- શિવ એજ કલ્યાણ. સમુદ્રમાંથી નિકળેલું હળાહળ વિષ પીને સંસારને બચાવનાર અને સ્મશાનમાં રહીને જગતનું માંગલ્ય સાધનાર, લંગોટી પહેરીને વિશ્વને સમૃદ્ધિ આપનાર, વિશ્વકલ્યાણ માટે જીવનાર એ શિવનું દર્શન કરતાં જ મન હળવું થઈ જાય છે. પ્રસન્નતા અનુભવે છે. જીવનમાં શાંતિ અને આશ્વાસન મળે છે
- ત્રિમૂર્તિનું વચલું મુખ શિવનું છે. ધ્યાન મગ્ન, રૂદ્રનાં મુખ કરતા તેની પ્રતિમા કંઈક જુદી જ છે. રૂદ્રનું સ્વરૂપ જેટલું રૂદ્ર દેખાય છે તેટલું જ, શાંત અને સૌમ્ય સ્વરૂપ શિવનું છે. જાણે કે માનવને ચિર:કાળ માટે આશ્વાસન આપતું ન હોય ! જાણે એમ કહેતું ન હોય કે 'દીકરા ગભરાતો નહિં'મારી પાસે આવ. હું તને આશરો આપીશ
શિવપુરાણમાં શિવજી કહે છે કે 'હે વિષ્ણુ ! હે હરે ! હું સ્વભાવથી નિર્ગુણ હોવા છતાં પણ સંસારની રચના-સ્થિતિ-અને પ્રલયનાં કારણે રજ, સત્વ અને તમો ગુણથી ક્રમશ: રજ, સત્વ અને તમ એ ગુણોથી ક્રમશ: વિષ્ણુ, બ્ર્હમા અને રૂદ્ર (શિવ) એ ત્રણેય નામોથી વિભક્ત થતો રહ્યો છું -
त्रिधा भिन्नो हयह ब्रह्माविष्णुहनसरव्यया ।
सर्गरक्षा लय गुणै निष्कलोडपि सदा हरे ।।
(શિવપુરાણ જ્ઞાનકાંડ ૪/૪૧)
''વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહાર (બ્રહ્મા-વિષ્ણુ અને શિવ) આ ત્રણેય ભાવોથી ભાવિત થનારા આપ રજોગુણથી અવિષ્ટ થઈને ચરાચર સંસારને ઉત્પન્ન કરો છો તથા સત્વગુણયુક્ત થઈને વિષ્ણુરૂપથી પાલન કરો છો તથા તમોગુણ ધારણ કરીને સંહાર પણ કરો છો'' (દે.પુરાણ - ૮૩/૧૩)
આ રીતે અવ્યક્ત, બ્રહ્મ સ્વરૂપ, સર્વવ્યાપી નિરાકાર, નિર્ગુણ તથા ઉત્પત્તિ-સ્થિતિ-અને લય કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ છે. અંગ્રેજીમાં Rþ તત્વને 'GOD' કહે છે.
G - Generator - સર્જનહાર,
O - Operator - પાલનહાર
D - Destractor - સંહારક
આમ જોવા જઈએ તો પ્રત્યેક વ્યક્તિ પોતે જીવનમાં સર્જનનું કામ કરે છે તે સર્જનને સંભાળે છે અને તેનો નાશ પણ કરે છે.
પ્રત્યેક માણસમાં ગર્ભનિર્માણથી માંડીને મૃત્યુ સુધી શરીરને અણુ-અણુમાં (Cell) માં આ પ્રમાણેનું જ કામ થયા કરે છે. ગર્ભમાં નિર્માણ થાય છે. પછી વિકાસ થતાં થતાં અંતે મૃત્યુ પામે છે. જે મેટાબોલીક, એનાબોલીક અને કેટાબોલીકની પ્રક્રિયા તરીકે વૈજ્ઞાનિકો ઓળખે છે જેથી Unicellulus body તરીકે ઓળખાય છે.
- સમગ્ર વિશ્વ એટલે ત્રિમૂર્તિનો વિલાસ :-
મૂળ વાત, આ વિશ્વ એટલે ત્રિમૂર્તિનો વિલાસ છે, ત્રિમૂર્તિની લીલા છે. ત્રિમૂર્તિની એક ક્રિડા છે.
ભારતીય સંસ્કૃતિનો આધાર તથા મહાન પ્રતીક માટે, તેની ભાવના, ભવ્યતા અને મહાનતા માટે બેમત નથી જ. પરંતુ તેના માટે એક બીજો વિચાર પણ પ્રવર્તે છે. એ ત્રિમૂર્તિ માટે બીજી પણ એક સમજણ પ્રચલિત છે.
તે વિચારસરણી એ ત્રિમૂર્તિમાં જ એક જ ચૈતન્યની ભિન્ન ભિન્ન કૃતિ મુજબ. ભિન્ન ભિન્ન સ્વરૂપનાં દર્શન થાય છે. ફરક એટલો જ તેના કારણોનો છે તે ત્રણે ભિન્ન રૂપોમાં ઉગ્ર સ્વરૂપ તે રૂદ્ર (શિવ) છે. તે સંહારક છે. સૌમ્ય, શાંત અને કલ્યાણકારી રૂપ એ શિવ છે. એક જ ઇશત્વની એ દ્વિવિધ પ્રવૃત્તિ છે. અને પ્રકૃતિ એ બન્નેની પ્રેરણાથી કાર્ય કરનારી મહાન શક્તિ તે 'ઉમા' છે એ ત્રીજુ રૂપ છે. તે શક્તિ રૂદ્રને વળગી રહી છે અને શિવને છોડતી નથી. પોતે કાર્યરૂપ છે અને શિવ અને રૂદ્ર તેના પ્રેરક છે.
રૂદ્ર સંહાર કરવાનું કહે ત્યારે તે સંહારે છે. અને શિવ સંભાળવાનું કહે ત્યારે તે સંભાળે છે. સંચાલન કરે છે. આમાંથી જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય નિર્માણ થાય છે.
આ ત્રણેને લક્ષમાં રાખી ઋષિઓને કલાવંતોને થયું કે આ ત્રણેય એક ચૈતન્યના જુદા જુદા પાસા છે અને જુદી જુદી કૃતિ છે. તો તેનું ઐક્ય શા માટે ન કરવું ? અને આ ત્રણેય ભાવોનું વ્યક્ત કરતું પ્રતિક એટલે ત્રિમૂર્તિ.
- સ્વરૂપ :
એ મૂર્તિનાં દર્શન પણ ભવ્ય છે. તેમાંનું પહેલું મોઢું રૂદ્રનું - ભયોત્પાદક અને સંહારક છે. તે નેત્ર ખોલશે તો જાણે પ્રલયકાળનો અગ્નિ હમણાં જ આંખમાંથી ઝરવા લાગશે. બ્રહ્માંડનો ગ્રાસ તો નહીં કરી નાખે - એવો રૂદ્રભાવ નિર્માણ થાય છે. અને રૂદ્રનો અર્થ પણ તેવો જ થાય છે. રૂદ્ર એટલે રડાવનાર.
रोदयति सर्वमन्त काले इति रुद्रः ।
એ ત્રિમૂર્તિનું વચલું મુખ શિવનું છે. ધ્યાન મગ્ન, રૂદ્રનાં મુખ કરતા તેની પ્રતિમા કંઈક જુદી જ છે.
રૂદ્રનું સ્વરૂપ જેટલું રૂદ્ર દેખાય છે તેટલું જ, શાંત અને સૌમ્ય સ્વરૂપ શિવનું છે. જાણે કે માનવને ચિર:કાળ માટે આશ્વાસન આપતું ન હોય ! જાણે એમ કહેતું ન હોય કે 'દીકરા ગભરાતો નહિં' મારી પાસે આવ. હું તને આશરો આપીશ. તું ચિંતા કરીશ નહીં. હું તારો યોગક્ષેમ સંભાળીશ.
ગીતામાં આપેલું વચન જાણે ચરિતાર્થ કરતું ન હોય.
अनन्याश्चिन्तयोन्तो मां,
ये जनां पर्युपासयते ।
तेषां नित्याभियुकानां,
योगक्षेणं वहाम्यहम् ।।
(ગીતા. ૯/૨૨)
અન્ય બધું છોડીને મારી ઉપાસના કર, મારે આશરે આવ, તારા યોગક્ષેમની હું રક્ષા કરીશ.
શિવ એજ કલ્યાણ. સમુદ્રમાંથી નિકળેલું હળાહળ વિષ પીને સંસારને બચાવનાર અને સ્મશાનમાં રહીને જગતનું માંગલ્ય સાધનાર, લંગોટી પહેરીને વિશ્વને સમૃદ્ધિ આપનાર, વિશ્વકલ્યાણ માટે જ જીવનાર એ શિવનું દર્શન કરતાં જ મન હળવું થઈ જાય છે. પ્રસન્નતા અનુભવે છે. જીવનમાં શાંતિ અને આશ્વાસન મળે છે.
ત્રીજી મુદ્રા એ મનોહારી, અતિ નાજુક જાણે કે મૂર્તિનું સૌંદર્ય ઠલવાયું ન હોય ! વ્હાલસોયી વાત્સલ્યભરી તેની મુખમુદ્રા જાણે શીશુને જન્મ આપી સ્તન પાન કરાવતી જનેતાની મુખ મુદ્રા ન હોય ! આ સર્વ ભાવોનો આવિષ્કાર એટલે શક્તિ - માની મુખ મુદ્રા એ ત્રિમૂર્તિની ત્રીજી મુખમુદ્રા છે.
ઙ્મ વિશ્વનું ત્રિગુણાત્મક સ્વરૂપ - ત્રિમૂર્તિ
શ્રીમદ્ ભગવત્ ગીતાની દ્રષ્ટિએ વિચાર કરતા વિશ્વનું સ્વરૂપ જ ત્રિગુણાત્મક છે.
तत्र सत्वं निर्मलत्वात्
तमः प्रमादे संजत्युत् ।।
(ગીતા. ૧૪/૬/૯)
'હે નિષ્પાપ અર્જુન! એ ત્રણે ગુણોમાં પ્રથમ સત્વ ગુણ અત્યંત સ્વચ્છ હોવાથી પ્રકાશ કરનાર અને ઉપદ્રવ વિનાનો છે. સુખ અને જ્ઞાનનાં સંગે
બાંધે છે.'
'હે ભારત ! સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં જોડે છે પણ તમો ગુણ જ્ઞાનને ઢાંકી દઈને અવશ્ય પ્રમાદમાં જોડે છે.
જગતની પ્રત્યેક વસ્તુમાં વત્તા-ઓછા પ્રમાણમાં આ ત્રણ ગુણો છે. આજ આશય ત્રિમૂર્તિમાં વ્યક્ત થાય છે. શક્તિ એ રજોગુણનું સ્વરૂપ, શિવ એ સત્વગુણનું સ્વરૂપ અને તમો ગુણ રૂદ્રના સંહારક સ્વરૂપનો જ દ્રષ્ટિગોચર થાય છે.
ભવ્ય-રૂદ્ર-સૌમ્ય આ બધા તત્વો કે સત્વો એ બુદ્ધિથી અગમ્ય રહે છે. પણ હૃદયથી તે ગમ્ય
બને છે. વિરાટ ભાવ વ્યક્ત કરવું પ્રતીક એટલે ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિ એટલે ભારતીય દર્શનની પ્રતિમા. એ ભારતીય તત્વજ્ઞાનનો ઉદ્ઘોષ કરતું પ્રતીક છે.
- સાર :
આપણા ઋષિઓને સર્જન, પાલન અને સંહાર એ ત્રણેય પ્રક્રિયામાં એ ઇશ્વર શક્તિના દર્શન થયાં. એ તે ઇશ શક્તિને ચૈતન્યને, પુરુષનું સ્વરૂપ મળ્યું. એક જ ચૈતન્ય હોવા છતાં કૃતિ ભિન્નતાને કારણે સર્જનહાર બ્ર્હમા, પાલનહાર વિષ્ણુ અને સંહાર કરનાર - લય કરનાર શિવ, એ ત્રણેયને એક મૂર્તિમાં સમાવી ભાવનાનો કસબ ચડાવી 'ત્રિમૂર્તિ' તરીકે ઓળખ આપી તેનું પૂજન કર્યું.
- ત્રણેય દેવો જુદા જુદા છે ?? :
કેટલાકને એવો સવાલ પણ થાય કે આ એક જ દેવ હોય તો ત્રણ જુદાં જુદાં નામો કઈ રીતે હોઈ શકે??
વ્યવહારમાં પણ એક વ્યક્તિ તેની કૃતિની ભિન્નતાને લીધે જુદી જુદી રીતે નથી ઓળખાતી ?? ધંધાકીય ક્ષેત્રમાં તે માલિક-નોકર કહેવાય છે અને પરિવારમાં પિતા કાં તો પતિ કહેવાય છે. તે જ રીતે આ ઇશશક્તિ-ચૈતન્ય એક - પણ તેની કૃતિ ભિન્નતાને લીધે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (શિવ) એમ જુદા જુદા રૂપે ઓળખાય છે પણ એ ત્રણે એક જ હોવાથી તેને એક જ મૂર્તિમાં સ્થાપી તેનું પૂજન કર્યું. ઉપાસનાના ભેદ રાખી ઐક્ય સાધ્યું. અને આમ પણ પૌરાણિક દ્રષ્ટિએ વિચારવાનું હોય તો તેમાંય ક્યાંય ભેદ નથી.
શ્રીમદ્ ભાગવત્ માં ભગવાન વિષ્ણુ દક્ષ પ્રજાપતિ ને કહે છે કે-
त्रयाणामेकं भावनां...,
यो पश्यति वै भिद्राम् ।
सर्वभूतात्मनां ब्रह्मान्,
सः शान्तमधि गच्छति ।।
હે વિપ્ર ! અમે ત્રણેય એકરૂપ છીએ, અને સમસ્ત ભૂતોનાં આત્મા છીએ. આમારામાં ભેદભાવ નહીં રાખનાર વ્યક્તિ નિ:સંદેહ શાંતિ (મોક્ષ) પામે છે.
- ડો. ઉમાકાંત જે. જોષી


