અહંકારના ભાર નીચે માણસ હંમેશા દબાતો રહ્યો છે. અહંકારને દૂર કરવા પ્રયત્નો અને અભ્યાસની જરૂર છે. ''હું પણાનો મિજાજ માનવ જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. અહંકાર, દંભ અને અભિમાન જ્યારે માનવીના સ્વભાવમાં પ્રવેશ કરે છે ત્યારે અન્ય સદગુણો ધીમેધીમે નાશ પામે છે. પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી. તેનાથી જે થાય છે તે જ બરાબર છે. એવું તેનું માનવું છે. જેના સ્વભાવમાં અહંકારની સત્તા શાસન કરે છે ત્યાં સદ્દગુણ, સદાચાર નકામા છે. રાવણને પોતાના કર્મનું ભાન કે જ્ઞાન ન હતું. એટલે જ સીતાનું હરણ કર્યું અને પોતાની સાથે અન્યનો નાશ થયો. લંકાનું અસ્તિત્વ મટી ગયું.''
અહંકારીને પરિણામની બીક લાગતી નથી. તેઓ ગમે તેવા પરિણામને સ્વીકારી લે છે. જેઓ અભિમાન કે અહમ જેવા વિનાશકારી તત્ત્વોથી પીડાય છે. તે તેમના જીવનમાં પ્રગતિ કરી શકતા નથી, તેમનું જીવન અન્ય માટે ઉપયોગી નથી કે કોઈ તેમને અપનાવતું નથી. ગર્વ અને અહંકારના કારણે દુર્યોધન મરતા સુધી પાંડવોને ભાઈ તરીકે સમજી શક્યો નહિ. વેર અને ઈર્ષા કે બદલાની ભાવનાને સંતોષવા તેણે ભરી સભામાં દ્રોપદીનું વસ્ત્રાહરણ કર્યું. અહંકારીને બીજાની સલાહ ગમતી નથી. કોઈની સમજણ તેને અસર કરતી નથી. સમાજ સુધારકો, સંતો, મહંતો અને જ્ઞાની માણસો પણ આવા અહંકારી અને વિનાશકારી દુર્ગુણોથી હંમેશા દૂર રહે છે. જ્ઞાની પુરુષોના જીવનમાં અહંકાર, દંભ અને અભિમાનને સ્થાન નથી. તેઓ પૂજનીય છે સર્વગુણ સંપન્ન છે. તેઓ નરમાંથી નારાયણ બને છે. તેઓ પૂજાને યોગ્ય છે. ખરેખર તેઓ સંત કહેવાય છે. સંતો આપણા પથદર્શક છે. દિશા સૂચક છે. તેમનું જીવન જગતના કલ્યાણ માટે છે. તેમના જ્ઞાન દ્વારા આપણામાંથી અહંકાર અને અભિમાન નાશ પામે છે. સદ્દગુણો અને સદાચારનો જન્મ થાય છે. જીવન સરળ અને સુંદર બને છે. દિવ્ય બને છે.
- ભગુભાઈ ભીમડા


