Get The App

''ગીતા''નાં પંદરમાં અધ્યાયનું હાર્દ .

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
''ગીતા''નાં પંદરમાં અધ્યાયનું હાર્દ                     . 1 - image

(પુરુષોત્તમ યોગ)

यस्मात्क्षर मतीतोडहम्,

अक्षरादपि च उत्तमः ।

उतोडस्मि लोके वेदे च,

प्रथितः पुऱुषोत्तमः ।।18।।

'હું નાશવંત જડસમુદાય ક્ષેત્રથી સર્વ રીતે જુદો છું અને હું નાશવંત અને અવિનાશી-એ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂતપ્રાણીઓના શરીરો નાશવંત છે. અને તેમાં રહેલો જીવાત્મા અવિનાશી છે. હું આ બન્નેથી અતીત અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું એટલે લોકોમાં તેમજ વેદોમાં પુરુષોત્તમના નામે પ્રસિદ્ધ છું. જે માણસ મને આ રીતે 'પુરુષોત્તમ' સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞા માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વર ને જ ભજે છે.લ્લ

અધ્યાયનું મહાત્મય ગીતાનાં પંદરમાં - પદ્મપુરાણનાં ઉત્તરખંડમાં ભગવત ગીતાનાં પંદરમાં અધ્યાયનું મહાત્મય આવેલું છે. મહાદેવ શંકરજી પાર્વતીને પંદરમાં અધ્યાયનું મહાત્મયનું વર્ણન કરતા કહે છે કે હે પાર્વતી! ગૌડ દેશમાં કૃપાલનરસિંહ નામના એક રાજા હતા. જેમની તલવારની ધારથી યુધ્ધમાં દેવતા પણ પરાસ્ત થઈ જતા હતા. તેમનો બુધ્ધિમાન સૈનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કલાઓનો ભંડાર હતો તેનું નામ સરભ-મેરુંડ હતું, તેની ભૂજાઓમાં પ્રચંડ બળ હતું. એક વાર તે પાપીએ રાજકુમારો સહિત રાજાનો વધ કરીને સ્વયં રાજ્ય કરવાનો વિચાર કર્યો. આવા પાપીનાં નિશ્ચયનાં થોડા દિવસ બાદ તો બીમાર થઈને મરી ગયો. થોડા સમયમાં તે પાપાત્મા પોતાનાં પૂર્વકર્મોના કારણે સિન્ધુ દેશમાં એક પાણીદાર ઘોડો થયો.

પછી તે ઘોડાની પરખ કરનાર એક વૈશ્યનાં પૂત્રએ તેની ઘણી કિમત આપીને તેને ખરીદી લીધો. અને ખૂબ યત્નપૂર્વક તેને રાજધાની સુધી તે લઈ આવ્યો. પછી વૈશ્યકુમાર તે અશ્વ રાજાને આપવા માટે લાવ્યો. જોકે  રાજા તે વૈશ્ય કુમારથી પરિચિત હતા. છતા દ્વારપાલે તેના આગમનની સૂચના આપી. રાજાએ પૂછયું - શા માટે આવ્યા છો ?? ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે - 'હે દેવ ! સિન્ધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન એક અશ્વ હતો. જેને ત્રિલોકનું રત્ન સમજીને મેં તેનું ઘણું મૂલ્ય આપીને ખરીદી લીધો છે ? આ સાંભળી રાજાએ આજ્ઞાા આપી કે - 'તે અશ્વ-ઘોડાને અહીં લઈ આવો.'

વાસ્તવમાં તે ઘોડા ગુણોમાં ઉચ્ચેશ્રવા જેવો હતો અને દેખાવમાં સુંદરતાની તો તે મૂર્તિ જ હતો. શુભ લક્ષણોનો તે સમુદ્ર જ હતો. વૈશ્ય તે ઘોડા લઈ આવ્યો અને રાજાએ તેને જોયો. અશ્વનાં લક્ષણ જાણનારા મંત્રીઓએ તે ઘોડાની બહુ પ્રશંસા કરી. તે સાંભળીને રાજાના આનંદની સીમા ન રહી. અને તેણે તે વૈશ્યને મોં માગ્યું સોનું આપીને તરત જ તે અશ્વને ખરીદી લીધો.

થોડા સમય પછી એકવાર રાજા શિકાર કરવા માટે તેજ ઘોડા ઉપર બેસીને વનમાં ગયા. ત્યાં હરણાઓની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. પાછળ દોડતા બધા સૈનિકોનો સાથ છૂટી ગયો. તેઓ ઘણા દૂર નીકળી ગયા. તૃષાએ તેમને વ્યાકુળ કરી દીધા. ત્યારે તે ઘોડા ઉપરથી નીચે ઉતરીને જળ શોધવા લાગ્યા. ઘોડાને તો તેમણે વૃક્ષ સાથે બાંધી દીધો અને પોતે એક શિલા પર ચડવા લાગ્યા. થોડે સુધી આવ્યા પછી એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલા ઉપર પડયો છે. તેમાં ગીતાનાં પંદરમાં અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો. રાજા તેને વાંચવા લાગ્યા. તેમના મુખેથી ગીતાના અક્ષર સાંભળીને ઘોડો તરત પડી ગયો. અને અશ્વયોનિથી તેની મુક્તિ થઈ ગઈ તથા તરત જ દિવ્ય વિમાન પર બેસીને તે સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો.

ત્યાર પછી રાજાએ પહાડ પર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો... જ્યાં નાગકેસર, કેળા, કેરી, અને નારિયેળના વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. આશ્રમની અંદર એક બ્રાહ્મણ બેઠા હતા. જે સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ તેમને પ્રણામ કરીને વિનયપૂર્વક પૂછયું - 'હે બ્રાહ્મણ ! મારો ઘોડો જ હમણા જ સ્વર્ગમાં ચાલ્યો ગયો. તેનું કારણ શું?'

રાજાની વાત સાંભળીને ત્રિલોક અને ત્રિકાળજ્ઞાાની મંત્રવેત્તા તેમજ મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું - 'રાજન ! પૂર્વકાળમાં તમારે ત્યાં જે  'સરભમેરુંડ'' નામનો સેનાપતિ હતો. તે તમને પૂત્ર સહિત મારીને સ્વયં રાજ્ય હડપ કરી લેવા તૈયાર હતો. દરમ્યાન બીમારીના કારણે તે મૃત્યુનો શિકાર બન્યો હતો. ત્યાર પછી તે તેના પાપથી ઘોડો થયો હતો. અહીં ક્યાંક ગીતાના પંદરમાં અધ્યાયનો અડધો શ્લોક લખેલો મળી ગયો, તેને તમે વાંચવા લાગ્યા. તે શ્લોક ને તમારા મુખે સાંભળીને તે અશ્વ-ઘોડો સ્વર્ગને પ્રાપ્ત થયો છે.

રાજા ! તમે પણ નિત્ય ગીતાજીનો પંદરમો અધ્યાયનો પાઠ કરશો તો તમારો પણ વૈકુંઠલોકમાં વાસ થશે. પછી રાજાએ નિત્ય ગીતાજીનાં પંદરમાં અધ્યાયનો પાઠ કરવા માંડયો. અને તેનો  મોક્ષ થયો. ગીતાજીના પંદરમાં અધ્યાયનો પાઠ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે અને સદગતિ થાય છે.

પુરુષોત્તમ યોગ - ૧૫મો અધ્યાય: આ અધ્યાય ઘણો નાનો પણ અતિમહત્ત્વનો છે આમા અતિમૂલ્યવાન અને અતિગહન વિષયોનો ઉલ્લેખ અને વિવરણ ભગવાને આ અધ્યાયને એક પ્રકારનું મનોહર રમણિતત્ત્વ વર્ણવ્યું છે. તેમાં તાત્વિક વિવેચનની ચર્ચા કરેલી છે.

उर्ध्वमूलं अधः शाखम्

अस्वत्थः प्राहुरव्ययम् ।।

(ગીતા અ.૧૫ શ્લોક ૧લો)

ભગવાન કહે છે. આ સંસાર વૃક્ષમાં આદિપુરુષ-પરમેશ્વર રૂપી ઉર્ધ્વ-(ઉપર) મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે. એવા આ સંસારરૂપી આશ્વત્થ વૃક્ષને તત્ત્વજ્ઞાાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્ત્વથી જાણે છે. એ વેદના તાત્પર્યને જાણનાર છે.

આયુર્વેદમાં હ્ય્પેપ્ર નું વૃક્ષ પીપળાનું ઝાડ તરીકે અને વ્યવહારમાં પણ પીપળાનાં ઝાડને પવિત્ર તથા પિતૃઓના પ્રતિક તરીકે માનવામાં આવે છે. अश्त्थ कल मूल इव हृष्यति (સુ.શ્રુત.ચિ.૧૧)

સામાન્ય રીતે વૃક્ષનાં મૂળિયા નીચે જમીનમાં હોય છે. પરંતુ આ સંસાર રૂપી વૃક્ષનાં મૂળીયા પરમાત્મા-ઈશ્વર રૂપી ઉપર છે. અને નીચે ડાળીઓ છે. આપણે બધા તેના પાંદડા રૂપી છીએ. આ ભૌતિક જગતનાં બંધનની સરખામણી અહીં આશ્વત્થ-પીપળાનાં વૃક્ષ સાથે કરવામાં આવી છે. જે મનુષ્ય સકામ કર્મમાં પરોવાયેલો છે. તેના માટે આ વૃક્ષનો કોઈ અંત નથી તે એક ડાળીની શાખામાંથી બીજી શાખામાં અને બીજીથી ત્રીજીમાં ભટકતો રહે છે. આ ભૌતિક જગત રૂપી વૃક્ષના કોઈ અંત નથી. અને આ વૃક્ષ પ્રતિ આસક્ત રહેનાર મનુષ્યની મુક્તિની કોઈ શક્યતા નથી.

આત્માની ઉન્નતિના સાધન એવા વેદ-મંત્રો આ વૃક્ષનાં પાંદડા છે. આ વૃક્ષનાં મૂળ ઉપરની તરફ છે. કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માંડના સર્વોચ્ચ એવા બ્રહ્મલોકથી થયેલ છે. જો કોઈ મનુષ્ય આ મોહ રૂપી અવિનાશી વૃક્ષને જાણી લે તો તે તેમાંથી બહાર નીકળી મોક્ષ મેળવી શકે છે. स सर्वविटभजति मां सर्व भावेन भारत । ગીતા. અ.૧૫/૧૯) આ સંસાર વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું પ્રતિબિંબ હોવાથી તેની આબેહૂબ પ્રતિકૃતિ છે.

જેમ સંસારના વૃક્ષ રૂપે ભગવાન ઉપર મૂળ રૂપે રહેલા છે તેમ માનવ શરીરમાં પણ મન-બુદ્ધિ રૂપી મૂળીયા ઉપર મસ્તિકમાં રહેલા છે. એટલે શરીર પણ સંસારના વૃક્ષની માફક ઉપર મૂળ તથા નીચે તેની શાખાઓ રૂપે રહેલું છે. શરીરની દરેક જ્ઞાાનેન્દ્રિયો કે કર્મન્દ્રિયોનું મૂળ ઉપર મસ્તિકમાં રહેલું હોય છે. અને હાથ-પગ વગેરે શાખાઓ નીચે રહેલી છે.

સંસાર વૃક્ષના વેદો પાંદડા રૂપે છે  वेद એટલે વિચાર छान्दोयस्यं पर्णानि તેવો શબ્દ ગીતાકારે વાપર્યા છે. વિચારથી જ આખું જગત જીવે છે. વેદના વિચારો એટલે તેજસ્વી વિચારો. તેના થી જ આ સંસારમાં સૌંદર્ય છે. રસ છે જીવનને સમજાવવાળા વેદો છે. એ સમજી લઈએ सवेदवित વેદોનો જાણકાર થાય છે. મારે સારી રીતે જીવવું છે. જીવનને સારા માર્ગે ચલાવવું છે. એ વિચાર વેદ વિચાર છે.

સુખ-દુ:ખ અને આનંદ : 

વિષય વસ્તુ સાથે ઈન્દ્રિયોનો સબંધ થયો પછી જે સુખાનુભવ થાય તે સુખ કહેવાય અને જે દુ:ખ ઉત્પન્ન થાય તેને દુ:ખ કહે છે. પરંતુ વિષય વસ્તુ રહિત અંદર સુખનું ઝરણું ફુટે તેને આનંદ કહે છે. એટલે ભગવાન આ અધ્યાયમાં असड्डा शस्त्रेण दढेन छित्वा ।। (અ.૧૫/૩) સુખ અને દુ:ખથી પર તેવા અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલ મૂળવાળા સંસાર રૂપી વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપી નાખવાથી જ આનંદ પ્રાપ્ત થાય છે. જે આનંદનો કદીનાશ થતો નથી. ભગવાનનો આસરો લેવાથી તે શક્ય બને છે. આનાં બે રસ્તાઓ છે એક વિરકિતનો રસ્તો અને બીજા સમર્પણનો ભક્તિનો રસ્તો છે.

ઈશ્વરનું ભજન કરનારા ઈશ્વરને જ પામે છે.

- ડૉ. ઉમાકાંત જે. જોષી