Get The App

શિલ્પ શાસ્ત્રના આદ્યપિતા શ્રી વિશ્વકર્મા પ્રભુ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
શિલ્પ શાસ્ત્રના આદ્યપિતા શ્રી વિશ્વકર્મા પ્રભુ 1 - image

શિલ્પ શાસ્ત્રના આદ્યપિતા શ્રી વિશ્વકર્મા પ્રભુએ આ સૃષ્ટિનાં જીવો અને માનવજાત પર મોટો ઉપકાર કરેલ છે. સર્વ ક્ષેત્રનાં તજજ્ઞા શ્રી વિશ્વકર્મા પ્રભુએ પ્રકૃતિની સાથે કલા, સૌંદર્ય અને સંસ્કૃતિને અનુરૂપ દરેક જીવનાં કલ્યાણ અર્થે સુંદર રચના કરી છે. વેદોને આધારે દેવતાઓની રક્ષા અને અધર્મનો નાશ કરવા માટે શસ્ત્ર આપ્યાં છે.

વિષ્ણુ ભગવાનને ચક્ર, શિવજીને ત્રિશૂળ, ઈન્દ્રને વજ્ર, કુબેરદાદાને પુષ્પક વિમાન, શ્રી રામને ધનુષ અને હનુમાનદાદાને ગદા આપી છે. દેવતાઓને આમંત્રણ આપીને આ સૃષ્ટિનાં સર્જન, પાલન અને વિસર્જનનો કાર્યભાર સોંપ્યો છે. શ્રી વિરાટ વિશ્વકર્માએ પોતાના પાંચ મુખમાંથી પાંચ માનસ પુત્રોને ઉત્પન્ન કર્યો. મનુ (લુહાર), મય (સુથાર), ત્વષ્ટા (કંસારા), શિલ્પી (કડીયા-સલાટ) દેવદૂત (સોની) પાંચે પુત્રોને એમની કલા કારીગરીમાં નિપુણ બનાવ્યા. એમના ક્ષેત્રમાં કલા, જ્ઞાાન, વિજ્ઞાાન અને બુધ્ધિ શક્તિમાં આજે પણ અગ્રેસર રહ્યાં છે. જે પંચાલ તરીકે ઓળખાય છે. માનવ જાતિનાં સર્વાંગી વિકાસ, સગવડતા સાથે સુખ-શાંતિ અને આનંદથી જીવન નિર્વાહ કરી શકે. દેવાંશી ઓજારોની શક્તિ અને ઉપયોગ કરવાની કલા કારીગીરી સાથે કૌશલ્યની અણમોલ ભેટ આપી છે. કોઈપણ કાર્ય હું નથી કરતો આ ભાવ રાખીને ભક્તિની શક્તિ ધ્વારા દેવાંશી ઓજારોમાં શ્રી વિશ્વકર્મા પ્રભુ આ કાર્ય કરે છે. ધર્મશાસ્ત્ર, શસ્ત્રની આજ્ઞાામાં રહીને નીતિધર્મનું પાલન કરીને કાર્ય કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ પ્રભુને ગમતું જીવન જીવે છે. સાચા રસ્તે ક્યારેય પાછો પડતો નથી. અડગ મનના વ્યક્તિને પ્રભુની કૃપાથી એના કાર્યોમાં ક્યારેય હિમાલય પણ નડતો નથી વિશ્વકર્મા પ્રભુ સત્યમ્ શિવમ, સુન્દરમનાં રૂપમાં પ્રગટ છે. શ્રી વિશ્વકર્મા પ્રભુએ જ્ઞાાતિ, વર્ણ રંગ, ધર્મ અને સંસ્કૃતિમાં ક્યારેય ભેદ રાખ્યો નથી. પ્રત્યેક જીવની રહેવાની, ખાવા-પીવાની પણ વ્યવસ્થા ગોઠવી છે. શ્રી વિશ્વકર્મા પ્રભુની સંચાલન વ્યવસ્થા અને સર્જન શક્તિ ધ્વારા શસ્ત્રો, શાસ્ત્ર અને ઓજારો દ્વારા સૃષ્ટિનાં જીવોનું કલ્યાણ માટે જ આ કાર્ય કર્યું છે શ્રી વિશ્વકર્મા દાદાનું દિવ્ય તેજ અખિલ બ્રહ્માંડમાં પ્રકાશિત છે. જે પુરાણોના આધારે જાણવા મળે છે શ્રી વિશ્વકર્મા પ્રભુએ મનુષ્યપિંડની રચના કરી જેમાં સર્વે ઈન્દ્રીયો, દેવો અને શક્તિએ પ્રવેશ કર્યો અને મનુષ્યપિંડને સજીવ કર્યો. આદિનારાયણે બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞાા કરી. એક અંડાકાર આકૃતિની રચના કરી એનું નામ ''બ્રહ્માંડ'' પડયું. અખિલ બ્રહ્માંડનો વ્યાપક વિસ્તાર હોવાથી એક પ્રશ્ન ઊભો થયો. બ્રહ્માંડને રાખવું ક્યાં ? આદિનારાયણની આજ્ઞાાથી શેષનાગની ફણા પર ગોઠવ્યું તો બ્રહ્માંડ હાલક-ડોલક થવા લાગ્યું, સ્થિર રહ્યું નહીં. કોઈ રસ્તો સૂઝે નહીં. બધા મુંઝાયા, હવે કરવું શું ? આદીનારાયણે પોતાના સ્વરૂપમાંથી બીજુ દેવત્વ સ્વરૂપ પ્રગટ કર્યું. આઠ દિશામાં દિક્પાલો ગોઠવ્યા અને મેરું પર્વતને બ્રહ્માંડ પર ગોઠવ્યો. મેરું પર્વતનાં વજનથી બ્રહ્માંડ સ્થિર થયું. ત્યારે આકાશ વાણી થઈ, કે હે.... બ્રહ્મા! તમારી સામે જે ઊભા છે એ તમારા ભાઈ વિશ્વકર્મા છે બ્રહ્માજી ખુશ થયા આ કાર્ય જોઈને અભિનંદન આપ્યા. અપાર શક્તિ અને એમના કાર્યથી સૌ પ્રભાવિત થયા. શિલ્પશાસ્ત્રનાં આભપિતા શ્રી વિરાટ વિશ્વકર્માની સંચાલન વ્યવસ્થામાં આજે પણ ભવ્યતાની સાથે દિવ્યતાંનાં દર્શન થાય છે. સંચાલન વ્યવસ્થા ચૌદ વિભાગમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા.ં સાત લોકમાં...''ભૂલોક, ભવલોક, સ્વર્ગલોક, મહાલોક, જનલોક, તમ લોક, અને સત્ય લોક, બીજા સાત વિભાગોને ''પાતાળ'' આપ્યું... અતળ, વિત્તળ, સુત્તળ, મહાતળ, રસાતળ, પાતાળ, અતલા આ રીતે ચૌદ લોકમાં સંચાલનની વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય કર્યું છે.'' અધર્મનો નાશ કરવા અને સૃષ્ટિનાં જીવોનું કલ્યાણ કરવા અર્થે દરેક બાબતોનું ધ્યાન રાખીને આબેહૂબ વ્યવસ્થા કરીને આપી છે.

પુરાણોના આધારે જાણવા મળ્યું છે દેવો અને દૈત્યોના યુધ્ધમાં શિવજી અંધક નામના રાક્ષસ સાથેનાં યુધ્ધમાં બન્નેના પરસેવાનાં ટીપામાંથી એક વિકરાળ સ્વરૂપ ઉત્પન્ન થતાં દેવ અને દૈત્યો પણ ગભરાયા. આ વિકરાળ સ્વરૂપનાં ડરથી બધા શ્રી વિશ્વકર્મા પાસે ગયા. વિશ્વકર્મા પ્રભુએ આ વિકરાળ સ્વરૂપને સ્વીકારીને આ દત્તક પુત્રનું નામ ''વાસ્તુ'' રાખ્યું. આજે પણ નવા નિવાસ્થાનમાં ઘર, બંગણ કે ફ્લેટોમાં ''વાસ્તુ પૂજન'' કરીને રહેવા જાય છે. નિવાસસ્થાનમાં હોમ, હવન, યજ્ઞામાં આહુતિ આપવાથી, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બને છે. નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સાત્વિક ઊર્જા પ્રાપ્ત મળે છે. જીવનમાં સુખ-શાંતિને આનંદ રહે છે. નવા નિવાસ્થાને વાસ્તુપૂજન કરવાથી ખરાબ શક્તિઓનો પ્રભાવ રહેતો નથી. આપણા વૈદિક મંત્રોચ્ચારમાં અમોઘ શક્તિ રહેલી છે. પ્રભુમાં અખંડ શ્રધ્ધા અને વિશ્વાસથી આધ્યાત્મિક માર્ગે પ્રત્યેક જીવવું કલ્યાણ થાય છે.

એક માન્યતા અનુસાર શ્રી વિશ્વકર્મા જયંતીનાં દિવસે શ્રધ્ધાપૂર્વક વાસ્તુપૂજન, શ્રી યંત્રપૂજન તેમજ હવન યજ્ઞામાં આહુતિ આપવાથી વૈદિક મંત્રોચ્ચારનાં પ્રભાવથી તેમજ દર્શન માત્રથી વાસ્તુદોષ નાશ પામે છે. નકારાત્મક શક્તિ દૂર થાય છે. અને સાત્વિક ઉર્જા મળે છે. ધર્મ શાસ્ત્ર અનુસાર પૃથુરાજાની પ્રાર્થનાથી ભગવાન શ્રી વિશ્વકર્મા મહાસુદ તેરસનાં દિવસે વૃધ્ધ સ્વરૂપે હાથમાં ગજ, સુત્ર, જળપાત્ર, શિલ્પશાસ્ત્ર (પુસ્તક) ધારણ કરીને હંસ પર સવારી રહી આ પૃથ્વી પર પ્રાગ્ય થયું હોવાથી મહાસુદ તેરસનાં દિવસે આ પર્વને ''શ્રી વિશ્વકર્માજયંતી''  તરીકે ઉજવવામાં આવે છે. શ્રી વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ, ફોટો કે યંત્ર મૂકીને ગાયના ઘી નો દીપ પ્રગટાવીને અગરબત્તી ધૂપ કરીને પંચોપચારે શ્રધ્ધાપૂર્વક પૂજન કરવું. ગુલાબનું ફૂલ વધારે પ્રિય હોવાથી ગુલાબનો હાર પહેરવો, શ્રી વિશ્વકર્માના મહીમાનું ગાન કરવું.

।। ઓમ શ્રી વિશ્વકર્મણે નમ: ।।

- કિરણભાઈ આર. પંચાલ