Get The App

શાસ્ત્રોમાં સંગીતનું મહત્વ

Updated: Sep 22nd, 2021

GS TEAM


Google News
Google News
શાસ્ત્રોમાં સંગીતનું મહત્વ 1 - image


સા માન્ય રીતે સંગીતની પરિભાષા કરો તો ગાયન, નૃત્ય અને વાદ્ય આ ત્રણેય કલાઓનો જ્યારે સમન્વય થાય ત્યારે સંગીત સર્જાતું હોય છે. સંગીત એની બીજી પરિભાષા કરીએ તો સારું ગીત. આપણે ત્યાં શસ્ત્રોમાં કહ્યું છે કે, જેના જીવનમાં સાહિત્ય-સંગીત-કલા નથી એનું જીવન પશુતુલ્ય છે. એ મનુષ્ય જ નથી..! સાચું મનુષ્યત્વ એ સાહિત્ય, સંગીત અને કલાથી જ નિર્માણ પામે છે. તો શ્લોક છે साहित्य संगीत कला विहीन  शाक्षात पशुपुच्छ विषाणहिन । વળી ગીતાજીના દસમાં અધ્યાયમાં પણ સંગીતનું મહત્વ છે. તો આજે એક પ્રશ્ન થાય કે, આ દસમાં અધ્યાયમાં સંગીતનું મહત્વ છે તો એ કેવી રીતે? તો શ્રી કૃષ્ણ ભગવાને પોતાની વિભૂતિમાં એમ કહ્યું છે કે 'वेदनां सामवेदोस्य' વેદોમાં સામવેદ હું છું. તો પછી ભગવાને યજુર્વેદ કેમ ના કહ્યો? અથર્વવેદ કેમ ના કહ્યો? અને સામવેદ જ કેમ કીધો ..!? તો સામવેદ એ આખો સંગીતમય વેદ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે, 'જેના જીવનમાં સંગીત છે, જેના જીવનમાં પ્રસન્નતા છે એ પ્રસન્નતા મને પ્રિય છે.' સંગીત એટલે પ્રસન્નતા એવો એનો અર્થ પણ થઈ શકે.

તો વળી દેવી ભાગવતમાં પણ સંગીતનું મહત્વ છે. દેવી ભાગવતના છઠ્ઠા સ્કંધમાં સંગીતનું મહત્વ આ રીતનું વર્ણવ્યું છે. 'यथानयती कैलासम् गंगा चैव सरस्वती, तथा नयती कैलासम, स्वरज्ञान विशारद् ।' જેવી રીતે ગંગાજીમાં જીવ સ્નાન કરે તો જીવને શિવલોકની પ્રાપ્તિ થાય. તો ગંગાજીના સ્નાનથી જીવને શિવલોક પ્રાપ્ત થાય એવી રીતે સંગીતરૂપી ગંગામાં જીવ સ્નાન કરે તો જીવને શિવલોક પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં રાગોની દ્રષ્ટિએ પણ જોઈએ તો દેવી-દેવતાના નામે ઘણા બધા રાગો છે. જેવી રીતે માતાજીના નામ ઉપરથી 'દુર્ગા રાગ' છે. પછી આપણે ત્યાં દસ મહાવિદ્યાઓનું જે માતાજીનું સ્વરુપ છે એમાં 'ભૈરવી.' તો માતાજીનું એક નામ 'ભૈરવી' પણ છે. માતાજીના નામ પરથી સંગીતમાં 'ભૈરવી રાગ' છે. તો કોઈપણ સંગીતનો જ્યારે કાર્યક્રમ થાય ત્યારે એનો આરંભ કલ્યાણ શબ્દથી / કલ્યાણ રાગથી થાય અને અંત ભૈરવી રાગથી થાય. તો ભૈરવી એ માતાજીનું સ્વરુપ છે. 

વળી 'માલકૌંશ' એ મહાદેવજીને અત્યંત પ્રિય રાગ છે. એવું કહેવાય છે કે 'માલકૌંશ' અને 'શિવરંજિની'  આ બંને રાગો શિવજીને પ્રિય છે અને આ બંને રાગો જો વ્યવસ્થિત રીતે - સ્વરબદ્ધ રીતે ગાવામાં આવે તો પથ્થરો પણ પીગળે છે. પથ્થરોને પિગળાવવાની ક્ષમતા શક્તિ આ બે રાગોમાં છે. પછી જેવી રીતે માતાજીના દસ અવતાર થયા, દસ મહાવિદ્યાઓનું પ્રાગટય થયું એવી રીતે મહાદેવજીના પણ દસ સ્વરૂપોનું વર્ણન શિવ મહાપુરણમાં વર્ણવેલું છે. તો એ દસ સ્વરૂપોમાં મહાદેવજીનું એક સ્વરુપ છે 'ભૈરવ.' તો ભૈરવ આ સ્વરુપ પરથી રાગનું નિર્માણ થયું 'ભૈરવ રાગ.' તો આવી રીતે દેવી - દેવતાઓના નામે પણ ઘણા બધા રાગો નિર્માણ પામ્યા છે.

જેવી રીતે સંગીતમાં 'ભોપાલી' રાગ છે. તો ભોપાલી રાગ એ દેવરાજ ઈન્દ્રને ખુબ પ્રિય છે અને ભોપાલી રાગ વિષે આપણે વિચારીએ તો 'ભૂપ-રૂપ-ગંભીર-શાંત રસ.' તો આવી રીતે રસનું  નિરૂપણ પણ આ રાગોમાં છે. આમ તો દરેક રાગોમાં રસનું નિરૂપણ છે. ભોપાલી તો મેં એક ઉદાહરણ આપ્યું. આવી રીતે સંગીતમાં ઘણાબધા રાગો એ દેવી-દેવતાના નામે છે. 'શ્રી યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ'માં એવું નિરૂપણ છે કે માણસે મોક્ષ જોઈતો હોય તો શું કરવાનું ? તો કહે છે કે વીણા-વાદનથી મોક્ષ થાય છે. એટલે વીણા વગાડવાની. કદાચ વીણા વગાડી ના શકીએ તો વીણા શ્રવણથી પણ મનુષ્યની મુક્તિ થાય છે. હવે ગીત-સંગીતની જે વિદ્યા છે એ બે દેવતાઓ પાસે છે. બે જ દેવતા ગીત-સંગીતની વિદ્યાને જાણે છે. તો એ બે દેવતાઓ કોણ છે? એક તો 'દેવર્ષી નારદ' છે અને બીજા 'મહાદેવજી' છે. આ બન્ને દેવો પાસે જ સંગીતવિદ્યા છે. શ્રી નારદજી અને મહાદેવજી સંગીતના જ્ઞાાતા છે. મહાદેવજીએ ડમરુ વગાડયું તો મહાદેવજીના ડમરુ નાદમાંથી સૂત્રો પ્રગટ થયા. એટલે સંગીતમાંથી સંસ્કૃતનો ઉદભવ થયો એમ કહીએ તો પણ ચાલે. તો આવી રીતે જે સંગીતની વિદ્યા છે એ આદિ-અનાદિ કાળથી ચાલી આવે છે.

કથામાં પણ બે પધ્ધતિ છે. એક નારદ પધ્ધતિ અને બીજી વ્યાસ પધ્ધતિ. વ્યાસ પધ્ધતિમાં ખાલી વક્તવ્ય થાય અને નારદ પધ્ધતિમાં ગવાય. તો ભગવાનને જ્ઞાાન પણ પ્રિય છે અને ગાનનો એક અર્થ કરો તો પ્રસન્નતા પણ ભગવાનને પ્રિય છે; કે જે જીવનમાં હસતો રહે, જીવનમાં પ્રસન્ન રહે, જેના જીવનમાં સંગીત હોય એ મને પ્રાપ્ત કરે છે. તો આવી રીતે શાસ્ત્રોમાં જે સંગીતનું મહત્વ છે એ મહત્વ આપણે જાણીએ  અને આપણે પણ સાહિત્ય, સંગીત અને કલા પ્રત્યે પ્રેમ રાખીએ તો ચોક્કસ આપણે પરમ તત્વની યાત્રા સુધી પહોંચી શકીએ.  અસ્તુ..  

- ડો. કૃણાલ જોષી

Tags :