- ભરી સભામાં દ્રૌપદીને વિશ્વાસ હતો કે શ્રીકૃષ્ણ ચીર પૂરવા આવશે. ઇશુ પ્રભુને વધસ્થંભ પર ચઢાવ્યા ત્યારે તેમને એક આસ્થા હતી
મા નવજીવન ત્રણ અમૂલ્ય તત્વથી સાદુ, સરળ અને સાર્થક બને છે અને તે છે શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા. આ ત્રણ તત્વો કુદરતે આપેલી અમૂલ્ય ભેટ જિંદગી સાથે વધારાના આપ્યા છે કારણકે અમૂલ્ય જિંદગીને દિવ્ય, સાર્થક અને આધ્યાત્મિક બનાવવાની છે. વિશ્વાસને વિશ્વનો શ્વાસ કહેવામાં આવે છે. વિશ્વનો શ્વાસ એટલે પરમાત્મા. શ્રધ્ધા એટલે જે તે વ્યક્તિ પ્રત્યેનું સનાતન સત્ય પૂરવાર કરતું સચોટ વિધાન. આસ્થા એટલે શ્રધ્ધા અને વિશ્વાસ કરતાં અતિશ્રેષ્ઠ તત્વગુણ. શાસ્ત્રોના તારણ પરથી મહાન સંતો, જતિ, સતિ અને મહાનવિભૂતિઓ, ગુરૂઓ અને ધર્માધિકારીઓ શ્રદ્ધા, અને વિશ્વાસ કરતાં પણ આસ્થામાં વધારે માનતા હતા. તેમના દિવ્ય જીવનમાં આ ત્રણ ગુણો મુખ્ય હોય છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અને અગિયારી જેવા અનેક ધાર્મિક સ્થાનો શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાના પવિત્ર સ્થાનો છે. જ્યાં શ્રદ્ધાથી જે તે ઇષ્ટદેવને માની લઈએ છીએ. ઇશ્વર, અલ્લાહ કે અન્ય દેવોનું અસ્તિત્વ છે પણ તેને માનવા માટે, સત્ય જાણવા માટે શ્રદ્ધાની જરૂર છે, અતૂટ વિશ્વાસની જરૂર છે અને અડગ આસ્થાની જરૂર છે. આ ત્રણ અમૂલ્ય ગુણતત્ત્વો જીવનમાં ઉતારવા માટે પ્રયત્નો જરૂરી છે.
ઘણી વખત અનેક દેવો, અનેક સંપ્રદાયો, વાડાઓ અને વિટંબણાના કારણે પણ માનવીનું મન ડગી જાય છે. ત્યારે શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા ડગી જાય છે. પરિણામે તેને ઇશ્વર પ્રત્યે વિવાદ ઉભો થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જાય છે. શાસ્ત્રઅનુસાર મહાનપુરૂષોને ઇશ્વર પર સોટકા વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા હોય છે. આ એમનો મહાન ગુણ છે. જેના દ્વારા તેમની મહાનતાના ઇતિહાસ સાક્ષી છે. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણ પર તમામ કાર્ય છોડી દીધા હતાં. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો કે ' શામળિયો મારું કામ કરશે જ.'
ભરી સભામાં દ્રૌપદીને વિશ્વાસ હતો કે શ્રીકૃષ્ણ ચીર પૂરવા આવશે. ઇશુ પ્રભુને વધસ્થંભ પર ચઢાવ્યા ત્યારે તેમને એક આસ્થા હતી કે દુનિયાની સર્વોપરી સત્તાધારી વ્યક્તિ આ લોકોને જરૂર સદમાર્ગે લાવશે જ અને તે પ્રમાણે થયું. મીરાબાંઈને કૃષ્ણ પર વિશ્વાસ હતો કે આ ઝેરના કટોરામાં અમૃત છે. આવા અનેક પ્રસંગો દ્વારા દરેક ધર્મના શાસ્ત્રોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાને પ્રથમ સ્થાન મળ્યું છે. માનવી શ્રદ્ધા અને વિશ્વાસથી આ સંસાર સાગર તરી શકે છે. જીવન સુંદર બનાવી શકે છે. સંસાર આપણા ઘરમાંથી શરૂ થાય છે. ઘરને મંદિર, મસ્જિદ, ચર્ચ કે પવિત્ર સ્થાન બનાવવું આપણા હાથની વાત છે. પરિવારજનો વિશ્વાસના આધારે એકબીજા સાથે જોડાયેલા હોય છે, પ્રથમ વિશ્વાસ આપણા ઘરમાંથી શરૂ થાય છે.
- ભગુભાઈ ભીમડા


