Get The App

પ્રેમની શરૂઆત ! .

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમની શરૂઆત !                                                 . 1 - image

કોઈ શા માટે ધ્યાન આપે ? આ જગતમાં આપણે જન્મ્યા ત્યારે એવું લખાવીને નહોતા આવ્યા કે બધા લોકોએ આપણા તરફ ધ્યાન આપવું જ. શરૂ શરૂમાં વળી કદાચ ગુલાબના ગોટા જેવા દેખાતા હોઈશું એટલે બધાનું કેન્દ્ર આપણે બન્યા હોઈશું. પણ એ લાભ તો દરેક બાળકને મળતો હોય છે. નાનું બાળક લોકોને શા માટે ગમે છે કારણ બાળક લોકોને આનંદ આપે છે. લોકોને ગમતી વાત કે બાબત આપણી પાસે ના હોય તો એમણે શા માટે આપણામાં રસ લેવો જોઈએ ? આપણે જેમ સ્વાર્થી છીએ, અહંકેન્દ્રી છીએ એમ આખું જગત પણ છે. એને ખુશ કરવાની તકલીફ આપણે લેવી જેથી એ આપણે માટે તકલીફ લે. પણ જે દિવસે આવા વિચારો આપણા મનમાં ઉગવા લાગશે એ દિવસે આવી દલીલો પણ જતી રહેશે. કોન્ફ્યુશિયસને એક શિષ્યે કહ્યું, 'આ ધરતી પર આપણું આગમન શા માટે થયું હશે ? જવાબ કે મને તો એમ લાગે છે કે માનવજાતનો પ્રેમ જીતવો માટે આ ધરતી પર આપણે જન્મ્યા છીએ. આપણને પૂરતા પ્રમાણમાં પ્રેમ મળે એટલે બસ ભયો ભયો. બીજા કશાની જરૂર નથી. શા માટે હોય ? પણ આપણે લોકોનો પ્રેમ મેળવવા લાયક છીએ કે કેમ એ પ્રશ્ન વધુ મહત્વનો છે. પણ આ બાબતમાં કોઈ એકલાનો વાંક કાઢી ના શકાય એમ નથી. આજકાલ આખી દુનિયા આ પાટા પર ચાલુ રહેલી છે. ડો. એલ્મર વ્હીલર વારંવાર કહેતા, 'માણસ પોતાના સ્વાર્થમાં પોતાનો લાભ ખાટવામાં એટલો બધો લીન થઈ ગયો છે કે એને બીજા કોઈનો વિચાર જ નથી આવતો. પ્રેમ અને મૈત્રી મેળવવા ચિન્તા કરતા રહીશું તો એ બરાબર નહી ગણાય, એને બદલે સામી વ્યક્તિમાં આપણે માટે સદ્ભાવ અને મૈત્રી જગાડે એવા તત્વ ને સત્વ આપણી અંદર જગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા ઘણા પ્રશ્નો ઉકેલ અહીં બેઠેલો છે. હેરાલ્ડ શર્મનને એક ભાઈ કહે, આમ તો જીવવાની ખૂબ મજા આવે છે પણ બીજા લોકોની સાથે વ્યવહાર ગોઠવવાનું આવે છે ત્યારે ત્રાસ થાય છે. પરિચયમાં આવીએ છીએ એટલે કોઈનું કામ કરવું જ પડે' અને એમાં શું વળે ? આપણે કામ કરીએ એમાં પણ વાંધો નહી પણ એનું પરિણામ મનગમતું જ આવશે એની કોને ખબર પણ કામ કરવું છે તે કાર્યના આનંદ માટે જ કરોને ?' આપણે પોતાની શરતે જીવીએ છીએ એ કેમ ચાલે. દુનિયા કંઈ આપણી ઇચ્છા મુજબ જીવવાને બંધાયેલી નથી. આપણે જો એની ઇચ્છા મુજબ ના ચાલીએ તો એને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ શી રીતે પાડી શકીએ ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવાની ખાસ જરૂર છે એ નિયમ બિલકુલ બરાબર છે. લોકોની મૈત્રી અને પ્રેમ મેળવવા માટે ચિંતા કરવાની જરૂર નથી. એને બદલે વ્યવહાર જ એ રીતે ગોઠવીએ કે સામાના દિલમાં આપણા માટે લાગણી જાગે જ.

દુનિયામાં એક સરસ નિયમ કામ કરે છે. એ તમારી લાગણીનાં પડઘા પાડે છે. તમારી આંખમાં જો અમૃતધારા વહેતી હોય તો આખા જગતમાં તમને અમીછાંટણા જોવા મળશે. જેને પણ અમૃતની અપેક્ષા હોય, પ્રેમની ઝંખના હોય એમણે સહુથી પહેલા કંઈક તો જમા કરવું જ જોઈએ. પ્રેમ વણમાગ્યો મળતો નથી એ યાદ રાખો. ધારો કે તમને ઢગલાબંધ પ્રેમ મળી ગયો પછી શું ? એ પ્રેમનો તમે શો ઉપયોગ કરશો ? તમારી પાસે જ સંગ્રહ કરશો કે બીજાને પણ એનો લાભ આપશો ? કોરા સ્વાર્થી હશો તો તો તમને આવો કોઈ વિચાર નહીં આવે. માણસને આખી દુનિયા સાથે પ્રેમનો નાતો જોડવાની જરૂર નથી પણ પોતાની આસપાસનાં વાતાવરણ સાથે તો એનાં પ્રેમાળ સંબંધો હોવા જ જોઈએ. એક એવા પ્રેમભર્યા વિશ્વની કલ્પના કરો જેમાં બધા જ માણસો સ્નેહ અને સૌજન્યથી વ્યવહાર કરતા હોય ત્યાં સંઘર્ષ અને ધિક્કારના વાતાવરણ માટે જરા જેટલોય રહે એમ અવકાશ ના રહે તેમ બનાવું જોઈએ. જરૂર છે જરા અવકાશની. માણસ સદ્ભાવનાની વાવણી કરે છે ત્યારે આખા નહીં તો થોડા જગતને એના ફળ મળવા લાગે છે. યાદ રખાવે છે કે પ્રેમની વાવણીની શરૂઆત આપણાથી થવી જોઈએ. મૈત્રીનો પહેલો હાથ આપણે લંબાવો જોઈએ. ફૂલના ગજરા આપણે ધરવા જોઈએ તો જ આપણને ખ્યાલ આવશે કે આખું જગત ફૂલવાડી બનીને પ્રેમનાં પરિમલથી ઉભરાઈ રહ્યું છે. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ લાગણીનો અભાવ હોય તો આપણે સાવ નપાવટ છીએ. સારી રીતે જીવવા માટે આપણા તમામ વ્યવહારોમાં પ્રેમ પ્રગટવો જોઈએ. એ પ્રેમ જો નહી હોય લાગણી એવી નહી હોય તો આપણું જીવન બોદું નીવડશે. પ્રેમ છે જીવનનું આનંદનું રહસ્ય. આપણા મૂળમાં એ છે. ચાલો હાથ લંબાવીએ પહેલા આપણે મૈત્રી માટે પ્રેમ માટે.

- ચેતન એસ. ત્રિવેદી