Get The App

સૌભાગ્ય, શૃંગાર અને ભક્તિનો સંગમ : સિંદૂર

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
સૌભાગ્ય, શૃંગાર અને ભક્તિનો સંગમ : સિંદૂર 1 - image

આપણે ત્યાં સૌભાગ્યવતી સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે. સિંદૂર સૌભાગ્ય તથા શૃંગારનું દ્યોતક છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં પણ સિંદૂરનો મહિમા વિશિષ્ટ છે. દેવી પૂજામાં સિંદૂરનો વપરાશ થાય છે. માતા પાર્વતી, મહાલક્ષ્મી, સીતા, દુર્ગા તથા અન્ય દેવીઓની પૂજામાં સિંદૂરનો ઉપયોગ થાય છે. દેવીપૂજામાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. સિંદૂર મા મહાલક્ષ્મીનું પણ પ્રતીક છે. તેથી જ નવવધૂને ગૃહલક્ષ્મી તરીકે આપણે સહુ સ્વીકારીએ છીએ.

સિંદૂર આરોગ્ય સાથે પણ જોડાયેલું છે. સિંદૂર કુદરતી ઔષધ પણ મનાય છે. સિંદૂરમાં પારો સમાવિષ્ટ છે. સ્ત્રીઓ સેંથામાં સિંદૂર પુરે છે તે જગ્યા બ્રહ્મરંધ્રની નજીક હોય છે. તેથી તણાવથી દૂર રહી શકાય છે. લગ્ન સમયે કન્યાને અપાતિ વિવિધ સામગ્રીમાં સિંદુરની ડબી પણ મૂકવાની પ્રથા છે. તુલસીકૃત રામાયણમાં સીતા વિવાહના વર્ણનમાં તુલસીદાસે લખ્યું છે :

પ્રભુ હિત મુનિન્હ ભાંવરી ફેરી ।

નેત્ર સહિત સલ રીતિ નિબેરી ।।

રામ સિય સિર સિંદૂર દેહી ।

સોભા કાહે ન જાની વિધિઈ કેહીં ।।

(બાલકાંડ : દોહા : ૩૨૪/૧/૪)

રામાયણમાં પણ પ્રભુ શ્રીરામ સીતાજીના સેંથામાં સિંદૂર પુરે છે તે કથા જાણીતી છે. રામાયણમાં જ આવતો એક ખુબ જ જાણીતો પ્રસંગ એ છે કે મા સીતા પોતાની માંગમાં સિંદૂર લગાવે છે તે હનુમાનજી એક દિવસ અચાનક જોઈ જાય છે. શ્રી હનુમાનજી કુતૂહલવશ મા સીતાને તેનું કારણ પૂછે છે. તે વખતે સીતાજી કહે છે કે તેઓ શ્રી પ્રભુ રામનાં દીર્ઘાયુષ્ય તથા નિરોગી આરોગ્યમય જીવન માટે સેંથામાં સિંદૂર પુરે છે. બસ, પછી તો પુછવું જ શું! હનુમાનજી પ્રખર રામભક્ત તથા સેવક હતા. તેમણે વિચાર્યું કે હું પણ આખા શરીરે સિંદૂર લગાવું. જેથી મારા પ્રભુનું આયુષ્ય દીર્ધ બને. તેમણે તેલમિશ્રિત સિંદૂરથી પોતાના આખા શરીરને રંગી નાખ્યું. ત્યારથી આજ દિન સુધી હનુમાનજીની દરેક દેરીઓ તથા મંદિરોમાં મૂર્તિને સિંદૂર લગાવવાની પ્રથા છે. ભક્ત પણ કાને તેની પ્રસાદી લગાવે છે. આપણે ત્યાં ગણેશજીને પણ સિંદૂર લગાવવાની પ્રથા છે.

સિંદૂરનો રંગ કેસરી હોય છે. હનુમાનજી પણ કેસરીનંદન છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ કેસરી રેગનું મહત્ત્વ છે. સિંદૂરનો છોડ મ.પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન તથા ઉ.પ્રદેશમાં થાય છે. કામાખ્યા દેવીનાં મંદિરમાં પણ સિંદૂરનો આગવો મહિમા છે. સિંદૂર આરોગ્ય સાથે શૃંગાર અને ભક્તિનો પણ સંદેશ આપે છે. સૌભાગ્યના પ્રતીક સમા સિંદૂરની સુરીલી દુનિયાને સલામ !