વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર પ્રતિભાશાળી - સ્વામી વિવેકાનંદ
આ દિવસે વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર પ્રતિભાશાળી- સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. આપણે સૌ કોઈએ સ્વામી વિવેકાનંદજીના જીવન અને કાર્યો અવશ્ય જાણવા જોઈએ.
જો આજના યુવાનો તેમને નહીં જાણે તો તે, મુવીના હીરોને અથવા તો કોઈ સફળ બિઝનેશમેનને પોતાના આદર્શ માની લેશે. પરંતુ તે કેટલું યોગ્ય છે ?
પરંતુ શું તમે સહુ જાણો છો ? કે સ્વામી વિવેકાનંદ એ કેવા પ્રતિભાશાળી વ્યક્તિ હતા ? આખા ભારત દેશને જ નહિ, પણ સમગ્ર વિશ્વને તેઓ પ્રેરિત કરી શકે તેમના વિચારો હતા અને તેમનું તેવું આદર્શ જીવન હતું.
આવો તો આજે જાણીએ, તેમના જીવન પ્રસંગો પરથી તેમનું વિરલ વ્યક્તિત્વ અને શુભગુણો.
૧) નીડર : બાળપણમાં વિવેકાનંદ (નરેન્દ્ર) તેમના મિત્રો સાથે આંગણામાં ચંપાના ઝાડ પર રહી ખૂબ મસ્તી કરતા, તેમના પિતાજીએ ખાલી ખાલી કીધું ઝાડ પર ભૂત છે. બધા મિત્રો ડરી ગયા પરંતુ નરેન્દ્ર તો ઝાડ પર ચડીને રમવા લાગ્યા.. કહે કે ભૂત હોય તો અત્યાર સુધી ક્યાં હતું ? ક્યાં ગયું ?
૨) જવાબદારી સભર : તેમનાં પિતાના અવસાન બાદ, ગરીબીને લીધે પોતે ભૂખ્યા રહેતા અને ઘેર આવીને જૂઠું કહેતા કે, મેં બહાર લોજમાં જમી લીધું માટે આ ભોજન તમે કરી લો.
૩) પાવરફુલ ફોક્સ : તેઓ એટલું ધ્યાનથી ભણતા કે તેમની સામેથી જાનૈયા પસાર થઈ ગયા તો પણ તેમને ખબર ન પડી અને એકવાર તેઓ વાંચતા વાંચતા બેભાન થઈ ગયા કારણકે સતત ત્રણ દિવસથી ભણી રહ્યા હતા.
૪) કરૂણાભાવ : તેમની માતાએ રસોઈ કામ કરતા, તેમની પાસે ચપ્પુ માગ્યું તો તેમણે ચપ્પાની ધાર પોતાની સાઈડ રહે એ રીતે પકડીને તે આપ્યું. જેથી તેમની માતા રાજી થયા અને કહે કે, તારામાં કરૂણાભાવ છે, તો તું વિદેશ જઇને પણ લોકોનું ભલું કરીશ.
૫) મેમરી પાવર : તેઓ રોજ સવારે લાયબ્રેરીમાંથી બુક લે અને સાંજે પાછી આપી દે. લાયબ્રેરીયને ચિડાઈને કહ્યું કે, કે વાંચવી ન હોય તો પુસ્તક કેમ લો છો ? ત્યારે તેમણે કહ્યું કે રોજ એક બુક વાંચી લઉં છું અને યાદ પણ રાખી લઉં છું. તેમને પુસ્તકમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો તરત જ પેજ નંબર સાથે જવાબ આપી દીધા.
૬) ચપળ : ટ્રેનમાં સફર કરતા એક વખત તેમને ઉંઘ આવી ગઈ. તો ભૂરિયાએ તેમના જૂતા બહાર ફેંકી દીધા. થોડીવાર પછી વિવેકાનંદે ભૂરિયાના કોટ અને ટોપી બહાર ફેંકી દીધા. પૂછતાં જણાવ્યું કે એ એમના જૂતા શોધવા ગયાં છે.
૭) પબ્લિક સ્પીકર : જે કોન્ફરન્સમાં તેમનું અપમાન કરવા બે જ મિનિટ બોલવાનો સમય આપવાનો હતો. પણ જ્યાં તેમણે બોલવાનું શરૂ કર્યું. તાળીઓના ગડગડાટ સાથે ૭૦ મિનિટ સુધી સ્પીચ આપી અને સહુએ સાંભળી.
૮) મૂળથી દેશી : તેમને જમવા નિમંત્રણ મળ્યું. બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરની સામે પણ તેઓ હાથેથી જમ્યા. કાંટા ચમચી ન વાપરી, પૂછતાં જણાવ્યું કે મારા હાથેથી બીજા કોઈએ નથી ખાધેલું. તે ફક્ત મારા માટે જ વપરાય છે.
૯) સ્ત્રીઓનું સન્માન કરનારાં : એકવાર વિદેશી સ્ત્રીએ ઇચ્છા જાહેર કરી કે, મારે તમારા જેવો પુત્ર જોઈએ છે માટે મારી સાથે લગ્ન કરો. તેમણે ખૂબ વિવેકથી જણાવ્યું કે, લગ્ન પછી મારા જેવો ગુણવાળો પુત્ર થાય એ ગેરંટી નથી. પરંતુ તમને હું આજથી મારા માતા સમાન માનું છું. જેથી તમે મને જ તમારો પુત્ર માની લો.
આવા ઘણાય સદ્ગુણોથી સભર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનારા સ્વામી વિવેકાનંદે દુનિયાભરમાં આપણી વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો...
તેમનું માનવું હતું કે,' જો તમે તમારી જાતને કમજોર માનશો તો તમે કમજોર થઈ જશો પણ જો તમે તમારી જાતને શક્તિશાળી માનશો તો શક્તિશાળી બની જશો.'
તો, આમ દુનિયાભરમાં પોતાની તથા ભારતની આગવી ઓળખ ઉભી કરનારાં સ્વામી વિવેકાનંદના આ સૂત્રને આપણે જરૂરથી અપનાવવું જોઈએ.
'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.'
વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર પ્રતિભાશાળી-સ્વામી વિવેકાનંદજીની તા.૧૨-૧-૨૦૨૩ના રોજ જંયતિ છે, તો આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણા જીવનને આદર્શમય બનાવીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ