શ્રી રામચરિત માનસની એક ચોપાઈમાં 'પડૂંચે નીજ નીજ ધામલ્લ શબ્દ આવે છે. ઈશ્વરનું ધામ અનંત, વિશિષ્ટ તથા અદ્વિતીય છે, રામકથાના પ્રારંભમાં પૂ.મોરારિબાપુ શ્રી હનુમાનજીનું આહ્વાહન કરે છે અને કથાના અંતમાં હનુમાનજીને વિદાય આપે છે. આપણે પણ યજ્ઞા કે અન્ય ધાર્મિક વિધિ સમયે પ્રતિષ્ઠિત દેવી દેવતાને સ્વસ્થાને પરમેશ્વર ગચ્છ ગચ્છ કહીએ છીએ, આમ દરેક દેવી દેવતાઓને પોતાનું ધામ હોય છે.
ભગવાન શ્રી રામે પોતાનું શરીર સરપુજીમાં વીલીન કરી લીધેલું. શ્રી કૃષ્ણને પગમાં પારધીએ બાણ મારેલું અને તેઓ સ્વધામ સીધાવ્યા. હાલમાં પ્રભાસ પાટણમાં દેહોત્સર્ગ વાળી જગ્યામાં શ્રી કૃષ્ણે માનવ દેહનો ત્યાગ કરેલો અને પોતાનાં ધામમાં વિદાય થયેલા. મહાભારતનાં પાત્રો પાંડવો પણ બદ્રિકેદારથી સ્વર્ગારોહણ કરી ગયેલા.
આ સૃષ્ટિના પાલનકર્તા શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં વસે છે તો શ્રી મહાલક્ષ્મીજી તેમનાં ચરણ કમળ નજીક બેસે છે. આ તેમનું સ્થાન છે. લક્ષ્મીજી તો કુમારિકામાં, ગાયનાં છાણમાં પણ વસે છે. આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી શ્રી વિષ્ણુના નાભિકમળમાં નિવાસ કરે છે. એ જ રીતે આ સૃષ્ટિના સંહાર કરનાર શ્રી મહેશ કૈલાસ, પર્વત પર નિવાસ કરે છે. આપણે ત્યાં ગૌમાતામાં ૩૩ કરોડ દેવતાઓ વાસ કરે છે તે જાણીતી વાત છે.
માતા ભુવનેશ્વરી મણિદ્વિપમાં નિવાસ કરે છે. તેમનું નિવાસ ભવ્ય અને દિવ્ય છે. જ્યોતિ મંડળની આભા પ્રકાશિત થાય છે. એવું કહેવાય છે કે દેવો સ્વર્ગમાં નિવાસ કરે છે.
ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશીપુની કથા સર્વવિદિત છે. હિરણ્યકશીપુએ પ્રહલાદને પૂછેલું કે તારો ભગવાન શું આ સ્તંભમાં વસે છે ? ત્યારે પ્રહલાદે કહેલ કે મારો પ્રભુ આ સ્તંભમાં પણ છે. ત્યારબાદ સ્તંભને ભેટતાં જ સ્તંભ ફાટયો અને સ્વયં નૃસિંહ પ્રગટ થયેલા. રામદૂત શ્રી હનુમાનજી શ્રી રામના ચરણમાં નિવાસ કરે છે. સીતાજી શ્રી રામના વામાંગે શોભે છે. સીતાજી મુળ તો ભૂમિની છે છેવટે તેઓ ભૂમિમાં જ સમાઈ જાય છે. નાગદેવતા પાતાળ લોકમાં નિવાસ કરે છે. કાળીનાગને શ્રી કૃષ્ણ ભગવાને નાથ્યો હતો.
ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં બલીરાજાને પાતાળ લોકમાં મોકલી આપેલ.
ભગવાન શ્રી વિષ્ણુ નવ અવતારો ધારણ કરીને પોતાને ધામ પરત ફર્યા હતા છેલ્લો દશમો અવતાર કલ્કી હવે પછી થવાનો છે. આપણે ત્યાં એવું પણ કહેવાય છે ઈશ્વર આપણાં હ્ય્દયમાં જ વાસ કરે છે. ઘણા લોકો ગરીબોમાં જ ઈશ્વરનાં દર્શન કરે છે.
આમ, દેવી-દેવતીઓનાં નિવાસ સ્થાન અલગ અલગ હોય છે. ઈશ્વર માનવ અવતાર યુગે યુગે ધારણ કરે છે અને લોકોનાં ક્ષેમ કુશળનું વહન કરે છે. ઈશ્વરની અવતાર લીલા અનંત છે, અનોખી છે. પ્રભુનાં ધામનો મહિમા આપણને ધન્ય તથા કૃતાર્થ કરે છે. આપણે આપણા ઈષ્ટદેવની તથા કુળદેવીની આરાધના કરીને જીવન સફળ તથા ધન્ય બનાવીએ.
- ભરત અંજારિયા


