Get The App

મનુષ્ય જીવનનાં મુખ્ય કર્મો : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

Updated: May 4th, 2022

GS TEAM


Google News
Google News
મનુષ્ય જીવનનાં મુખ્ય કર્મો : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 1 - image

મનુષ્ય જીવનનાં ચાર કર્મો મુખ્ય છે. તે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પહેલાં ધર્મથી શરૂઆત થાય છે. વિદ્યાભ્યાસ એ પ્રથમ ધર્મ છે. સદ્ધિદ્યા, તાંત્રિક (ટેકનિકલ) વિદ્યા, અર્થોપાર્જનની રીતો, ઈચ્છાઓની પૂર્તિ, અને મોક્ષની જાણકારી વગેરે બાબતોનું જ્ઞાાન મેળવવું તે ધર્મ છે. ધર્મ એટલે ફરજ એવો અર્થ પણ અહીં છે. જે દરેક મનુષ્યોને સ્પર્શે છે. પછી તે શીખેલી વિદ્યાઓનો કર્માભ્યાસ.

અર્થોપાર્જન એ બીજું કર્મ. અહીં ધર્મને સાથે રાખીને જ અર્થોપાર્જન કરવાનું છે. અવૈધિક સંપત્તિ ન આવી જાય, તે ધર્મ. આવક નિતિ, રીતિ અને પ્રિતિથી થવી જોઈએ. નૈતિક રીતે થતી આવક કોઈ પણ જાતનાં ટેન્શન વગરની હોય છે. તે માટે સ્પષ્ટ નિતિ હોવી જોઈએ. એની રીત પણ વ્યવહારૂ હોવી જરૂરી છે. વ્યવસાય, રોજગાર કે નોકરી માટે સાચી પ્રીત કે લગની હોવી જોઈએ. વાર્ષિક આવકના ૨૫ % અનામત બચત રાખવી. જે આગળ ઉપર ઉપયોગી થાય છે. અહીં ધર્મ અને અર્થ સાથે ચાલવાં જોઈએ. પછી કામ આવે છે. તેમાં બધી કામનાની પૂર્તિ કરવાની છે. કામના અને વાસનામાં મૂળભૂત ફરક છે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.

સદ્ ઈચ્છાઓની પૂર્તિ કરવી તે કામ. ધર્મ અને અર્થને તો સાથે જ રાખવાનાં છે અને ઈચ્છાઓની પૂર્તિ કરવાની છે. જેમાં પુત્રેષણા, ધનૈષણા વગેરે એષણાઓ આવે છે. આવી ઈચ્છાઓની પૂર્તિ કરવી એ ફરજ થાય છે. કુટુમ્બ, માતા-પિતા, બાળકો, આશ્રિતો વગેરેનું ધ્યાન રાખવું. માતા-પિતાનાં માન સન્માન સાથે કાળજી રાખવી, બાળકોને સારૂં શિક્ષણ અને તાલીમ આપવી, આશ્રિતોને તેના કામનું યોગ્ય વળતર સમયસર ચૂકતે કરવું. આવી ઈચ્છાઓની કામના રાખવી અને તેને સમયસર પુરી કરવી.

મોક્ષ એ છેલ્લું કર્મ છે. જેમાં અર્થ અને કામ છુટી જાય છે, પણ ધર્મ કે ફરજ સાથે રહે છે. જરૂર પડે ત્યાં જ સલાહ શિખામણ આપવી. તે પણ કોઈ તે માગે તો જ. બધા વિચારોથી અળગા થતા રહેવુ. અહીં ધર્મ એટલે ફરજ અને ધ્યાન. ઈષ્ટનું સ્મરણ, આમ ધર્મ તો છેવટ સુધી સાથે જ રહેવાનો હોય છે. અને ધર્મનું રક્ષણ કરવાથી ધર્મ પણ આપણું રક્ષણ કરે છે.

જીવનમાં ધર્મ જ અગત્યનો છે. તેને એટલે જ પ્રથમ સ્થાન આપ્યું છે અને તે અંતિમ સમય સુધી સાથે રહે છે. તે પછી જ અર્થને સ્થાન મળે છે. જીવન ચલાવવા માટે અર્થોપાર્જન પણ આવશ્યક છે. આડકતરી રીતે અર્થનું મહત્વ બતાવ્યુ છે અને સમર્થન કર્યું છે. તેની આવશ્યકતા કામનાઓની પૂર્તિ માટે છે. તેથી તે અર્થ અને કામ જોડે જ ચાલે છે. અહીં 'કામ' નો અર્થ છીછરો કે મર્યાદિત નથી. પણ વિશાળ છે. જેમાં ફરજ અને જવાબદારીઓનો પણ સમાવેશ કરેલો છે.

- ડો. ભાલચન્દ્ર હ. હાથી

Tags :