- વ્યસ્ત અને ત્રસ્ત માનવીને દિવ્ય મસ્તીમાં મસ્ત બનાવતો અદ્ભુત ગ્રંથ - વચનામૃત
- માગસર સુદ-ચોથ વચનામૃત ગ્રંથની 206મી જયંતી
- 'વચનામૃત' એટલે કાળના ધુમ્મસને ભેદીને શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પરમહંસોની અધ્યાત્મજ્ઞાાન ગોષ્ઠી સુણાવતો અપૂર્વ ધર્મગ્રંથ છે. તેજના પ્રવાહરૂપ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ પરાવાણીને ઝીલનારા મહર્ષિઓ હતા
- માયા કોને કહેવાય? દેહને વિષે અહંબુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે
કેટલો વ્યસ્ત અને ત્રસ્ત છે માનવી આજે ! દિવસ ઊગે ત્યારથી જ સમસ્યાઓની વણઝાર શરૂ થઈ જાય છે. રાત્રે પણ તે તેનો પીછો છોડતી નથી. પથારીમાં પડયા પછી પણ તે ઊંધી શકતો નથી. જાત જાતના પ્રશ્નો દૈહિક, વ્યક્તિગત, કૌટુંબિક, વ્યવસાયિક, સામાજિક, રાજકીય ઇત્યાદિ. કેટલાક સ્પષ્ટપણે દેખાય - અનુભવાય એવા; તો કેટલાક ગર્ભિત એટલે કે ઉપરથી હસતું મોં રાખીને ફરતી વ્યક્તિઓના આંતરિક અજંપાનો પાર નથી હોતો. પ્રમાણમાં સામાન્ય લાગતી એવી બાબતો, વ્યક્તિને અંદરથી ઉધઈની જેમ કોરી ખાતી હોય છે.
આજના સમયમાં પ્રશ્ન - વિટંબણાઓ કોને નથી હોતા ? એ મોટો પ્રશ્ન છે. વર્તમાન સમયમાં પૈસો-ભૌતિક સમૃદ્ધિ, એ સુખનો પર્યાય મનાયા છે. પરંતુ કહેવાયું છે કે, 'પૈસો વૈભવની ખાતરી આપે, આનંદની નહિ; પૈસો બેડરૂમની ખાતરી આપે, ઊંઘની નહિ.' કહેવાનું તાત્પર્ય એ છે કે, માણસ ઉપરથી સુખી સંપન્ન દેખાય છે, પરંતુ મનથી - હૃદયથી શાંતિ એને મળતી નથી.
તો, શાંતિ મેળવવા કરવું શું ? તો, ભગવાન અને તેમના સત્પુરુષના શરણે જવાથી શાંતિની અનુભૂતિ થાય છે. સમસ્યાના આ જંગલમાં ફસાયેલ વ્યક્તિઓને સાચું દિશાસૂચન, સમજણ, સદ્-અસદ્નો વિવેક ભગવાનના સાચા સંતોના સમાગમથી મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણીનો ગ્રંથ જે 'વચનામૃત' તેના પાને પાને અને શબ્દે શબ્દે માનવીના મનમાં રહેલી સમસ્યાના ઉકેલ જાણવા મળે છે.
'વચનામૃત' એટલે કાળના ધુમ્મસને ભેદીને શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પરમહંસોની અધ્યાત્મજ્ઞાાન ગોષ્ઠી, આત્મિય ગોષ્ઠી સુણાવતો અપૂર્વ ધર્મગ્રંથ છે. તેજના પ્રવાહરૂપ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ પરાવાણીને ઝીલનારા પરમહંસો પણ લક્ષ્યવેધી મહર્ષિઓ હતા. તેઓ શબ્દવેધી હતા. તેઓએ આ 'અમૃત'ના પ્રવાહને ઝીલ્યો, હૃદયસ્થ કર્યો અને ઘરેલું ૭ સંતો સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્.શ્રી મુક્તાનંદસ્વામી, સદ્.શ્રી નિત્યાનંદસ્વામી, સદ્.શ્રી શુકાનંદસ્વામી, સદ્.શ્રી ગ્હ્માનંદસ્વામીએ વચનામૃતની અદ્ભુત રચના કરેલ છે. અને આ ગ્રંથ સૌ સરળ રીતે સમજી શકે તે માટે કચ્છના સંત શ્રી અબજીબાપા અને સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામી એ તેની ઉપર રહસ્યાર્થદીપિકાટીકા કરેલ છે.
વચનામૃત ગ્રંથ સાદી અને સરળ ઘરગથ્થુ ભાષામાં છે. તેથી સામાન્ય માણસ પણ તે સમજી શકે છે. આ ગ્રંથની વિશિષ્ટતા અંગે હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકાના પ્રોફેસર જ્હોન કાર્મેન કહે છે કે, 'દરેક વચનામૃતમાં ચોક્કસ તારીખ આપવામાં આવી છે. ભારતના ધાર્મિક ઇતિહાસના વિદ્યાર્થીઓને આ ભારતીય ઇતિહાસમાં ચોક્કસ તારીખનો અભાવ સતત સતાવે છે. પરંતુ વચનામૃતમાં પ્રત્યેક ઉપદેશની તારીખ ચોક્સાઈપૂર્વક નોંધવામાં આવેલ છે. ઇતિહાસના જ્ઞાાનની બાબતે ધાર્મિક ઇતિહાસમાં આ પ્રકરણ મધ્યાહ્ને તપતા સૂર્ય સમાન છે કે જેમાં ઇતિહાસના જ્ઞાાન વિશે કોઈ પ્રકારનો અંધકાર (અજ્ઞાાન) નથી એટલે કે કશું જ અજાણ્યું નથી.'
આ વચનામૃત ગ્રંથ ઉપર સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, 'આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને, તેનો સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે.'
આવી અદ્ભુત વાણીનો ગ્રંથ એટલે જ વચનામૃત... આવો આપણે એ વાણીનું અલ્પ આચમન કરીએ.
* કલ્યાણ થાય તે માટે શું કરવું ? જેને કલ્યાણને ઇચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહિ. એટલે કે, જે માણસો દારૂ પીતા હોય, માંસનું ભક્ષણ કરતા હોય, ચોરી કરતા, પરસ્ત્રીનો સંગ કરતા હોય, વ્યસની હોય તેવા માણસનો સંગ ના કરવો અને ધર્મવાળા જે માણસો તેના માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચે જ આ જીવનું કલ્યાણ થાય છે.
* માયા કોને કહેવાય ? દેહને વિષે અહંબુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે.
* ભગવાનની પાસે શું માંગવું ? હનુમાનજી, નારદજી, પ્રહ્લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે. જે અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, ને તમારે વિષે પ્રીતિ થાજો, અને ભગવાનને વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો, માટે આપણે એમ માંગવું, તો સુખી થવાય.
* ભક્તનો દેહ પડે પછી તેની શી ગતિ થાય છે ? જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, ભક્તને તો ભગવાન ગરૂડ, રથ કે વિમાનમાં બેસાડીને પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. શાસ્ત્રોના ગૂઢત્તમ રહસ્યો પણ આ વચનામૃત ગ્રંથમાંથી એકદમ સરળ રીતે સમજી શકાય છે અને સવિશેષે કરીને આજના વ્યસ્ત અને અનેક સમસ્યાઓથી ત્રસ્ત માનવીને ભગવાનની દિવ્ય મસ્તીમાં મસ્ત બનવું હોય તો આ વચનામૃત ગ્રંથ જીવનમાં અવશ્ય વાંચવા અને વિચારવા જેવો છે. આવા આ અદ્ભુત ગ્રંથની તા. ૨૫-૧૧-૨૦૨૫ ને માગસર સુદ ચોથના દિવસે ૨૦૬ મી જયંતી આવી રહી છે. તેથી આ દિવસે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ - કમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વચનામૃત ગ્રંથનું પૂજન - અર્ચન અને આરતી કરવામાં આવશે. આપણે પણ સહુ આ ગ્રંથનું પઠન કરીને મોક્ષમાર્ગે વધુ આગળ ડગ માંડીને શેષ જીવનને ધન્ય બનાવીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


