વટ-સાવિત્રી વ્રતનો મહિમા
ભારતીય સંસ્કૃતિ વ્રત અને તહેવાર પ્રધાન રહી છે. સાંસારીક સુખ, સંપદા અને ઐશ્વર્યની પ્રાપ્તી માટે વ્રત કરવાનું વિધાન છે. નારીને સોભાગ્ય પ્રાપ્ત કરાવી, અખંડ સોભાગ્ય બનતું વ્રત એટલે વટસાવિત્રીનું વ્રત. આ વ્રત બહેનો પુત્ર અને પતિના સ્વાસ્થ્ય, આયુષ્ય તથા જન્મ જન્માંતરમાં પણ વેધવ્યનું દુ:ખ સહન ન કરવું પડે તે માટે કરે છે. આ વ્રતનો આરંભ જેઠ સુદ બારસથી થાય છે. તેરસ-ચૌદશના દિવસે બહેનો ફળાહાર કરી ઊપવાસ કરે છે. પૂનમના દિવસે બહેનો સોળે શણગાર સજી પૂજાની સામગ્રી સાથે, શીવમંદિરમાં વડની ષોડયચાર વિધીથી પૂજા કરવામાં આવે છે. દાર્શનીક રીતે વડના વૃક્ષને જ્ઞાન, દીર્ઘાયુ, અમરતત્વ અને નિર્વાણનું પ્રતીક માનવામાં આવે છે. વડના મુળમાં બ્રહ્મા, મધ્યમાં જનાર્દન, અગ્રભાકમાં શિવ અને સમગ્ર ભાગમાં દેવી સાવીત્રી વસે છે.
આવા પવિત્ર વટદાદાને અમૃત સમાન જળ ચડાવી, મનોમન, અખંડ સૌભાગ્ય માટે મનોમન બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. ભક્તિપૂર્વક, સૂતરના તાંતણે વડને ફરતો વીટાળી, ગંધ, પુષ્પ અને અક્ષતથી પૂજન કરી, માતા સાવિત્રીનું સ્મરણ કરી, સાત વખત પ્રદક્ષિણા કરી, પ્રાર્થના કરે છે કે, ''હે મા આદ્યશક્તિ-ભવાની ભૂવનેશ્વરીના અંશ સ્વરૂપા સાવિત્રી દેવી અમારા પર સદાય આપની અખંડ-અવિરત કૃપા વરસતી રહો.'' આ દિવસે વટની પુજા કરી, દેવી સાવિત્રીના પતિ પ્રત્યેના પ્રેમ અને ભક્તિની કથાનું પઠન-શ્રવણ બહેનો દ્વારા કરવામાં આવે છે. મત્સ્ય પુરાણમાં સતી સાવિત્રીનું આખ્યાન વર્ણવેલ છે. જે અનુસાર મઘ્રદેશના અધિપતિ અશ્વપતિ નામના રાજાને ત્યાં રાણી માલતીની કૂખે લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થાય છે. જેનું નામ સાવિત્રી રાખેલ. સાવિત્રી ઊમર લાયક થતા ઘુમત્સેનના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવામાં આવે છે. એક દિવસ સત્યવાન અને સાવિત્રી જંગલમાં લાકડા કાપવા જાય છે. લાકડા એકઠા કરી, ઘેર જવાની તૈયારી કરે છે, ત્યાં સત્યવાન ના માથામાં શુળ ઊપડતા પડી જતા મૃત્યુ પામે છે. આવા સમયે પતિનું મસ્તક ખોળામાં લઇ, યમરાજા સમક્ષ સતી સાવિત્રી, પતિના જીવન માટે સંવાદ-દલીલો કરી, અને સતીત્વના તપને કારણે સત્યવાન જીવંત થાય છે. આમ એક પતિવ્રતા સ્ત્રીના સતથી પતિનું આયુષ્ય વધે છે. યમરાજાના પાસેથી મળેલ વરદાનથી અંધ સાસુ-સસરાને દ્રષ્ટિ મળે છે. એનો સંતાનની પ્રાપ્તી થાય છે. ત્યાર બાદ સતી સાવિત્રી અને સત્યવાન પુત્રો સાથે મૃત્યુલોકમાં સ્વર્ગથી પણ અધિક સુખ ભોગવે છે. આમ વટસાવિત્રીનું વ્રત કરનાર સ્ત્રીઓ, લાંબા સમય સુધી સુખી જીવન જીવે છે અને પતિ સાથે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. આમ ''જીવનને તમે ચાહશો, તો જ જીવન તમને ચાહશે.
- મકવાણા વિનોદ એમ.