસ્પતિએ પણ આવો જ મત રજૂ કર્યો છે - જે વિશેષ પ્રકારના કર્મમાં એકદમ સારી રીતે રાંધેલી ઉત્તમ ભોજન વાનગીઓને દૂધ, ઘી અને મધ સાથે શ્રદ્ધાપૂર્વક પિતૃગણને સંતૃપ્ત કરવાના હેતુથી બ્રાહ્મણોને જમાડવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. બ્રહ્મપુરાણમાં પણ શબ્દાન્તરે આ જ બાબત દર્શાવાઈ છે.
શાસ્ત્રોમાં શ્રાદ્ધના અનેક ભેદ વર્ણવાયા છે. મત્સ્યપુરાણ નિત્ય, નૈમિત્તિક અને કામ્ય ભેદતી શ્રાદ્ધ ત્રણ પ્રકારના હોય છે એમ જણાવે છે. યમસ્મૃતિ, કૂર્મપુરાણ અને બૃહસ્પતિસંહિતામાં પાંચ પ્રકારના શ્રાદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે - નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણ. દરરોજ કરાતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. એકોદ્દિષ્ટ, કોઇ નિમિત્તને ધ્યાનમાં લઇને કરાતા શ્રાદ્ધને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય છે. પોતાની કામના-અભિલાષાને પૂરી કરવાના હેતુથી કરાયેલા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે. વૃદ્ધિ સૂતક કાળમાં એટલે કે સંતાનનો જન્મ થાય તે વખતે કરાતા શ્રાદ્ધને વૃદ્ધિશ્રાદ્ધ અને અમાસની તિથિમાં અથવા પર્વના સમયે જે કરાય તે પાર્વણ શ્રાદ્ધ કહેવાય. ભવિષ્ય પુરાણે આ પાંચ ઉપરાંત......., ગોષ્ઠી, શુદ્ધયર્થ, કર્માંગ, દૈવિક, યાત્રાર્થ અને પુષ્ટયર્થ એવા બીજા સાત શ્રાદ્ધ દર્શાવી કુલ બાર પ્રકારના શ્રાદ્ધ જણાવ્યા છે. ઉપર જણાવેલા તમામ પ્રકારના શ્રાદ્ધ શ્રૌત અને સ્માર્ત એવો ભેદ ધરાવે છે. શ્રૌત શ્રાદ્ધમાં માત્ર વેદ પ્રતિપાદિત મંત્રોનો પ્રયોગ થાય છે જ્યારે સ્માર્ત શ્રાદ્ધમાં વૈદિક, પૌરાણિક, તાંત્રિક અને ધર્મશાસ્ત્રોના મંત્રોનો પ્રયોગ થાય છે.
હિંદુઓના આદિ ગ્રંથ વેદોમાં કર્મકાણ્ડ, ઉપાસના કાણ્ડ અને જ્ઞાાન કાણ્ડ ત્રણેયનું વર્ણન છે પણ એમાં મુખ્ય સ્થાન કર્મકાણ્ડને જ મળ્યું છે. કર્મકાણ્ડની અંતર્ગત જ વેદોક્ત વિવિધ યજ્ઞાોની અનુષ્ઠાન પદ્ધતિઓ છે. એમાં પિતૃયજ્ઞાને પણ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. આ પિતૃયજ્ઞાનું જ બીજું નામ 'શ્રાદ્ધ' છે. પિતૃયજ્ઞા એટલે પિતા-માતા વગેરે પારિવારિક સભ્યોના મરણ પછી શ્રદ્ધાપૂર્વક કરાતા પિણ્ડોદક વગેરે બધા કર્મ. વેદોમાં જેને પિતૃયજ્ઞા કહેવાય છે એ જ પુરાણોમાં શ્રાદ્ધ તરીકે ઓળખાય છે.
પિતૃયજ્ઞા એટલે કે શ્રાદ્ધ કરવાથી અનેક લાભ થાય છે. ગરુડપુરાણમાં કહેવાયું છે - આયુ: પુત્રાન્, યશ:, સ્વર્ગં, કીર્તિ પુષ્ટિં બલં શ્રિયમ્ । પશુન્ સૌખ્યં, ધનં ધાન્યં પ્રાપ્નુયાત્ પિતૃપૂજનાત્ ।। શ્રાદ્ધ કર્મરૂપી પિતૃપૂજનથી સંતુષ્ટ થઇને પિતૃમાં વૈભવ, પશુઓ, સુખ, ધન અને ધાન્ય પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા જણાવાયેલો છે. મહર્ષિ જાબાલિ કહે છે - પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુષ્ય, આરોગ્ય, અપાર ઐશ્વર્ય અને મનવાંછિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.'
જે શ્રાદ્ધ દ્વારા મૃત પિતૃઓને સંતુષ્ટ કહે છે. પિતૃ-ઋણમાંથી મુક્ત થઇ દેહાન્તે પરમ પદની પ્રાપ્તિ કરે છે. શ્રાદ્ધ કર્મ માત્ર પિતૃઓને જ નહીં, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ તતા અનેકાનેક દેવોને પણ સંતૃપ્ત અને સંતુષ્ટ કરે છે. જેમના વરદાનથી પિતૃયજ્ઞા-શ્રાદ્ધ કરનાર મુક્તિ પ્રાપ્ત કરી લે છે.