Get The App

દુષ્ટો માટે 'પ્રભુ' ભયંકર છે, ને પ્રેમભક્તો માટે કમળ જેવા કોમળ અતિ પ્રેમાળ છે

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
દુષ્ટો માટે 'પ્રભુ' ભયંકર છે, ને પ્રેમભક્તો માટે કમળ જેવા કોમળ અતિ પ્રેમાળ છે 1 - image

વિષ્ણુસહસ્રનામમાં ભગવાનને દુષ્ટો માટે ભયરૂપ- ભયકારક અને પોતાના વ્હાલા ભક્તો માટે, ભયનો નાશ કરનાર, કમળ જેવા કોમળ.. અતિ પ્રેમાળ ગણાય છે.

ભક્ત પ્રહ્લાદના જીવનચરિત્રમાં ઉપરના કથનને સત્ય સાબીત કરતો 'કીર્તનનો, અવિસ્મરણીય, અદ્ભૂત પ્રસંગ આવે છે. ભગવાન નિષ્કામ પ્રેમભક્તિથી જ પ્રસન્ન થાય છે. દુષ્ટ પિતા 'હિરણ્યકશિપુએ' ભક્ત 'પ્રહ્લાદને' શંડામર્ક ગુરુ પાસે ભણવા મોકલ્યો. એક દિવસ ગુરુ 'શંડામર્ક' બહાર ગયેલા જાણી બાળકોએ દડો લઈ રમવા નિ:શ્ચય કર્યો. પ્રહ્લાદે કહ્યું, 'હું આજે તમને એક નવીન રમત બતાવીશ. પ્રહ્લાદે બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો કે 'कौमार आचरेत् प्रज्ञो धर्मान् भागवतानिह - મિત્રો, મનુષ્યજન્મ ઘણો દુર્લભ છે. તેના દ્વારા જ અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ.'

દૈત્ય બાળકો પૂછે છે, પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ? પ્રહ્લાદે કહ્યું,'તમારા દૈત્યપણાનો, આસુરીભાવનો નાશ કરો. પ્રેમથી દરેકનું ભલું કરો.. ભગવાન પ્રસન્ન થશે. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન.'કીર્તન' કરવાથી મનનો મેલ ધોવાય. હૃદય વિશુધ્ધ બને.

'કીર્તનમાં તાળી પાડવાથી નાદબ્રહ્મ થાય છે. 'નાંદબ્રહ્મ અને 'નામ' બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. ચાલો ત્યારે આપણે પ્રેમથી તાળી પાડી નામસંકીર્તન કરીએ.'

પ્રહ્લાદ કીર્તન કરતાં કરતાં મંત્ર બોલવા લાગ્યાં. 'હરે રામ હરે રામ, રામ...રામ.. હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સર્વ દૈત્ય બાળકો પણ મંત્ર સાથે તાળીઓ પાડી કીર્તન કરવા માંડયા. પ્રહ્લાદકીર્તન કરતાં કરતાં નાચવા માંડયા. બાળકો પણ પ્રભુભજન કરતાં નાચવા લાગ્યા.

એટલામાં શંડામર્ક-ગુરુ ત્યાં આવ્યા. તેઓ કહેવા માંડયા. 'અરે ! હિરણ્યકશિપુને ખબર પડશે તો અનર્થ થશે. તેમણે પ્રહ્લાદજીને કહ્યું, 'અરે. તે આ શું માંડયુ છે. ભજન બંધ કરો. પણ કોણ સાંભળે ? શંડામર્કે પ્રહ્લાદનો હાથ પકડયો. પણ પ્રહ્લાદનું શરીર તો પ્રભુ પ્રેમમાં દિવ્ય થઈ ગયું હતું. શંડામર્ક ગુરુએ પ્રહ્લાદના દિવ્ય શરીરનો સ્પર્શ કરતાં જ તે પણ સૌની સાથે કીર્તન કરતા નાચવા લાગ્યા. એટલામાં ઓચિંતો હિરણ્યકશિપુએ તપાસ કરવા પોતાના બે ત્રણ સેવકોને મોકલ્યા. પણ એ બધા દિવ્ય બાળકોને અડતાં જ બધા સાથે સેવકો પણ નાચવા લાગ્યા. જેટલા સેવકો આવ્યા તે બધા બાળકોને સ્પર્શ કરતાં જ નાચવા લાગ્યા. ત્યાં હિરણ્યકશિપુ આવ્યો. તે એકદમ ગુસ્સે થઈ ગયો. ને એક રાજસેવકને પકડીને નીચે બેસાડી દીધો. સ્પર્શ કરવા છતાં દિવ્યતાના સ્પર્શની કાંઈ તેના ઉપર અસર ન થઈ. કારણકે તે અતિદુષ્ટ દૈત્ય હતો. પ્રહ્લાદને પકડી તે ધરતી ઉપર પછાડવા ગયો. પણ ધરતી માતાએ પ્રગટ થઈ તેને ખોળામાં ઝીલી લીધો.

પ્રહ્લાદે કહ્યું,' મારો પ્રભુ આ થાંભલામાં છે. હિરણ્યકશિપુએ થાંભલાને તોડયો. ત્યાં તો તેમાંથી નૃસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. ને ઘરનાં ઉંબરામાં નરસિંહ ભગવાને નખથી હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. પોતાની સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન પ્રગટ થયા હતા. ભક્ત પ્રહ્લાદને પોતાની ગોદમાં લઈ વાત્સલ્યભાવે પ્રેમ વરસાવવા માંડયા.

આ પ્રસંગ જાણે તમોગુણ અને સત્વગુણ વચ્ચેનું યુદ્ધ છે. શુધ્ધ સત્વગુણ આગળ તમોગુણનો નાશ થયો.

- લાભુભાઈ ર. પંડયા