Get The App

પ્રાચીન ભજનોમાં રહેલો શાસ્ત્રીય ગૂઢાર્થ .

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
પ્રાચીન ભજનોમાં રહેલો શાસ્ત્રીય ગૂઢાર્થ                          . 1 - image

- પ્રાચીનકાળમાં જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે આપણે ત્યાં માણ ભટ્ટીય પરંપરા હતી. માણ ભટ્ટ એ માણ લઈ જે પુરાણોના ગૂઢાર્થો છે એ આખ્યાનના રૂપમાં પ્રસ્તુત કરતાં

આપણે ત્યાં વૈદિક સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. વેદ એ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. વેદના સારરૂપ પુરાણો થયાં. પણ વેદો અને પુરાણોની ભાષા સર્વ સામાન્ય વ્યક્તિઓ સમજી શકે એના માટે પ્રાચીન ભજનોની રચના થઈ. જેને આપણે ત્યાં સંત વાણી એવું પણ નામ બહુ આદરથી લેવાય છે. સંતોની વાણી એટલે સંત વાણી. એમાં પછી રવિ ભાણ સાહેબની પરંપરા હોય કે દાસી જીવણ હોય કે પછી મીરાંબાઈ હોય. દરેક સંતો-ભક્તોએ શાસ્ત્રીય ગૂઢાર્થ તેમનાં રચેલાં ભજનોમાં વ્યક્ત કર્યાં છે. એના કેટલાંક શાસ્ત્રીય ઉદાહરણો પ્રસ્તુત કરવાનો અહીં પ્રયાસ કરું છું. 

શ્રીમદ્ ભાગવતજીના અગિયારમાં સ્કંધમાં બીજા અધ્યાયમાં પરમ ભાગવત પુરુષોના લક્ષણ કવિ અને હરિ નામના યોગેશ્વરે નિમિ રાજાને વર્ણવ્યાં છે. જેનો શ્લોક આ મુજબ છે - 'સર્વ ભુતેષુ યદ પશ્યેત ભગવત ભાવ આત્મનમ્, ભુતાનિ ભગવત આત્મનઃ એશ ભગવતોત્તમ.' આ શ્લોકનો ભાવાર્થ નરસિંહ મહેતાએ પોતાના પદમાં વર્ણવ્યો છે કે, - 'સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે.' આ ભજન ભાગવતજીના એકાદશ સ્કંધના બીજા અધ્યાયને સ્પર્શ કરે છે. બીજી પણ એક નરસિંહ મહેતાની રચના છે કે, - 'અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુવે છે વિચારી; દેવા રે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી.' ગીતાજીના નવમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, 'અનન્યાઉંશ ચિન્તયન્તુ મામ્ યે જના પરિઉપાસતે, તેષા નિત્યાભી યુક્તાનામ્ યોગક્ષેમ વહામ્યહમ્.' આ શ્લોકનો ભાવાર્થ આ ભજનમાં થાય છે. જેના શબ્દો આગળ વર્ણવ્યાં છે.

જીવ જ્યારે અનન્ય ભાવથી ભગવાનને શરણે આવે તો ભગવાન એના સંપૂર્ણ ભરણ-પોષણની જવાબદારી સંભાળે છે. એવી જ રીતે રવિભાણ સાહેબનું એક ભજન - 'મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર.' આ ભજન વેદ, ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયને સ્પર્શ કરે છે. જે આત્મ તત્ત્વનું વર્ણન ઉપનિષદમાં છે - 'ધ્વયા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષં પરિશશ્વ જાતે.' તો જે ભાવ મંડોક ઉપનિષદમાં છે એ જ ભાવ ભાણ સાહેબના ભજનમાં રહેલો છે. આ શરીર એક વૃક્ષ છે. આ શરીર રૂપી વૃક્ષમાં બે પક્ષીઓ બેઠાં છે. એક જીવાત્મા અને એક પરમાત્મા. આવો ભાવ ઉપનિષદમાં છે અને એ જ ભાવ પ્રાચીન વાણીમાં છે. મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર. તો આ જે શરીરરૂપી વૃક્ષ છે એને ક્યું જળ સિંચવાની વાત કરી ? તો તેને 'સત્યરેરૂપી જળ સિંચજો.' જ્યારે જળ સિંચાય ત્યારે વૃક્ષને ફળ આવે અને માટે જ આ પ્રાચિન વાણીમાં લખ્યું કે, એને શીલ ને સંતોષ બે ફળ હોય છે.

રામચરિત માનસમાં ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે, 'બીનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલભ ન સોઈ.' તો સત્સંગ કરવાથી જીવનમાં વિવેક આવે છે. જે ભાવ રામચરિત માનસમાં છે એ જ ભાવ ગંગા સતિની અમરવાણીમાં છે. 'વચન વિવેકી જે હોય નર ને નારી પાનબાઈ; બ્રહ્માદિક લાગે તેને પાય.'

આપણે ત્યાં માણ ભટ્ટીય પરંપરા હતી. માણ ભટ્ટ એ માણ લઈ જે પુરાણોના ગૂઢાર્થો છે એ આખ્યાનના રૂપમાં પ્રસ્તુત કરતાં. જેમ કે, પ્રેમાનંદજીએ 'ઓખાહરણ' લખ્યું છે, શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ભક્ત કવિ વલ્લભે 'આનંદનો ગરબો' લખ્યો છે. તો આ જે પ્રાચીન વાણી છે એ જ ખરા અર્થમાં અમરવાણી છે. માટે, 'ભજન કરવું એ જુદી વાત છે પણ ભજનને હૃદમાં ઉતારવું એ અલગ વસ્તુ છે.' આ સંતોની પ્રાચીન વાણી અત્યારે એટલે અમર છે કારણ કે એમણે ભજનને હૃદયમાં ઉતાર્યું છે અને જે જે પદો રચાયાં એ નિરાભિમાનીતા અને નિરપેક્ષતાથી રચાયાં. એ આનંદની અનુભૂતિ આપણે કરીએ અને પ્રાચીન ભજનોનો લ્હાવો લઈ એ જ અભ્યર્થના સાથે અસ્તુ..... 

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી