Get The App

ભાગ માંગે તે નહિ, ભોગ આપે તે ગુરુ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
ભાગ માંગે તે નહિ, ભોગ આપે તે ગુરુ 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

આ દુનિયાની વિલક્ષણ ખાસિયત એ છે કે અહીં વ્યક્તિએ ભોગ લેશમાત્ર ન આપ્યો હોય, છતાંય અવસરે ભાગ તો એ મેળવીને જ રહે છે. દીકરાએ ઘરનાં વિકાસમાં બલિદાન ભલે ને કાંઈ ન આપ્યું હોય, પરંતુ જ્યારે મિલ્કતના વિભાગ થઈ રહ્યા હોય ત્યારે ન્યાયનો આગ્રહ તો પ્રથમ એનો જ હોય છે. કો'ક વિશિષ્ટ પ્રસંગમાં કાર્યકર્તાએ યોગદાન ભલે ને અંશમાત્ર ન આપ્યું હોય. પરંતુ જ્યારે ફોટોગ્રાફ લેવાતા હોય ત્યારે એ કાર્યકર્તા સૌથી અગ્રસ્થાને જ દેખાતો હોય છે. અલબત્ત, સદ્ગુરુની વાત આમાં ચોક્કસપણે ન્યારી છે. તેઓ ભોગ મહાન આપે છે પણ તેની સામે ભાગ (બદલો) માંગવાની વૃત્તિ કે આગ્રહ ધરાવતા નથી. સદ્ગુરુની આ વિશેષતાને આગળ કરીને 'સિંદૂરપ્રકર' ગ્રન્થમાં તેમના માટે મસ્ત વિશેષણ પ્રયોજાયું છે કે 'નિ:સ્પૃહ:' મતલબ કે સદ્ગુરુભગવંત તમામ પ્રકારની વાંછા-ઇચ્છાથી રહિત હોય. આવા સદ્ગુરુરૂપે આજે યાદ કરીએ ફાગણ શુદિ-(૧૩) તેરસના દિને જેમનો ૪૪ મો સ્વર્ગારોહણદિન છે તે અમારી ગુરુપરંપરાના શિરતાજ ૧૩૫ જિનાલય પ્રેરણા યુગદિવાકર ગુરુદેવ જૈનાચાર્ય ધર્મસુરીશ્વરજી મહારાજને.

આજથી પંચાવન વર્ષ પૂર્વેના એ સમયે શંખેશ્વર-આગમમંદિર નિર્માણકાર્યમાં રૂપિયાની તીવ્ર આવશ્યકતા ઊભી થતા ત્યાંના પ્રેરક અભ્યુદયસાગરજી મહારાજે ટ્રસ્ટીઓને બોલાવીને મુંબઈમાં ધર્મસૂરીશ્વરજી મહારાજ પાસે જવાની પ્રેરણા કરીને કહ્યું : 'એમની પાસે જશો એટલે અવશ્ય મોટી સહાય કરશે જ.' ટ્રસ્ટીઓ નીકળ્યા પરંતુ માર્ગમાં વિચાર્યું કે આપણી સંસ્થાના પ્રેરક ગુરુદેવ અને ધર્મસૂરિજી મહારાજ : બંને અલગ-અલગ સમુદાયના છે. ભિન્ન સમુદાયના મહાત્મા અન્ય સમુદાયના મહાત્માપ્રેરિત કાર્ય માટે દિલથી પ્રેરણા ન જ કરે. તેથી આપણે ધર્મસૂરિજીમહારાજ પાસે ન જઈએ. સીધા જ વાલ્કેશ્વરના મુખ્ય ટ્રસ્ટી પાસે જઈએ. તેઓ ખરેખર એ જ રીતે ગયા. વાલ્કેશ્વરના મુખ્ય ટ્રસ્ટી સિતાપચંદજીને મળીને પોતાની જૈન આગમમંદિર નિર્માણકાર્યની આવશ્યકતા રજૂ કરી, તેમની રજૂઆત સાંભળીને સિતાપચંદજીને લાભ લેવાનું મન તો થયું પરંતુ એ માટેનો આંકડો મોટો લાગ્યો. આગમમમંદિરના ટ્રસ્ટીઓની જરૂરિયાત હતી એક્યાશી હજારની અને સિતાપચંદજીને લાભ લેવો હતો એકાવનહજારમાં. તેઓ ઘણી રકઝક પછી પણ ટસના મસ ન થયા ત્યારે શંખેશ્વરના ટ્રસ્ટીઓએ બાજુના જ ઉપાશ્રયમાં બિરાજમાન ધર્મસૂરિજી મહારાજ પાસે જઈ સઘળી વાત કરી. પોતે પહેલા તેમની પાસે ન આવ્યા તે પણ જણાવ્યું. જવાબમાં એકપણ કટાક્ષવચન કહ્યા વિના કરુણાળુ ધર્મસૂરિજી મહારાજે એક ચબરખી સાથે ટ્રસ્ટીઓને પુન: સિતાપચંદજી પાસે મોકલ્યા અને ગુરુદેવના હસ્તાક્ષરો વાંચીને સૌના આશ્ચર્ય વચ્ચે સિતાપચંદજીએ તુરંત એક્યાશી હજાર રૂપિયાનો નકરો સ્વીકારી લીધો. ચબરખીમાં માત્ર આટલું જ લખાયું હતું કે

'શ્રાવકના દીકરા ધર્મના કાર્ય માટે તમારાં આંગણે આવે ત્યારે તમારી ફરજ એ છે કે એમને બે સ્થાને ધક્કા ઓછા પડે.' કેવા માર્મિક વચનો. ક્લાયમેક્સ તો ત્યારે આવ્યો કે જ્યારે સિતાપચંદજી શંખેશ્વરના ટ્રસ્ટીઓ સાથે ગુરુદેવના આશિષ લેવા આવ્યા ત્યારે ધર્મસૂરિજી મ. એ એક્યાશીના બદલે એકાણું હજાર રૂપિયા અપાવ્યા. સાથે આ મોટી દાનરાશિ મેં અપાવી છે, મારું નામ ત્યાં લખજો... એવો ઇશારો સુદ્ધાં શંખેશ્વરના ટ્રસ્ટી રમણભાઈ વગેરે ન કર્યો. આવા નિ:સ્પૃહગુરુનું અંતરથી સ્મરણ કરતા એટલું જ કહીએ :

'આપનાં ચરણ ભવોભવ મળે.... આપનું શરણ ભવોભવ મળે...'