હિન્દુ ધર્મની અંદર મકરસંક્રાંતિ - ઉત્તરાયણ પર્વને માંગલિક માનવામાં આવે છે અને તેની સહુ ઉજવણી હર્ષ-ઉલ્લાસપૂર્વક કરે છે. મકરસંક્રાંતિ ને જપ, તપ અને દાનપુણ્ય માટે વિશેષ માનવામાં આવે છે.
ભગવદ્ગીતા અનુસાર આ કાળમાં જીવન છોડનારને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, જેમ ભીષ્મ પિતામહે આ સમયે જીવનો ત્યાગ કર્યો હતો. આ રીતે પણ આ મકરસંક્રાંતિનો મહિમા સવિશેષ રહ્યો છે.
આ મકસંક્રાંતિ પર દાન કરવાથી અક્ષયપુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે, આ ઉત્તરાયણ કાળમાં તેનું ફળ અનેકગણું મળે છે. આ દિવસોમાં ખીચડી, તલ, ગોળ, અન્ન, વસ્ત્રો કે ધનનું દાન આપવામાં આવે છે. ગરીબ-બ્રાહ્મણો અને સાધુ સંતોને વસ્ત્રોનું દાન આપવાનો સવિશેષ મહિમા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાન આપે છે. મંદિરમાં જઈને ભગવાન અને સંતો પાસે અનાજ - કરિયાણું આદિ મૂકવામાં આવે છે.
મહાભારતમાં પણ અરણ્ય પર્વમાં પણ માર્કણ્ડેય ઋષિએ કહ્યું છે કે, ગાયદાન - વિદ્યાદાન - ભૂમિદાન કરવાથી દરેક પ્રકારના પાપોનો ક્ષય થાય છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.
ભગવદ્ ગીતાના ૧૭ મા અધ્યાયમાં દાનનો મહિમા અને દાન અંગેના પ્રકાર વર્ણવતા કહેવામાં આવ્યું છે કે,
(૧) સાત્વિક દાન :- દાન કરવું એ આપણું કર્તવ્ય છે એમ સમજીને આપે અને તેના ફળની ઇચ્છા ન રાખે, યોગ્ય સ્થળ અને સુપાત્ર વ્યક્તિ જોઈને જે દાન આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે.
(૨) રાજસ દાન : દાન કરવામાં આવે પણ તેના ફળની આશા રાખીને અથવા તો કચવાતા મને આપવામાં આવે તો તે દાનને રાજસદાન કહેવાય છે.
(૩) તામસ દાન : દાન કરવામાં આવે પણ ખોટી જગ્યાએ, ખોટા સમયે, ખોટા સ્થળે અથવા તો તુચ્છકારથી અને કુપાત્રને દાન આપવામાં આવે તેને તામસ દાન કહેવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના ૧૪૭ શ્લોકમાં દાન કરવા ઉપર ભાર મૂકતાં કહ્યું છે કે, ગૃહસ્થાશ્રમી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક, તે થકી દશમો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો.
તુલસીદાસજી પણ જીવનમાં કોઈને મદદરૂપ થઈને દાન આપવું જોઈએ તે માટે સરસ કહ્યું છે કે,
ન ધન રહે ન જોબન રહે, ન રહે ગામ કા ઠામ;
તુલસી જગમેં જશ રહે, કર દે કીસી કા કામ.
ધન અને અવસ્થા સ્થિર રહેવાનું નથી. તેથી ભગવાને આપણને જે લક્ષ્મી આપી હોય તે જેને જરૂરિયાત હોય તેને આપવી જોઈએ.
મકરસંક્રાંતિનું પાવન પર્વ આવી રહ્યું છે, તો આપણે અવશ્ય દાન કરીએ અને મોક્ષપદને પામીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


