Get The App

સજ્જનતાની પ્રથમ નિશાની : નિંદા કોઈની નહિ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
સજ્જનતાની પ્રથમ નિશાની : નિંદા કોઈની નહિ 1 - image

- પ્રેરણાની પરબ-આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

માનવ જન્મને પ્રાપ્ત કર્યા પછી દરેક જીવને બે પ્રકારના વિકલ્પ મળી શકે છે. એ મહામાનવ પણ બની શકે છે અને દાનવ પણ બની શકે છે... એ સજ્જન પણ બની શકે છે અને દુર્જન પણ બની શકે છે... મહામાનવ બનવું અથવા સજ્જન બનવું એ ઉત્તમતાની નિશાની છે, તો દાનવ બનવું અથવા દુર્જન બનવં. એ અધમતાની નિશાની છે. આ પૈકી આજથી પ્રારંભ થતા લેખોમાં આપણે સજ્જન બનવા માટેના આઠ લક્ષણો ઉપર ક્રમશ : વિચારણા કરીશું. 'સિંદૂરપ્રકર' નામના જૈન ધર્મગ્રન્થમાં સર્વજન ઉપયોગી આ આઠ સજ્જન બનવા માટેના આઠ લક્ષણો ઉપર ક્રમશ : વિચારણા કરીશું. 'સિંદૂરપ્રકર' નામના જૈન ધર્મગ્રન્થમાં સર્વજનઉપયોગી આ આઠ સજ્જનલક્ષણો અંતર્ગત પ્રથમ લક્ષણ દર્શાવતા લખ્યું છે 'ન બ્રૂતે પરદૂષણમ્' મતલબ કે સજ્જનો ક્યારે ય અન્યોના દોષો ન બોલે-નિંદા ન કરે.

અન્યોના દોષ બોલવા-જોવામાં ચાર નુકસાન થાય છે : ૧) વારંવાર અન્યોના દોષો જોવાનાં કારણે જીવને બીજાના દોષો જોવાની આદત પડે છે. જીવ દોષદૃષ્ટિવાળો બને છે. ૨) બોલવા જોવાનાં માધ્યમે વારંવાર દોષોનો સંગ થવાના કારણે એ દોષોનો સંગ થવાના કારણે એ દોષો સ્વજીવનમાં આવે છે. (૩) બીજાના દોષો બોલવાનાં કારણે-નિંદા કરવાનાં કારણે નિરર્થક પાપો બંધાય છે. અને (૪) બીજાના દોષો બોલવા-જોવાનાં કારણે જીવને મળતું કાંઈ નથી ને સમયનો વ્યર્થ દુરુપયોગ છે. આવા ચાર મહાન નુકસાન કરનારી અન્યોના દોષો ગાવાની વૃત્તિને સજ્જનો ક્યારે ય અપનાવતા નથી અને કો'ક અપનાવે તો તેને આવકારતા પણ નથી. આ સંદર્ભમાં યાદ આવે છે સોક્રેટીસનો જીવનપ્રસંગ :

ગ્રીસ દેશના તેઓ મહાન તત્ત્વચિંતક. એક વાર એક પરિચિત વ્યક્તિએ તેમની પાસે આવીને કહ્યું : 'મહાનુભાવ ! ગઈ કાલે પેલી વ્યક્તિ તમારા વિશે શું બોલતી હતી ખબર છે ?' સોક્રેટીસે એ વ્યક્તિને અટકાવીને કહ્યું : 'પહેલા મને ૩ પ્રશ્નોના જવાબ આપો પછી હું તમારી વાત સાંભળું : એક, તમે મને જે કહેવા માંગો છો એ વાત સંપૂર્ણ સાચી છે ખરી ?' આવનાર વ્યક્તિએ માથું ખંજવાળતા કહ્યું : 'ના, એ તો ખબર નથી. મેં કો'કના પાસેથી સાંભળી છે.' બે, તમે મને જે કહેવા માંગો છો એ વાત સારી છે ?' પેલી વ્યક્તિ આ સાંભળીને નીચું જોઈ ગઈ. તેણે ધીમા સ્વરે કહ્યું : ' ના, એ વાત સારી પણ નથી. તમે સાંભળીને દુ:ખી થશો.' 'ત્રીજો પ્રશ્ન : તમે મને જે જણાવવા માંગો છો એ મારા માટે ઉપયોગી છે ?' સોક્રેટીસે પૂછયું. ' ના, એ વાત ઉપયોગી પણ નથી.' સામેની વ્યક્તિએ ક્ષોભ પામતા ઉત્તર આપ્યો. જવાબ સાંભળીને સોક્રેટીસે સરળ શબ્દોમાં સુંદર સંદેશ પાઠવતાં કહ્યું : 'મિત્ર ! જે વાત સાચી નથી- સારી નથી અને ઉપયોગી પણ નથી એવી વાત સાંભળીને શું ફાયદો ? અને તમે પણ એ વાત શા માટે કરવા ચાહો છો ? આવી વાત ક્યાંય પણ ન જ કરો એમાં ભલાઈ નથી ?' સોક્રેટીસની વાત એ વ્યક્તિ લજ્જિત હૈયે સાંભળી રહી.

આપણે પણ ઘણે અંશે 'સારું છે ? સાચું છે? ઉપયોગી છે?' આવો વિવેક કર્યા વિના જ અન્યોના દોષો ગાતા ફરીએ છીએ- ટીકા/ટિપ્પણ કરીએ છીએ અને ઘણીવાર તો પૂજ્ય વ્યક્તિઓની પણ નિંદા કરીએ છીએ. પણ આજથી નક્કી કરીએ : સજ્જન બનવું છે તો તેના પ્રથમ લક્ષણ સ્વરૂપ અન્યોના દોષો- ટીકા-નિંદા મારા મુખમાં ન જ હોય. છેલ્લે યાદ રાખીએ આ સંદેશ કે, ' પૈસા બરબાદ કરશો તો પૈસા ખોશો... પણ સમય બરબાદ કરશો તો જીવન ખોશો..