Get The App

રક્ષાબંધન પર્વનો મહિમા .

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
રક્ષાબંધન પર્વનો મહિમા                                     . 1 - image


- વિચાર વીથિકા - દેવેશ મહેતા

- સૌથી પહેલી રાખડી કે રક્ષાસૂત્ર દેવી શચિએ એમના પતિ દેવરાજ ઇન્દ્રને બાંધી હતી. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ઇન્દ્ર વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું રક્ષણ થાય તે ભાવથી દેવી શચિએ એમના હાથ પર રાખડી બાંધી હતી

'મા ભ્રાતા ભ્રાતરં દ્વિક્ષન્, મા સ્વસારમુત સ્વસા ।

સમ્યગ્યઃ સવ્રતા ભૂત્વા વાચં વદત ભદ્રયા ।।

ભાઈ ભાઈનો દ્વેષ ન કરે, બહેન બહેનનો દ્વેષ ન કરે. બધા એકબીજાને અનુકૂળ, એક ચિત્ત અને એક ઉદ્દેશ્યવાળા બની એકબીજા માટે કલ્યાણકારી અને સુખદાયક બની મધુર વાણીથી બોલે.

- અથર્વવેદ (૩-૩૦-૩)

દરેક વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. નિર્મળ સ્નેહ સંબંધોને ઉજવવાના સાત્વિક પર્વો આપણા સમાજની આગવી લાક્ષણિકતા છે. વ્રતો-ઉત્સવો-તહેવારો અને પર્વો બધા લોકોને પ્રસન્ન, સંતુષ્ટ, લાગણીસભર, વિશ્વાસવાળા કરી, કુટુંબ અને સમાજ માટે શ્રેયસ્કર અને સ્વસ્થ જીવન પ્રદાન કરનારા બને છે. ભાઈ-બહેનના શુદ્ધ સ્નેહની અભિવ્યક્તિ અને પ્રતીતિની ઉજવણી કરતું આ પુનિત પર્વ અનોખું મહત્વ ધરાવે છે. આ દિવસે બહેન એના ભાઈઓના હાથના કાંડા પર રાખડી, રક્ષાસૂત્ર બાંધી એમના દીર્ઘાયુષ્ય અને ઉત્કર્ષની મંગલ કામના વ્યક્ત કરે છે, ભાઈ પણ તે રીતે તેના સહયોગ અને સુરક્ષાની જવાબદારી લઈ તેને આશિષ પ્રદાન કરે છે. ભાઈ-બહેનના સ્નેહ સાગરમાં કદી ઓટ આવતી નથી. તેમના પ્રેમનું બંધન કદી છૂટતું નથી. તે હીરની ગાંઠ પર તેલનું ટીપું મૂકવા જેવું હોય છે. નિઃસ્વાર્થ ભાવ પર રચાયેલો આ સ્નેહ સંબંધ સતત સંવર્ધિત થતો રહે છે. મિત્રને ભાઈબંધ પણ કહેવાય. ભાઈબંધ શબ્દ ભાઈ અને બંધથી બનેલો છે. બંધન કે સંબંધ - ભાઈ જેવું બંધન કે સંબંધ એટલે ભાઈબંધ. ભાઈબંધ ભાઈનું જ લઘુરૂપ છે. એવું જ બહેનપણીનું છે. બેનપણી એટલે બહેન જેવો સંબંધ. બેનપણી બેન (બહેન)નું જ લઘુ રૂપ છે.

રક્ષાબંધન અને ભાઈબીજ જેવા કૌટુંબિક પર્વો પારિવારિક પ્રેમનું દ્રઢીકરણ છે. તેમની વચ્ચે સાંમનસ્ય ઉત્પન્ન કરે છે. તેનાથી પરિવારમાં સભ્યોનું જીવન સુમધુર, સૂરીલું અને સંવાદી બને છે. જ્યાં પારિવારિક પ્રેમનો અભાવ હોય ત્યા વૈમનસ્ય, વેર-ઝેર અને ઝઘડા થાય છે. પરિવારના પ્રેમ-પરિવૃત્તતા હોવી જોઈએ. પરિવૃત્તતા એટલે ચારે તરફથી વીંટળાયેલા રહેવું તે.

રક્ષાબંધનની શરૂઆત ક્યાંથી, ક્યારે અને કેવી રીતે થઈ તેને માટે ઘણી ધાર્મિક અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે સૌથી પહેલી રાખડી કે રક્ષાસૂત્ર દેવી શચિએ એમના પતિ દેવરાજ ઇન્દ્રને બાંધી હતી. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે ઇન્દ્ર વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું રક્ષણ થાય તે ભાવથી દેવી શચિએ એમના હાથ પર રાખડી બાંધી હતી. આ સંદર્ભમાં એક અન્ય કથા વધારે પ્રચલિત છે જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ રાક્ષસોના અધિપતિ બલિ રાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી અને બે ડગલાંમાં પૃથ્વી અને આકાશ માપી લીધા, ત્રીજું પગલું પોતાના માથા પર મૂકવાની વિનંતી કરી હતી. વિરાટ રૂપ ધારી વામન ભગવાને તેમના માથા પર પગ મુકી તેમને પાતાળ લોકમાં પહોંચાડી દીધા હતા. તે વખતે બલિરાજાએ ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાં આવવા જણાવ્યું હતું. ભગવાન વિષ્ણુ ઉપેન્દ્ર નામથી ત્યાં રહ્યા હતા. લાંબા સમયથી ભગવાન વિષ્ણુ પોતાના ધામમાં પાછા પધાર્યા નહીં એટલે લક્ષ્મીજીને ચિંતા થવા લાગી હતી.

નારદ મુનિએ લક્ષ્મીજીને સઘળી વાત જણાવી હતી અને પાતાળ લોકમાં જઈ બલિ રાજાને પોતાનો ભાઈ બનાવી ભગવાન વિષ્ણુને પાછા લાવવાની યુક્તિ સમજાવી હતી. લક્ષ્મીજીએ એ પ્રમાણે બલિરાજાને ભાઈ બનાવી, તેમના હાથે રાખડી બાંધી હતી. બલિરાજાએ બહેન બનેલ લક્ષ્મીજીને કોઈ ભેટ માગવા કહ્યું ત્યારે તેમણે તેમના પતિ ભગવાન વિષ્ણુને પાછા માંગી લીધા હતા. ગુરુ શિષ્યને અને પુરોહિત યજમાનને હાથે નાડાછડી બાંધે છે ત્યારે જે શ્લોક બોલવામાં આવે છે એમાં આ પ્રસંગનો નિર્દેશ છે. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ । તેન ત્વાં અભિબદ્ધનામિ રક્ષે મા ચલ મા ચલઃ ।। ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા. એટલે દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણના હાથ પર રાખડી બાંધી હતી એવી પણ કિંવદન્તી છે.

ભવિષ્યપુરાણમાં કહેવામાં આવ્યું છે - 'સર્વરોગોપશમને સર્વાશુભ વિનાશનમ્ । સકૃત્કૃતેનાબ્દમેકં યેન રક્ષા કૃતા ભવેત્ ।। રક્ષાસૂત્ર અર્થાત્ રાખડી બધા રોગો અને અશુભ અસરોનો નાશ કરનારી છે. તે શુભ, લાભ, મંગલ કરે છે. એને વર્ષમાં એકવાર પણ બાંધવાથી આખું વર્ષ રક્ષિત થઈ જવાય છે.' શ્રાવણ સુદ પૂનમે બ્રહ્મતેજની વૃદ્ધિ માટે બ્રાહ્મણો વિધિપૂર્વક નૂતન યજ્ઞાોપવિત ધારણ કરે છે જે એમની બ્રહ્મ-ઉપાસનાને બળ આપે છે.

Tags :