Get The App

મયૂરેશ્વરનું પ્રાગટય .

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
મયૂરેશ્વરનું પ્રાગટય                                        . 1 - image

જ્યારે સિંધુદૈત્યે દેવો પર વિજ્ય પ્રાપ્ત કર્યો ત્યારે ભગવાન શંકર-પાર્વતી સહિત સર્વે ગણોને લઈ ત્રિસંધ્યા ક્ષેત્રમાં રહેવા ગયા.ગૌતમાદિ ઋષિઓ પણ દૈત્યોથી ભય પામીને ત્યાં નિવાસ કરતા હતા. ભગવાન શિવને ત્યાં આવેલા જોઈ સર્વ ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી અને ત્યાં ભગવાન માટ આશ્રમ બનાવ્યો. મહાદેવ, ગંગા, ગૌરી અને ગણો સહિત નિવાસ કરવા લાગ્યા. એક દિવસ માતા પાર્વતીજીએ મહાદેવને પૂછયું કે તમે કોને પ્રસન્ન કરવા તપ કરો છો!? ત્યારે મહાદેવજીએ કહ્યું કે, હે દેવી ! જેનાં શક્તિ, ગુણ, કર્મ સઘળું અનંત છે. અનંત બ્રહ્માંડ જેનામાં વસે છે, જેઓ સર્વે ગુણોના ઈશ છે તેવા 'ગુણેશ'નું ધ્યાન ધરું છું. ત્યારે પાર્વતી માતાએ પૂછયું કે મારે પણ તેમને પ્રસન્ન કરવા છે માટે મને પણ કહો કે ક્યા ઉપાયથી એમનું દર્શન હું કરી શકું. ત્યારે ઉત્તર આપતાં મહાદેવજીએ કહ્યું કે, એકનિષ્ઠ આરાધના અને નિર્મલ તપશ્ચર્યાથી તેઓ પ્રસન્ન થાય છે. તમે ભગવાન ગુણેશના એકાક્ષરી મંત્ર 'ગં' નો જપ કરો. આ સાંભળી માતા પાર્વતીજી લેખનાદ્રિ ક્ષેત્રમાં ગયા અને બાર વર્ષ સુધી તેમની તપશ્ચર્યા કરી ભગવાન ગુણેશને પ્રસન્ન કર્યાં.

ત્રિમૂર્તિ ગુણેશના દર્શનથી માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. ભગવાન ગુણેશે મનોવાંચ્છિત વરદાન આપતાં કહ્યું કે, હે માતા હું નિશ્ચિત આપના પુત્ર રૂપે પ્રગટ થઈશ અને આપની અને જગતની કામનાઓ પરિપૂર્ણ કરીશ. તેમ કહી દેવદેવેશ ગુણેશ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી માતા પાર્વતીએ ભગવાન ગુણેશની સુંદર પ્રતિમાની સ્થાપના કરી અને એતી પૂજા કરી એનું નામ રાખ્યું 'ગિરિજાત્મજ.'  

ભગવાન ગુણેશના થનાર અવતારની વાત સર્વત્ર પ્રસરી ગઈફ ઋષિ, મુનિઓ અને દેવગણ ભગવાન ગુણેશના નિરંતર જાપ કરવા લાગ્યા. ત્યાં ભાદ્રપદ શુક્લ ચતુર્થી આવી. એમાં શુભ ચંન્દ્રવાર, સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નનો યોગ હતો અને પાંચ શુભ ગ્રહ એકત્ર હતા. એ સમયે જગદંબા પાર્વતી ભગવાન ગુણેશની ષોડશોપચારથી પૂજા - પ્રાર્થના કરી રહ્યા હતાં. ત્યાં એમની સન્મુખ પરમ તેજસ્વી મહામહિમ ગુણેશ પ્રગટ થયાં અને કહ્યું કે, હે માતા પાર્વતી હું તમારા ઘરે અવતરિત થયો છું. પાર્વતીજીની સામે સ્ફટિકમણિ જેવું ષડ્ભુજત્રિનયન શિશુ ક્રીડા કરવા લાગ્યું. અત્યંત મંગલમય શરીર, કોટિ કોટિ શશિવર જેવું હતું. તેજ સમયે પ્રકૃતિ મનોરમ થઈ ગઈ, શુષ્ક વૃક્ષો પલ્લિત થઈ ગયાં, દેવોના દુંદુભિ વાગવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. માતા પાર્વતી મહાદેવજી પાસે ગયાં અને પાર્વતીવલ્લભે એ શિશુને પોતાના ખોળામાં લીધું અને આશીર્વાદ આપીને કહ્યું કે હે દેવી ! તમે કઠોર તપથી જે વિભુનો સાક્ષાત્કાર કર્યો હતો એ ગુણાતીત પરમાત્મા ગુણેશ તમારા પુત્રરૂપે પ્રગટ થયાં છે. પાર્વતીના હૃદયમાં માતૃપ્રેમની ભરતી આવી અને અનંત, અનાદિ પરબ્રહ્મ પુત્રરૂપે જનની પાર્વતીના ખોળામાં પોઢી બાળલીલા કરવા લાગ્યા.

ભગવાન ગણેશના જન્મથી ભગવાન શંકર, માતા પાર્વતી અને શિવગણ, અરણ્યમાં નિવાસ કરનાર ઋષિઓ, તમામ હર્ષવિભોર થઈ ગયા. સર્વત્ર મંગલ મહોત્સવ થવા માંડયો. ભગવાન વિનાયકની સર્વત્ર શ્રદ્ધામયી સ્તુતિ થવા લાગી અને નિરંતર મંગલમય નામજપ થવા લાગ્યાં. અગિયારમાં દિવસે ઋષિઓએ અને સર્વે ગણો એકત્રિત થયા અને શિશુનું નામકરણ થયું. આ શિશુ સર્વેશ્વર અને સર્વે ગુણોનો આગાર છે એ સર્વે વિઘ્નો હરી લેનાર છે અને સર્વત્ર સર્વપ્રથમ પૂજનિય થઈ પુજાશે એટલે એનું નામ ગુણેશ રાખવામાં આવ્યું. દૌહિત્રના જન્મનો વૃત્તાંત સાંભળી હિમગિરિ અત્યંત પ્રસન્ન થતા પરિવાર સહિત ભગવાન શિવના આશ્રમમાં આવી પહોંચ્યા. એમણે દૌહિત્રને અનેક ઉપહારો અર્પણ કર્યાં અને બાળકનું નામ રાખ્યું 'હેરમ્બ'. શિશુના લક્ષણો જોઈને એમણે એમની પુત્રી પાર્વતીને કહ્યુ કે બેટી ! આ બાળક અદ્ભુત, અલૌકિક અને સર્વસમર્થ છે. એ જરૂર બધાનું હિત કરશે. એ ધરણીનો ભાર ઉતારશે. તેમ કહી હિમગિરિ શિવ, પાર્વતી અને એમના શિશુને આશીર્વાદ આપી વિદાય થયાં.

- પ્રજ્ઞાાચક્ષુ ડૉ. કૃણાલ જોષી