ઇશ્વર એ આમ તો એક એવી અલૌકિક તાકાત કે શક્તિ છે કે જેમના અદ્રશ્ય પાવરથી સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે. જેનાથી રાતદિવસ, ઋતુચક્ર, જન્મ મરણ કે નવસર્જન યા પ્રલય આદિ થાય છે. આવી શક્તિનું નામ આપણે ઇશ્વર એવું આપ્યું છે. જેમનો કોઈ આકાર નથી માટે નિરાકાર માનવામાં આવે છે. જેમને માત્ર અનુભવી શકાય છે. જેમ હવામાં રહેલું સુગંધ ને જોઈ નથી શકાતી. જેમ વિજનાં વાયરમાં વીજળી જોઈ ન શકાય, જે મિષ્ટાન્નમાં રહેલ સાકર ને જોઈ નથી શકાતી બસ તે અનુસાર જ આ ઇશ્વરનું રહેલું છે. જેમને કોઈ આકાર, ચિત્ર કે સ્વરૂપમાં માપી ન શકાય તેવો અમાપ છે. અણુએ અણુમાં વ્યાપક છે. 'કોઈ જગા એવી નથી કે જ્યાં જગદિશ નહીં' તો આ સનાતન સત્ય છે જે વાસ્તવિક છે. તેમ છતાં હવે જો ઇશ્વરનું બીજું નામ કે પર્યાય આપવો હોય તો છે શ્રદ્ધા.
શ્રદ્ધા ને ઇશ્વરનું નામ આપી શકીએ એટલા માટે કે આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ઇશ્વરનો દરજ્જો આપી અનહદ શ્રદ્ધાથી પુજવા લાગીએ એટલે શ્રદ્ધાનાં બળથી એ વસ્તુ અલગ સ્વયમ ઇશ્વર બની આપણા કામ કરતાં હોવાનાં દાખલા પુરાણોમાં આપણી પાસે અનેક પડયા છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઇશ્વર સર્વ વ્યાપક છે. પણ આપણામાં જેટલા વોલ્ટેજ એટલી ઉર્જા પ્રાપ્ત કરી શકીશું. જે વીજ પ્રવાહને છેદીને બલ્બ માટે આપણે હોલ્ડર મુક્યા બાદ જેટલા વોલ્ટનો બલ્બ એવો પ્રકાશ આપશે. આઠ-દસ વોલ્ટના બલ્બમાં અને સો બસોનાં વોલ્ટવાળા બલ્બમાં ઘણો તફાવત રહે. બસ વહાલા આપણામાં પણ એવું જ છે. જેટલી એમને સમજવાની ક્ષમતા કે વોલ્ટેજ એટલો પ્રકાશ વધારે. બાકી ઇશ્વર છે એ સો ટકા. પણ આગળ કહ્યું તેમ એ દ્રશ્યમાન નથી. એમની અનુભૂતિ આપણને ડગલે ને પગલે થાય છે. અને આપણામાં રહેલી તેમના પ્રત્યેની શ્રદ્ધા પણ એમનો જ એક ભાગ છે.
- ભરત એલ. ગોંઠડીયા


