- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
બજાર આસપાસ માણસોનું એક મોટું ટોળું એકઠું થયું હતું. એક સ્ત્રીને બે બાજુથી ખેંચવા પ્રયત્ન ચાલે.... કોઈ બોલ્યું, 'એ તો જવારજ ગામની વહુ છે.' વાત એમ હતી કે, જવારજ ગામની વહુ અને તેનું પિયર રોજકા ગામ. સાસરવાસમાંથી વહુને તેડવા કોઈ રોજકા ગામ ગયેલું. દીકરીની માએ સાસરીથી તેડવા આવેલાને કહ્યું કે, 'મારી દીકરીના હાથે પહેરવા માટે પહેલાં ચૂડલીઓ લાવો, પછી જ લઈ જાઓ.' 'ચાલો ધંધુકા, ત્યાં લઈ દઈશ'. જવારજથી તેડવા આવનાર ભાઈએ કહ્યું. મા-દીકરી ધંધુકા આવ્યાં. મણિયારને ત્યાંથી રૂપિયા પાંચની ચૂડલી લીધી. મણિયારાએ રૂપિયા માગ્યા. ભાઈએ કહ્યું કે, 'હું રોકડા લઈને આવ્યો નથી. જવારજ જઈને પછી તુર્ત જ આપને મોકલાવી દઈશ.'
મણિયારાએ ઉધાર આપવાની ના પાડી અને ચૂડલી તો દીકરીએ પહેરી લીધી હતી. તે ચૂડલી હાથમાંથી પાછી કાઢવાની વાત થઈ. તેમાં હુંસાતુંસી થઈ અને માણસોનું ટોળું એકત્ર થયું. પાંત્રીસેક વર્ષનો એક યુવાન કે જે જવારજ ગામથી ધંધુકાની કોર્ટમાં ેએક ખેડૂતની સાથેની જૂની તકરાર ચાલે તેના કામ અંગે ધંધુકા આવેલ. તેણે આ હુંસાતુંસી જોઈને જાણ્યું કે, જે ખેડૂત સાથે એને તકરાર હતી તે ખેડૂતનાં આ પુત્રવધૂ હતાં અને ભાઈ પણ સાથે હતા. તુર્ત જ યુવાનના મનમાં થયું કે, 'ભલે મારે એની સાથે તકરાર છે, પણ આ પ્રસંગમાં તો મારા ગામ જ્વારજની આબરૂનો સવાલ છે. મારા ગામની એક વહુવારૂને ટોળા સામે હાથમાંથી ખેંચીને ચૂડલી કાઢવામાં આવે તે તો એક સ્ત્રીનું અપમાન છે.' તેણે તરત રૂપિયા પાંચ કાઢીને મણિયારાને ચૂકવી દીધા અને વહુને તેડીને પેલા ભાઈ જવારજ આવ્યા. આમ યુવાન ફલજીએ રાહાભાઈ ડાભીના ખોરડાની ખાનદાની ઉજાગર કરી.
૧૯૪૭માં કાંતદ્રષ્ટા મુનિશ્રી સંતબાલજીએ ભાલનળ-કાંઠા પ્રદેશમાં વિવિધ સેવાકાર્યોના પવિત્ર યજ્ઞાની શરૂઆત કરી. આ કાર્યમાં દાયકાઓ સુધી મુનિશ્રી સાથે ફલજીભાઈ જોડાયેલા. એ સમયમાં હરિજન મજૂરો ખેતી કામ કરવા આવે ત્યારે મજૂરો ગયા પછી ખેડૂતો પાણીની છાંટ નાખી પવિત્ર થવાનો રિવાજ. આવા સમયમાં અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું. ગૃહનિર્માણ મંડળ બનાવી હરિજનવાસમાં પણ મકાનો બનાવડાવ્યાં. ખેડૂતોને બિયારણ, ખાતર, સિંચાઈ પાણી, ઉભા પાકની અને ખળામાં આવેલા પાકની ચોરી સામેના રક્ષણ, શાહુકારોના વ્યાજ વગેરેના પ્રશ્નોના ઉકેલ માટે ખેડૂતમંડળની સ્થાપના કરી અને પ્રશ્નોના ઉકેલ મુનિશ્રી સંતબાલજીના માર્ગદર્શન દ્વારા સયોગ આપ્યો. એક મંદિર દ્વારા ગણોતધારાનું ઉલ્લંઘન અને ખેતમજૂરોનું શોષણ અટકાવવા શુદ્ધિપ્રયોગો કર્યા અને મંદિર અને ખેતમજૂરો વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન કરાવ્યું. એસમયે બાળકોની ચોરી અને અપહરણના બનાવો બનતા. એમાં ત્રણ બાળાઓનું અપહરણ થયેલું. તેમાં ફલજીભાઈએ કુનેહ અને પુરુષાર્થ દ્વારા બાળાઓને પરત મેળવવાનું કાર્ય પાર પાડયું. દ્વિભાષી રાજ્યના સંદર્ભેૈ ઓગસ્ટ-૧૯૫૬માં અમદાવાદમાં આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિાકની નેતાગીરીમાં થયેલું. આંદોલને હિંસાત્મક સ્વરૂપ લેતાં મોરારજી દેસાઈએ ઉપવાસ જાહેર કર્યા. સપ્ટેમ્બર-૧૯૫૬માં મુનિશ્રીની પ્રેરણાથી ગ્રામીણ ટુકડીઓ અને શાંતિસેના દ્વારા શાંતિ સ્થાપવામાં પ્રમુખરૂપે ફલજીભાઈએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી. રાજપૂત ખેડૂતો ભેગા મળે ત્યારે કસુંબો પીવાના રિવાજને તિલાંજલિ અપાવી.
બનાસ નદીમાં પૂરના કાંપને કારણે સેંકડો એકર જમીન ફલદ્રૂપ થઈ ગઈ. પણ ખેડૂતો પાસે વાવવા બીજ નથી તેવું રવિશંકર મહારાજે જણાવ્યું. જો સમયસર બી મળે તો ૧૫ થી ૨૦ લાખ મણ ઘઉં પાકે. ફલજીભાઈએ અંબુભાઈ અને ટીમ સાથે મળી ગામડેગામડે ફરી બિયારણ માટે ત્રાણુ હજાર મણ ઘઉં ભેગા કરી આપ્યા. ધાડ, લૂંટ, ખૂનકેસમાં લવાદીનું કામ હોય, ચોરીનો માલ પરત મેળવવાનો હોય કે સ્ત્રીઓની શીલરક્ષાનાં કામ હોય, ચૂંવાળ પ્રદેશ, પગી કોમની સુધારણાની નીડરતાથી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી. પોતાના સેવામિશનમાં રવિશંકર મહારાજ, ગુલામ રસુલ કુરેશી, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, સુરાભાઈ ભરવાડ, પરીક્ષિતલાલ મજુમદાર જેવા અનેક મહારથીઓનો સાથ અને મુનિશ્રી સંતબાલજીના આશીર્વાદ મળેલા. ગુજરાત યુનિવર્સિટી વિશે મોકા કોર્ટ (ખોટેખોટો કેસ) અમદાવાદની સભામાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમુખપદે હતા એ સંદર્ભે ઉમાશંકર જોષી કહે છે કે, શ્રોતાઓમાંથી માથે પાઘડી અને હાથમાં લાકડીવાળા એક વૃદ્ધે ઉભા થઈને ખેડૂતો માટે વાત કરી તેને સમગ્ર સભાએ મંત્રમુગ્ધ બની સાંભળી એ આવી ચડેલ વક્તા ફલજીભાઈ હતા.
ઇશ્વર પેટલીકર અને બબલભાઈ મહેતાએ સંતબાલજી સાથેના ફલજીભાઈના કાર્ય અનુબંધની મુક્તકંઠે પ્રશંસા કરેલી.
જગતાત ફલજીભાઈએ 'ગ્રામજીવનના રત્નાકરમાંનું એક રત્ન' એ બિરૂદને ચરિતાર્થ કર્યું.


