સમયનો શત્રુ .
બ ધાને ચોવીસ કલાક મળ્યા છે. કેટલાક લોકો સમયનો સદુપયોગ કરે છે તેને ચમત્કાર કહી શકાય. જ્યારે કેટલાક લોકો સમય વ્યર્થ રીતે બરબાદ કરી હંમેશા અભાવની ફરિયાદ કરે છે. વાસ્તવમાં આપણે સમયની કિંમત સમજતા નથી. આપણો ઘણો ખરો સમય નકામો વહી જાય છે, પરંતુ વિષમ પરિસ્થિતિમાં જ આપણને સમયની કિંમત સમજાય છે.
જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે વિદ્યાર્થીને સમય ખૂબ કિંમતી લાગે છે, જ્યારે બાળકના સમયમાં તે નકામા કાર્યોને તેને વેડફી નાખતો હોય છે. જે લોકો સમયનું મૂલ્ય સમજતા નથી તેઓ જીવનમાં વિકાસ સાધી શકતા નથી અને છેલ્લે તેઓ તણાવ તથા અવસાદનો શિકાર બની જાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ખૂબ તણાવમાં આવી જાય છે. તેનું કારણ એ હોય છે કે તેમણે પહેલેથી જ સમયનું મહત્વ સમજીને મહેનત કરી હોતી નથી. જ્યારે આપણે બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે થોડુંક મોડું થઈ જવાના કારણે જો તે ઉપડી જાય ત્યારે આપણને સમયની કિંમત સમજાય છે. આથી માણસે હંમેશા ચુસ્ત રીતે સમયનું પાલન કરતાં શીખવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે.
આજ રીતે આપણા જીવનની યાત્રામાં જો આપણે એક એક ક્ષણનો સદુપયોગ કરીને પોતાનાં કાર્યોને નિર્ધારિત સમયે પૂરાં કરીએ તો એનાથી સંતોષ તથા આનંદપૂર્વક આપણું જીવન વ્યતિત થાય છે. પરંતુ જે લોકો સમયની બાબતમાં બેદરકાર હોય છે અને આળસમાં તથા નકામાં કાર્યોમાં પોતાના સમયને નષ્ટ કરે છે એવા લોકોને સમય પણ નષ્ટ કરી નાખે છે. આ વાત કદાચ કોઈને કઠે, પરંતુ ખરેખર તે સાચી છે. જે પોતાના જીવનના સોનેરી સમયને બરબાદ કરી નાંખે છે. તેને જીવનના ઉત્તરાર્ધમાં તેનું પરિણામ ભોગવવું પડે છે. એવા લોકોના જીવનમાં અશાંતિ, અસંતોષ તથા દુઃખ જ જોવા મળે છે.
જો કોઈ માણસ દુઃખ, ગરીબી, અભાવ તથા અશાંતિના રોદણાં રડે તો તે યોગ્ય નથી કારણ કે તેણે સમયનો સદુપયોગ કર્યો હોતો નથી. પણ જો તે પાછળથી પસ્તાય અને દુઃખી થાય તો એમાં બીજાનો શો દોષ? ખરેખર સાચી સંપત્તિ તો સમય જ છે. જો માણસ તેનું મૂલ્ય સમજે અને એક એક ક્ષણનો સદુપયોગ કરે તો બીજી બધી સંપત્તિ આપોઆપ જ તેની પાસે ખેંચાઈ આવે છે. જે મનુષ્ય સમયરૂપી સદુપયોગ કરતાં શીખી જાય છે એના માટે કહી શકાય કે તેણે કાળને પોતાના વશમાં કરી લીધો છે.
જીવનની દોડાદોડીમાં માણસના જીવનની દરેક ક્ષણ ખૂબ ઝડપથી પસાર થઈ રહી છે અને તેના જીવનની ઊલટી ગણતરી થઈ રહી છે તેનો તેને ખ્યાલ જ રહેતો નથી. દરેક ક્ષણે માણસ મૃત્યુની વધારે ને વધારે નજીક જતો હોય છે. જીવનરૂપી ઘડામાંથી પાણી ઝમી રહ્યું છે અને એક દિવસ એમાંથી બધું જ પાણી ખતમ થઈ જશે એ વાત નક્કિ છે. દરેક શ્વાસની સાથે જીવનરૂપી સંપત્તિ ઘટતી જાય છે અને આપણે મૃત્યુ તરફ આગળ વધતા રહીએ છીએ. આ વાત માણસના ધ્યાન બહાર રહી જાય છે.
આ સત્ય જો માણસને યાદ રહે તો તે જીવનની દરેક ક્ષણનો સદુપયોગ કરીને જીવનરૂપી દેવતાની સાધના કરવા લાગશે. જે લોકો મહાન બન્યા છે અને જેમણે જીવનમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે તે બધાએ કાળને નાથ્યો છે. એટલે કે જીવનની દરેકે દરેક ક્ષણનો સદુપયોગ કર્યો હતો.
જો આપણે આપણી ચારે બાજુ નજર દોડાવીશું તો સમજાશે કે સૃષ્ટિનો દરેક ઘટક સમય અનુસાર ચાલી રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, પૃથ્વી, ઋતુઓ એ બધા જ પોતાના નિયત ક્રમ પ્રમાણે ચાલી રહ્યાં છે. એમનાં ક્રમમાં કદાપિ ફેરફાર થતો નથી, પરંતુ ફક્ત માણસ જ એવો છે, જે પોતાની મનમાની કરે છે અને પછી જ્યારે પ્રતિકૂળ પરિણામ મળે ત્યારે ફરિયાદ કરે છે.
આપણે જો ઈશ્વરના વિધાન અનુસાર ચાલતા હોત તો આપણી દિનચર્યા પણ નિયમિત હોત. આપણે સમયસર સૂઈને સવારે વહેલા ઉઠવાનો ક્રમ અપનાવ્યો હોત અને આપણે સ્વસ્થ તથા નીરોગી જીવન જીવતા હોત. આપણે હંમેશા પ્રસન્ન રહેતા હોત પરંતુ સમયની કિંમત ન સમજવાના કારણે આપણી દિનચર્યા અસ્તવ્યસ્ત તથા અસંયમિત હોય છે. એના પરિણામે આપણે દુર્બળતા તથા રોગોને પોતે જ નિમંત્રણ આપીએ છીએ. આપણે તન તથા મનની સ્ફૂર્તિ અને તેજસ્વિતા ખોઈ બેસીએ છીએ. આપણું જીવન સાવ સુસ્ત તથા નિસ્તેજ બની જાય છે. આ બધાના પરિણામે આપણને જીવનમાં હંમેશા અસંતોષનો અનુભવ થાય છે. આપણે રોતાં કકળતાં જીવન જીવીએ છીએ.
આથી જો સુખી થવું હોય તો આળસ તથા નકામા કાર્યોમાં પોતાનો સમય ન વેડફવો જોઈએ. દુનિયાના બધા જ રોગોનું મૂળ કારણ આળસ તથા પ્રમાદ છે. આળસ તથા કામચોરી આ બંને પોતે જ બહુ મોટા રોગો છે. એમના લીધે શરીર દુર્બળ તથા રોગી બની જાય છે એટલું જ નહિ, આપણી માનસિક શક્તિઓ પણ કંઠીત થઈ જાય છે. એના લીધે માણસ ગરીબ રહે છે અને તેણે અભાવગ્રસ્ત જીવન જીવવું પડે છે.
આળસને કારણે આપણને કાર્યને ટાળતા રહેવાની કુટેવ પડી જાય છે. આજે નહિ કાલે કરીશું. એ કાલના કારણે આપણો ઘણો બધો સમય નષ્ટ થઈ જાય છે. ઇતિહાસના પાનામાં કાલના કારણે કેટલાય પ્રતિભાવાન લોકોના ગળા કપાઈ ગયા. કેટલાય લોકોની યોજનાઓ અધૂરી રહી ગઈ, કેટલાય લોકોના નિશ્ચય એમને એમ રહી ગયા અને કેટલાય લોકો પસ્તાતા હાથ ઘસતા રહી ગયા. કાલે શબ્દ આપણી આળસ તથા પ્રમાદને સૂચવે છે. જ્યારે 'આજ' શબ્દ આપણા સક્રિય જીવન તથા જીવંતતાનું પ્રતીક છે. સંત કબીરનો આ દોહો જીવનમાં ઉતારવા જેવો છે -
કાલ કરે સો આજ કર, આજ કરૈ સો અબ,
પલમે પરલૈ હોએગી, બહુરિ કરેગા કબ ।।
સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવા માટે એક સમયે એક જ કામ કરવું જોઈએ. જે લોકો એક સાથે અનેક કામ કરવાનો પ્રયત્ન કરે છે તેમનું એકેય કામ સારી રીતે થઈ શકતું નથી. તેમનો અમૂલ્ય સમય નષ્ટ થાય છે અને તેમના અધુરા કાર્યોને લીધે તેમના મગજ પર એક ભાર રહે છે અને તેઓ દુઃખી રહે છે. જે કામ શરૂ કર્યું હોય તેને પોતે જ પુરું કરો. બીજાના ભરોસે રહેવાથી તે કામ પુરું થતું નથી અને કદાચ થાય તો તે શ્રેષ્ઠ હોતું નથી.
સતત શ્રમ કરવાથી થાક લાગે તે સ્વાભાવિક છે. જો થાકી ગયા તો થોડીકવાર વિશ્રામ કરી લેવો જોઈએ, પરંતુ વિશ્રામના બહાને આપણામાં આળસ પ્રમાદ ઘૂસી ન જાય તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આળસ સમયનો સૌથી મોટો શત્રુ છે. આળસને કારણે આપણે મૂલ્યવાન અવસર ચૂકી જઈએ છીએ. જે રીતે લોખંડ ઠંડુ થઈ જાય પછી તેની પર હથોડો મારવાથી કોઈ લાભ થતો નથી એજ રીતે હાથમાંથી અવસર નીકળી જાય પછી જો આપણે પ્રયત્ન કરીએ તો તે નકામો બની જાય છે. એટલે જ ગાયત્રીના ઉપાસક શ્રીરામ શર્માજીએ યોગ્ય જ કહ્યું છે કે, ''જે લોકો જીવનને પ્રેમ કરતા હોય તેમણે આળસ તથા પ્રમાદમાં એક ક્ષણ પણ વેડફવી ન જોઈએ.''
- હરસુખલાલ સી. વ્યાસ