ભગવાન શિવજીનું ધામ એ તો કૈલાસ છે. પણ, કૈલાસ સુધી આપણે તો ન પહોંચી શકીએ. તો આપણા માટે શિવજીનું નામ એ જ મહાદેવજીનું ધામ છે. સતયુગમાં ધ્યાન દ્વારા વ્યક્તિઓ મહાદેવજીના ચરણ સુધી પહોંચતા. ત્રેતાયુગમાં યજ્ઞા દ્વારા શિવ પદની પ્રાપ્તિ થતી. દ્વાપરયુગમાં પૂજન-અર્ચન દ્વારા શિવ પદ સુધી પહોંચાતુ. પણ, સર્વ સામાન્ય મનુષ્યો માટે આ કળિયુગમાં શિવજીનું નામ જ શિવજીના ધામ અને શિવજીના ચરણ સુધી પહોંચાડે છે. વ્યક્તિ શ્રદ્ધાથી શિવજીનું નામ લે તો એ તરી જાય. શિવ મંદિરની ધજાના પણ જો દર્શન મળી જાય તો પાપનો નાશ થાય.
જે પુણ્ય ચાન્દ્રાયણ વ્રત કરવાથી મળે એનાથી કરોડોગણુ પુણ્ય શિવ મંદિરને સ્વચ્છ રાખવાથી પ્રાપ્ત થાય છે. મહાદેવજીના નામોનો ગૂઢાર્થ છે. ભગવાન શિવજીનું નામ છે આશુતોષ. આશુતોષ એટલે કોઈના આંસુ ન જોવાવાળા. જીવનમાં ગમેતેવી પરિસ્થિતિ હોય, જીવ એકવાર સદાશિવને શરણે જાય તો ભગવાન શિવજી પરિસ્થિતિને દૂર કરવાવાળા છે. જ્યારે કામદેવનું દહન મહાદેવજીએ કર્યું ત્યારે કામદેવના પત્નિ રતિ રડતાં-રડતાં આવ્યા. મહાદેવજી એ રતિના આંસુ જોઈ શક્યા નહિં. મહાદેવજીએ કહ્યું કે, 'તમારા પતિને ભલે અંગ નથી તે છતાંપણ એ સર્વજીવમાં વ્યાપશે.' એટલે કામદેવનું નામ 'અનંગ' પડયું. મહાદેવજીની ઈચ્છાથી એ જ કામદેવ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન બનીને આવ્યાં.
મહાદેવજીનું નામ છે નિલકંઠ. સમુદ્ર મંથન સમયે જ્યારે કાળકુટ વિષ નિકળ્યું તો વિષને પણ પોતાના કંઠમાં મહાદેવજીએ રાખ્યું. મહાદેવજી સમજાવે છે કે, 'કોઈ વ્યક્તિ આપણું સન્માન કરે તો બહુ પ્રસન્નતા અનુભવવી નહિં. કારણ કે, ખૂણામાં અપમાન બેઠું જ છે. આ સંસાર એ સમુદ્ર મંથન છે અને સંસારરૂપી સમુદ્રને જ્યારે જીવ મથે છે ત્યારે ક્યારેક-ક્યારેક વિષ પણ નિકળે છે, અમૃત પણ નિકળે છે, રત્નો પણ નિકળે છે. જે બધાને પચાવી શકે એ જ સ્થિતપ્રજ્ઞા છે.' મહાદેવજી કહેવા માંગે છે કે, 'તમે ગમે તે સ્થિતિમાં હોવ તમે મારે શરણે આવો; હું તમારો સ્વિકાર કરીશ.' મહાદેવજીનું નામ છે મહાકાલ. કાળની ગતિ બહુ ગહન છે. કાળ ક્યારે પણ જીવને પકડી લે એનો કોઈ ભરોસો નથી. મહાદેવજીનું સ્મરણ કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. માટે મહાદેવજી મહાકાલ છે. મહાદેવજીનું નામ છે શંકર. શિવ અને શંકર આ બે નામોનો અર્થ એવો થાય છે કે, જગતનું કલ્યાણ તત્ત્વ. શિવ શબ્દમાં જે 'વ' છે એ 'અમૃત વાચક' છે. મહાદેવજીનું નામ છે વિશ્વેશ્વર. વિશ્વ એ શિવજીની મૂર્તિ છે. માત્ર ભગવાન શિવજી મંદિરમાં જ નથી પણ અષ્ટમૂર્તિ સ્વરૂપે એ સમગ્ર જગતમાં બિરાજમાન છે.
ભગવાન શિવજીનું નામ છે પશુપતિ. પશુ એનો અર્થ થાય છે જીવ. આ જીવના જો કોઈ સાચા પતિ હોય તો એ શિવ છે. પણ, એ શિવજીને નિરખવા માટે આપણી દ્રષ્ટિની પવિત્રતા જોઈશે. માટે જ આપણે ભગવાન શિવજી પાસે માંગીએ છીએ કે, 'આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું.' આપણી જેવી દ્રષ્ટિ હશે એવી શ્રૃષ્ટિ આપણને ભાસસે. વેદોમાં પણ ભગવાન પાસે માંગ્યુ છે કે, 'અમે અમારા કાનથી સારું સાંભળીએ, અમે અમારી આંખોથી સારું જોઈએ.' પણ એના માટે માત્રને માત્ર દ્રષ્ટિની પવિત્રતા જોઈશે. આ દ્રષ્ટિ આપવાવાળા શિવજી છે. માટે જ ભગવાન શિવજીના નામો એ સમગ્ર જીવનું કલ્યાણ કરવાવાળા છે. આપણા માટે તો શિવજીનું નામ એ જ શિવજીનું ધામ છે. તો નામરૂપી ધામનો અનુભવ કરી આપણે આપણા જીવનને શિવમય બનાવીએ એ જ અભ્યર્થના...!
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


