શ્રીમદ્ ભાગવત - એકદશ સ્કંધ (અ.૨૬)માં ભગવાન શ્રીકૃષ્ણ, ઉદ્ધવજીને 'ઐલગીતા' સંભળાવે છે. 'ઐલ' એટલે કોણ ? પ્રશ્ન થાય.
'ઐલ' એટલે મહાયશસ્વી ચક્રવર્તી રાજા - 'પુરૂરવા'.
પુરૂરવા રાજા 'ઉર્વશીઅપ્સરાના' મોહમાં પડયો... ને, તેની પડતી શરૂ થઈ. મનુષ્યે શિશ્ન તથા ઉદર ને તૃપ્ત કરનારા દુષ્ટ મનુષ્યોનો કદી સંગ કરવો નહિ. દુષ્ટોનો સંગ મનુષ્યને નરકના ખાડામાં પાડે છે. રાજા 'પુરૂરવા' ઉર્વશીની પાછળ ગાંડાની માફક વ્યાકુળ બની ગયો. વિલાપ કરતો રહ્યો. વિષયો ભોગવવા છતાં અતૃપ્ત જ રહ્યો. વર્ષો પછી કોઈ જ્ઞાની-સાત્વિક-મહાપુરુષનો સંગ થતાં રાજાને અત્યંત પશ્ચાત્તાપ થયો... ને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં વિષયો પ્રત્યે વૈરાગ્ય થયો ને યોગનિષ્ઠામાં જોડાઈ ગયો.
આ ઐલ (પુરૂરવા) રાજાએ પશ્ચાત્તાપ કરતાં કરતાં ખરાબ સંગમાં કેવા નરકરૂપ ખાડામાં ડૂબવું પડયું... તેની વાત કરતાં કરતાં... 'સત્સંગ પામીને' સર્વ ખરાબ સંગ તજી આત્મામાં પોતે જોડાઈ ગયો તે વિષે જે કંઈ કહ્યું છે તેને 'ઐલગીતા' કહે છે.
પશ્ચાત્તાપ ભર્યા હૃદયે ઐલ (પુરૂરવા) કહે છે :
અરે! માનસિક મોહ કેવાં જે મોહે, રાજાઓના શિરોમણિ અને ચક્રવર્તી મારા દેહને સ્ત્રીઓના રમકડા જેવો કર્યો ! હું ગાડાને પેઠે નાગો ને રડતો રહ્યો. હું ગધેડાની પેઠે તે સ્ત્રીની લાતો ખાતો રહ્યો! મારાં પ્રભાવ - તેજ - ઐશ્વર્ય.... અરે! ચાલી ગયાં! હું બળદ અને ગધેડાની માફક સ્ત્રીઓથી જિતાયો! હું અજિતેન્દ્રિય બન્યો! ખરેખર... ખરાબ સ્ત્રીસંગથી હું અપરાધી બન્યો! ને અંતે ઇશકૃપાએ મારા પશ્ચાત્તાપના કારણે... સત્પુરુષોના સંગથી મને સમજાઈ ગયું કે સ્ત્રી લંપટ સ્ત્રી પુરુષોનો સંગ કરવો નહિ. વિષયો તથા ઇન્દ્રયોના સંગથી મન વિકાર બને છે. ને ધીમે ધીમે જ્ઞાન પ્રગટતાં તેને સમજાતું ગયું કે ઇન્દ્રિયોને વિષયોમાં ન જોડનાર મનુષ્યનું મન નિશ્ચલ થઈ શાંત થાય છે.
ખરા હૃદયથી પશ્ચાત્તાપ થતાં... રાજા પુરૂરવા આત્મારૂપ પરમાત્માને જાણી, જ્ઞાન દ્વારા મોહનો નાશ કરી શાંત થયો... તે પોતે આત્મારૂપ બની ગયો.
આ 'ઐલગીતા'ની વાત કરતાં કરતાં શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો કે : બુદ્ધિમાન પુરુષોએ દુષ્ટોનો સંગ તજી સજ્જનોનો સંગ કરવો. મારામાં જ મનવાળા, મમતારહિત, અહંકાર રહિત, શાંત, સમદ્રષ્ટિવાળા, વાસનારહિત એવા સત્પુરુષોનો સંગ કરવો.
સત્પુરુષોને સેવતા મનુષ્યની પણ કર્મો વિષયોની જડતા, ભવિષ્યના સંસારનો ભય અને તેનું મૂળ અજ્ઞાન દૂર થાય છે. સત્પુરુષોનો સંગ ભવસાગર જળમાં ડૂબકાં ખાતા મનુષ્યોને મજબૂત નૌકારૂપ આશ્રયરૂપ બને છે. સત્પુરુષો મનુષ્યોનું 'શરણ' છે. 'દુષ્ટોના' સંગથી યોગનિષ્ઠાનો નાશ થાય છે. 'સજ્જનોના' સંગથી યોગનિષ્ઠાની અતિશય વૃદ્ધિ થાય છે. સત્પુરુષોના સંગમાં, જેમ જેમ મનનો મેલ દૂર થતો જશે, તેમ તેમ અંતરમાં પ્રકાશ થશે. મોહે મારેલાં માનવીનાં હૃદયોનો 'જીણોદ્ધાર' સત્સંગ કરે છે. સત્પુરુષોના સંગમાં વાસનાનો અગ્નિ દ્વેષનો અગ્નિ, અહંકારનો અગ્નિ, જ્યારે બૂઝાઈ જાય ત્યારે પરમશાંતિ મળે છે.
ચિંતન :
* પરનારી મોહ 'ઝેરી' છરી,
મત લાવો મન.
દશ શિશ રાવણ કે ગયે,
ન જાણે વાસનાઅંધ
* જ્યાં પ્રગટે 'સુવિચારણા', ત્યાં પ્રગટે જ્ઞાન
જે જ્ઞાને, મોહ નાશ થઈ, પામે પદ નિર્વાણ
- લાભુભાઈ ર. પંડયા


