બધા બંધનોમાંથી મુક્ત કરાવનારા સદ્ગુરુ છે .
- જ્યારે પણ ગુરુની સન્મુખ જઈએ ત્યારે ક્યારેય પણ લૌકિક કામના ન કરીએ. એક જ પ્રાર્થના કરીએ કે, 'મારી આધ્યાત્મિક ઉન્નતી કેવી રીતે થાય.!?' એકવાર ગુરુના શરણે જઈએ તો બધી જવાબદારી ગુરુ જ સંભાળે છે
ગુરુ પૂર્ણિમા એ શિષ્યને પૂર્ણ જ્ઞાન પ્રદાન કરવાવાળી પૂર્ણિમા છે. વ્યક્તિ ક્યારેય પણ પોતાના જીવનમાં પૂર્ણ હોઈ શકે નહિં. પૂર્ણ એ તો ભગવાન છે. ભગવાન સર્વજ્ઞા છે જીવ અલ્પજ્ઞા છે. પ્રભુ સુધી પહોંચવાના બે માર્ગો છે. એક છે જ્ઞાન માર્ગ અને બીજો છે ભક્તિ માર્ગ. ગુરુની કૃપા થાય તો આ બન્ને માર્ગો ઉપર વ્યક્તિ પૂર્ણ રીતે જઈ શકે અને એ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવવાવાળી પૂર્ણીમા એટલે ગુરુ પૂર્ણિમા.
જ્યારે ગુરુની વાત આવે ત્યારે સૌથી પ્રથમ આપણા ગુરુ છે આપણા માતા-પિતા. જેમણે આપણને સંસ્કાર આપ્યા છે. બીજા આપણા દિક્ષા ગુરુ છે જેમણે આપણને મંત્ર આપીને દિક્ષિત કર્યા છે અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ છે જેમણે આપણને સારું શિક્ષણ આપ્યું છે. વ્યક્તિ એનું કોઈપણ ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં વ્યક્તિ મહાન હોય પણ એ વ્યક્તિ એના માતા-પિતા કે એના ગુરુ કરતાં ક્યારેય મહાન નથી હોતાં. ગુરુના ઉપકારો અનંત છે. ગુરુનો સ્વભાવ છે કે જેટલું પોતાના પુત્રને નથી આપતાં એનાથી અધિક પોતાના શિષ્યને આપે છે જેનું ઉદાહરણ મહાભારતમાં છે. અશ્વત્થામાને દ્રોણાચાર્યજીએ બ્રહ્માસ્ત્ર છોડતાં જ શિખવ્યું હતું, પાછું વાળતાં નહોતું શિખવ્યું. પણ, અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતાં અને પાછું વાળતાં બન્નેય શિખવ્યું છે. આવા તો પુરાણોમાં અનેક પ્રસંગો છે પણ, આજના દિવસે આપણે જો આભાર માનવો હોય તો ભગવાન વેદવ્યાસજીનો આભાર માનીએ કે એમની કૃપાથી આપણને વેદો પ્રાપ્ત થયાં. મહાભારત અને અઢાર પુરાણો એને આપણે જાણી શક્યાં. આપણો વારસો જો કોઈએ ટકાવ્યો હોય તો એ ભગવાન વેદવ્યાસજીએ ટકાવ્યો છે.
ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ તો મસ્તી છે. એ પ્રસન્ન થાય તો શિષ્યને ઘણું બધું મળી જાય. ગુરુનો સ્વભાવ છે કે એ માત્ર શિષ્યને જ્ઞાન જ નથી આપતાં પણ શિષ્યને નિર્ભય કરે છે. શુકદેવજી મહારાજે પરિક્ષિત મહારાજને શ્રીમદ્ ભાગવતજીની કથા સંભળાવી પણ, તેની સાથે-સાથે પરિક્ષિત મહારાજને નિર્ભય બનાવ્યાં. જે ભય ને હરે એનું નામ ગુરુ. પરિક્ષિત મહારાજે નિર્ભય બનીને કહ્યું કે, 'મને તક્ષકનો કોઈ ભય નથી.' ત્યારે શુકદેવજી મહારાજે કહ્યું કે, 'તમને જો તક્ષકનો ભય ન હોય તો હે રાજા ! તમે એટલું સમજી લો કે તમારું મૃત્યુ થવાનું નથી.' શરિર મૃત્યુ પામે છે પણ, આત્મા અમર છે.' આવું જ્ઞાન પ્રદાન કરાવાવાળા શુકદેવજી મહારાજને પણ યાદ કરીએ. પણ, આજે મને મારો વર્તમાન સમય પણ યાદ આવે છે. વર્તમાન સમયમાં જે-જે મારા ગુરુજનોએ જ્ઞાન આપ્યું એને હું યાદ કરું. આજે મારા બન્ને ગુરુજનોનું મને સ્મરણ થાય છે, જેમાં પરમ વંદનિય શિવગિરિ ગુરુ મહારાજ જેમનું બનાસકાંઠા જિલ્લા સ્થિત કપાસિયા ગામમાં સ્થાન છે અને બીજા મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ વંદનિય સ્વામિ રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ જેમનાં તો ત્રણ-ત્રણ સ્થાન છે. હરિદ્વાર કનખલ ખાતે હરિગિરિ આશ્રમ, હિમાચલમાં કકિરા માં અને રાજસ્થાન સ્થિત શિરોહી અભય આશ્રમ.
આ ત્રણેય આશ્રમોમાં જ્યારે-જ્યારે સત્સંગ થતો ત્યારે-ત્યારે સ્વામિજી આકાશની સામે જોઈને કહેતાં કે, 'દેખો આકાશમેં ધૂપ હૈં, બાદલ ભી આ જાયેગા.' આ જ વાત શિવગિરિ ગુરુ મહારાજ પણ કરતાં. એમનો ઈશારો એ છે કે, 'જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે. સુખ-દુઃખ એ વ્યક્તિને કર્મ અનુસાર મળે છે. આ જગતમાં કોઈ કોઈને સુખી નથી કરી શકતું કે કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. આ મારું છે એ જ દુઃખનું કારણ છે. પણ, આ બધા બંધનોમાંથી મુક્ત કરાવનારા સદ્ગુરુ છે.' માટે જ્યારે જ્યારે પણ ગુરુની સન્મુખ જઈએ ત્યારે ક્યારેય પણ લૌકિક કામના ન કરીએ. એક જ પ્રાર્થના કરીએ કે, 'મારી આધ્યાત્મિક ઉન્નતી કેવી રીતે થાય.!?' એકવાર ગુરુના શરણે જઈએ તો બધી જવાબદારી ગુરુ જ સંભાળે છે.
દશરથ મહારાજ ગુરુને શરણે ગયાં, અર્જુન ભગવાનને શરણે ગયાં તો બધી જવાબદારી એમણે જ સંભાળી લીધી. તો આવો સદ્ગુરુની કૃપા પ્રસાદીનો અનુભવ કરી પ્રભુ પરાયણ બનીએ.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી