Get The App

જીવન-મરણનો મહિમા .

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
જીવન-મરણનો મહિમા                          . 1 - image

જીવન અને મરણ દરેક જીવાત્માને કુદરત તરફથી મળેલ સનાતન ભેટ છે. જેને જીવન મળ્યું છે તેની સાથે મરણ પણ મળેલ છે. જી-વન અને મ રણ આ બંને શબ્દનો પ્રથમ અક્ષર છૂટો પાડશો તો તરત જ વન અને રણનો અર્થ, સાર અને મહિમા જાણવા મળશે. વનમાં ઝાડી, ઝાંખરાં, કાંટા, ઉંચા ટેકરા, ઉંડા ખાડા, અને ઉજ્જડ ભયંકર દ્રશ્યો હોય છે. માનવ જીવન પણ વનની જેમ અસંખ્ય ઘટનાઓથી ભરેલ છે. આવા સમયમાંથી પસાર થતાં માનવી કંટાળી જાય છે. હિંમત હારી જાય છે. ન કરવાનું કરી નાંખે છે. હદ, બેહદ અને અનહદ થતાં આપઘાતનો સહારો લે છે. આ છે જીવનનો જીવતો દાખલો, સંતો, મહંતો, વિદ્વાનો સમજાવે છે કે જેમ વનમાં કાંટા, ફૂલો, ઝાડી અને ઝાંખરાં છે. તેમ આપણા જીવનમાં આવું ઘણું બધું છે અને આવવાનું નક્કી છે. તેની સામે હિંમતથી અને અડગ મનોબળથી જીવતાં શીખવાનું છે. તે જીવન સરળ, સુંદર અને સાર્થક બનશે. કદીક ઉચા પર્વતોનો સામનો કરવો પડશે તો કદીક ઉંડી ખીણમાં પડીને તેમાંથી બહાર નીકળવું પડશે. વનમાં ચારેબાજુ ઝાડ હોવાથી રસ્તો મળશે નહિ, હે માનવી વનમાંથી બહાર નીકળવા રસ્તો તારે જ શોધવાનો છે. તો જ જીવન રૂપી વનમાંથી બહાર જઈ શકાય છે. હે માનવી જીવનને વનમાંથી ઉપવન બનાવવું હોય તો જીવનનો શબ્દ કાઢીને ઉપ શબ્દ મૂકશો તો ઉપવન બનશે. ત્યારબાદ હે જીવરાજા તમે સફળ થઈ જશો.

મરણ એક એવો શબ્દ છે જે સાંભળતાં જ માણસ નિરાશ થઈ જાય છે. બાળપણથી માંડી યુવાની અને વૃધ્ધાવસ્થા સુધીની મોજમઝાથી માયા મમતાના બંધનોમાંથી, સગાસ્નેહીઓના સંબંધોથી અને મિત્રોથી હંમેશાને માટે દૂર થવાનું એટલે સ્વધામ જવાનું, અનંતયાત્રાના પ્રવાસે જવાનું. મરણને શરણ થવાનું. માનવી માટે અત્યંત દુ:ખની ક્ષણો કહેવાય. મરણ પછીની પ્રક્રિયા ખૂબ જ દયનીય લાગે છે. પ્રથમ તો કંચનવર્ણી રૂપાળી કાયાને સ્મશાનમાં બાળી દેવાની. તેની રાખ થવાની. એ રાખ હવામાં ઉડવાની. ઉડતી ઉડતી રણમાં જવાની મરણ શબ્દમાંથી  મ અક્ષરકાઢી નાખો એટલે રણ વાંચતા જ માનવીના મરણ પછીનો સમય યાદ આવી જશે. મરણ પછી માનવીની સ્થિતિ રણ પ્રદેશ બની જાય છે. ત્યાં કાંઈપણ વસાવાટ નથી હોતો. ફક્ત ચારે બાજુ રેતીનું સામ્રાજ્ય હોય છે. કોઈની અવરજવર ન હોય. ફક્ત વેરાન વન જ દેખાય છે એ જ પ્રમાણે માનવીના મરણ પછી તેની હયાતી રેતીના રણ જેવી હોય છે. નામ માત્રથી સારા અને ખરાબની ઓળખાણ રહે છે. સત્કાર્યની સુવાસથી નામ અમર બની જાય છે. લડશો નહિ, રડશો નહિ અને કોઈને નડશો નહિ. બસ આ જીવનમંત્રથી નામ અમરત્વ પામે છે. બાકી બાર દિવસ પછી તો પોતાનો પરિવાર પણ યાદ કરતો નથી. તો હે બુધ્ધિ જીવી માનવી હજુ પણ સમય તારા હાથમાં છે.

'રજકણતારા રઝળશે, જેમ રણમાં ઉડે રેત

સમય હજી છે બાકી, તુ ચેત ચેત અને ચેત.'

આ છે જીવન મરણનો સાર અને મહિમા.

જી-વન, મ-રણ.

- ભગુભાઈ ભીમડા