- વાર્તાલાપ ચાલતો હતો ત્યાં રાજા તેમની વિશાળ સવારી લઈ ત્યાંથી પસાર થયા. ફકીર દોડતા દોડતા તેઓની પાસે ગયા અને વર્ષોની પોતાની સંપત્તિ રાજાને સમર્પિત કરી દીધી. આ જોઈ સૌ ભિખારીઓએ અને ગરીબ લોકોએ બૂમાબૂમ કરી દીધી
એક ફકીરે પોતાની સંપૂર્ણ જિંદગી એક મંદિરની પાસે વ્યતીત કરી. મંદિરમાં આવતા- જતા લોકો ફકિરને કંઈકને કંઈક દાન આપતા. ફકિર કોઈ પાસે ક્યારેય માંગતા ન હતા, એટલે લોકો તેમને વધુ દાન આપતા. ફકિરને પણ વિશેષ કંઈ ખર્ચ ન હોવાથી મળેલા ધનનો વધુ કંઈ ઉપયોગ થતો ન હતો. આમ ઘણું ઘન ભેગું થતું ગયું.
ફકિર વૃદ્ધ થયા. તેઓને એવું લાગ્યું કે મૃત્યુ હવે સાવ નજીક છે, અને મળેલાં દાનથી લગભગ આખી ઝૂંપડી ભરેલી છે. આટલા બધાં ધનનું હવે કરવું શું ? આથી તેમણે એવો નિર્ણય કર્યો કે આ દુનિયામાં જે સૌથી વધુ ગરીબ છે, તેને આ બધું ધન આપી દઉં. જેથી એની ગરીબી દૂર થાય !
સૌ ભિખારીને ફકીરના આ નિર્ણયના સમાચાર મળ્યા, તો સૌ ફકીર પાસે કંઈક ધન મળશે, એ આશાથી દોડીને આવવા લાગ્યા. સૌ ભિખારીનો એવો દાવો હતો કે દુનિયામાં હું જ સૌથી વધુ ગરીબ છું. (ધનવાનો પણ અવસરે ભિખારી થઈ જતા હોય છે ને !) જોકે સૌની વાત સાંભળી ફકીરે કહ્યું : 'ના હજી, સાચો ગરીબ માણસ આવ્યો નથી. એ આવશે ત્યારે મારું બધું તેને આપી દઈશ.'
આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં રાજા તેમની વિશાળ સવારી લઈ ત્યાંથી પસાર થયા. દૂરથી રાજાને જોયા અને ફકીર દોડતા દોડતા તેઓની પાસે ગયા. વર્ષોની પોતાની સંપત્તિ રાજાને સમર્પિત કરી દીધી. આ જોઈ સૌ ભિખારીઓએ અને ગરીબ લોકોએ બૂમાબૂમ કરી દીધી. સૌએ ફકિરને કહ્યું : 'આ તો રાજા છે. આપણાં રાજ્યનો સૌથી ધનવાન માણસ, એને આપની સંપત્તિની જરૂર શું છે? અને બીજી વાત તો આ કે રાજાને આપ ગરીબ કહો છો, તેમાં તેઓનું અપમાન છે. અપપાનને બાજુમાં રાખો, આપ અન્યાય કરો એ યોગ્ય નથી.'
ફકીરે ભિખારીઓને સરસ જવાબ આપ્યો : 'તમે લોકો તો સાવ સામાન્ય ગરીબ છે, જ્યારે રાજા બહુ મોટો ગરીબ છે. તમને થોડી સંપત્તિ આપીશ, તો તમે તો ખુશ થઈ જશો, જ્યારે આ રાજાને ગમે તેટલી સંપત્તિ આપીશ, તો પણ તેમનું મન ધરાવવાનું નથી. તમારી તરસનો તો હજી અંત છે, એની તરસનો અંત જ ક્યાં છે ? મારી સંપત્તિથી એની થોડી ઘણી તરસ ઓછી થાય, બીજું શું.. ?'
ફકીરની વાત સાંભળી ભૂપતિની સાથે ભિખારીઓ પણ વિસ્મયચકિત થયા. સંસ્કૃતમાં કહેવાયું જ છે ને...
'स तु भवति दरि यस्य तृष्णा विशाला' જેની તૃષ્ણા વધુ છે, તે દરિદ્ર-ગરીબ છે.
- રાજ સંઘવી


