- વેદોનું વધારેમાં વધારે ચિંતન આપણા સમગ્ર જીવનને પ્રકાશવાન બનાવે છે
વે દો પરમપિતા પરમેશ્વરની અમર વાણી છે. જગતમાં બધા જ વિવેચકો એ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે વેદો સૌથી પ્રાચિન ગ્રંથો છે તથા તે સમગ્ર વિશ્વસાહિત્યનો મુગટમણિ છે. વેદોમાં જ્ઞાાન અને વિજ્ઞાાનનો અખૂટ ભંડાર ભરેલો છે. સંસારની બધી જ મૂળભૂત વિદ્યાઓનો ઉદ્ભવ વેદોમાથી થયો છે. આવા અમૂલ્ય ગ્રંથોનું ચિંતન અને મનન કરવાથી આપણને સાંસારિક અને આધ્યાત્મીક બન્ને પ્રકારનું ઉચ્ચકોટિનું જ્ઞાાન પ્રાપ્ત થાય છે. વેદોનું અધ્યયન આપણને પાપોથી બચાવી લે છે. આપણા જીવનમાં આશા અને આનંદ પ્રગટાવે છે, ખોટા રસ્તેથી પાછા વાળીને સાચા રસ્તે લઈ જાય છે અને જ્યારે આપણે સાચો માર્ગ ભૂલી જઈએ છીએ ત્યારે તે આપણને સાવધાન અને જાગૃત પણ કરે છે.
વેદોનું વધારેમાં વધારે ચિંતન આપણા સમગ્ર જીવનને પ્રકાશવાન બનાવે છે. વેદોનો પ્રત્યેક મંત્ર મનુષ્યના જીવનના બધા જ પાસાને ઉજ્જવળ બનાવવાનો માર્ગ મોકળો કરી આપવા સમર્થ છે. સામાન્ય માણસ પણ આ મંત્રોમાંથી પ્રેરણા મેળવી શકે તે ઉદેશથી શ્રીરામ શર્મા આચાર્યજીએ ચાર વેદોમાંથી ખાસ પસંદ કરેલા મંત્રોને પાંચ વિષયમાં વર્ગીકૃત કરી તેના સંદેશને ખૂબ સરળ ભાષામાં રજુ કર્યા છે. વળી તે જ્ઞાાનવર્ધક પણ છે. અનેક પ્રકારનાં સંદેશ અને પ્રેરણા આ વેદમંત્રો દ્વારા જ આપણને મળી રહે છે. આ પાંચ એટલે બ્રાહ્મણ તત્વ, આત્મબળ, ચારિત્ર્ય નિર્માણ, દુષ્પ્રવૃત્તિ નિવારણ અને પરિવાર તથા સ્વાસ્થ્ય. આ પાંચ વિષય પર સંક્ષેપમાં ઉડતી નજર કરીએ.
બ્રાહ્મણ તત્વ : કોઈ પણ કૂળ અથવા જાતિમાં માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતુ નથી. જન્મના જાય તે શુદ્ર : સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે. ગુણ, કર્મ અને સ્વભાવની શ્રેષ્ઠતા તથા લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ જ તેને બ્રાહ્મણ બનાવે છે. ઈશ્વરના અસ્તિત્વ, તેની ઉપાસના તથા બ્રાહ્મણોની ફરજો વિશેની જાણકારી આ મંત્રોમાં આણે છે.
આત્મબળ : જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે મનુષ્યે સતત સંઘર્ષ કરવો પડે છે. જગતમાં વ્યાપેલા કુરીવાજો, દુષ્પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારનો સામનો કરી સત્યપ્રવૃત્તિઓ તથા ઈમાનદારીને જીવનમાં ધારણ કરવા માટે પ્રબળ આત્મશક્તિની જરૂર પડે છે. જેનો ભાવાર્થ આ મંત્રોમાં છે.
ચારીત્ર્ય નિર્માણ : આત્માની પ્રગતિ માટે શ્રેષ્ઠ ચારિત્ર્યની સૌથી પહેલી જરૂર છે. જીવનમાં સદ્ગુણોનું મહત્વ બતાવનાર મંત્રોનું સરળ વિવેચન આ વિષયમાં છે.
દુષ્પ્રવૃત્તિ નિવારણ : દુષ્પ્રવૃત્તિઓ અને દુર્વ્યસનો આનંદ ઉલ્લાસથી ભરેલા મનુષ્યના જીવનને નરક જેવું બનાવી દે છે. તેનાથી છૂટકારો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની પ્રેરણા અને માર્ગદર્શન આ મંત્રો આાપે છે.
- હરસુખલાલ સી. વ્યાસ
પરિવાર અને સ્વાસ્થ્ય
ગૃહાસ્થાશ્રમ અને સમગ્ર સમાજ વ્યવસ્થાની કરોડ રજ્જુ સમાન છે. તેની શ્રેષ્ઠતાને આધારે જ સમાજમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરેલું સ્વર્ગીય વાતાવરણ પેદા થાય છે. સુખી પરિવાર સુદ્રઢ અને સંસ્કારવાન નારી તથા સ્વાસ્થ્યના મહત્વને સમજાવતા મંત્રોની પ્રેરણા આપવામાં આવી છે. જે આપણાં જીવનને તેજસ્વી તથા કીર્તિવાન બનાવે છે.
આ મંત્રોની વ્યાખ્યાઓનો સ્વાધ્યાય કરવાથી તથા તેના વિશે મનન ચિંતન કરવાથી આપણા જીવનનો ઉદ્દેશ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે આ જ્ઞાાન એટલે ''વેદોનો દિવ્ય સંદેશ''.


