- ''યુધિષ્ઠિર, થોભી જા. આ સરોવર પર મારો હક્ક છે. હું યક્ષ છું. તારા ભાઈઓ તરસ્યા હતા. મેં તેમને પ્રશ્નોના ઉત્તર આપીને જળ પીવાની શરત રાખી હતી પણ તે ના માન્યા. જળ પીધું એટલે મેં તેમને માર્યા છે. હવે તું જો મારા પ્રશ્નોના ઉત્તર નહિ આપે તો તને પણ યમસદન પહોંચાડી દઈશ.''
એક બ્રાહ્મણ અગ્નિ પેદા કરતા સૂકા લાકડાના બે કટકા દોરીથી બાંધી, ડાળીએ લટકાવી, આજુબાજુ નીચે પડેલા ફૂલ-ફળ વીણતો હતો. ત્યાં એક હરણ આવ્યું, તે ઘાસ-પાન ચરતું હતું. અચાનક તેના શિંગડા લાકડા બાંધેલી દોરીમાં ફસાઈ ગયાં. તેણે કૂદકા માર્યા, પછી ગભરાયું અને દોરી સાથે બાંધેલા લાકડાં લઈ જંગલ તરફ ભાગી ગયું. બ્રાહ્મણ નિરાશ થઈ ગયો. તે લાકડાં વગર ઘેર જઈ શકતો નહોતો. તે દ્વૈતવનમાં રહેતા પાંડવો પાસે ગયો. યુધિષ્ઠિરને વિનંતી કરી. જો કે પાંડવો થાકેલા હતા છતાં ધનુષ્ય-બાણ લઈ હરણને શોધવા નીકળી પડયા. હરણની ભાળ મેળવવા ગાઢ જંગલમાં ખૂબ રખડયા. થાકીને લોથપોથ થઈ ગયા. બધાને તરસ લાગી હતી. કંઠ સુકાતો હતો. નકુલે વૃક્ષની ટોચે ચઢીને તપાસ કરી. થોડે દૂરથી હંસોનો તળાવમાં તરવાનો અવાજ આવતો સાંભળ્યો. તેણે મોટાભાઈની રજા લીધી અને તરકશ લઈ પાણી લેવા ગયો. ઘણો સમય થયો. તે પાછો ન આવ્યો. ત્યારબાદ સહદેવ, અર્જુન અને ભીમ પણ ગયા કોઈ પાછું ન આવ્યું. યુધિષ્ઠિરને ચિંતા થઈ. તે ખુદ તળાવ પાસે ગયો. બધા ભાઈઓ કિનારા પાસે મરેલા પડયા હતા. તેને આઘાત લાગ્યો. દુ:ખી થયો, પણ આશ્ચર્ય!! તેમના શરીર પર ઘા-ના નિશાન નહોતા. કોઈની અવર-જવરના પગલાં પણ નહોતા. શું થયું હશે ? શું આ ભૂત, પ્રેતનું કામ હશે ? યુધિષ્ઠિર જેવો તળાવમાં ઉતરવા ગયો ત્યાં જ અદૃશ્ય અવાજ સંભળાયો.
''યુધિષ્ઠિર, થોભી જા. આ સરોવર પર મારો હક્ક છે. હું યક્ષ છું. તારા ભાઈઓ તરસ્યા હતા. મેં તેમને પ્રશ્નોના ઉત્તર આપીને જળ પીવાની શરત રાખી હતી પણ તે ના માન્યા. જળ પીધું એટલે મેં તેમને માર્યા છે. હવે તું જો મારા પ્રશ્નોના ઉત્તર નહિ આપે તો તને પણ યમસદન પહોંચાડી દઈશ.'' મહાભારતના વનપર્વમાં પૂછાતા આ પ્રશ્નો'યક્ષપ્રશ્ન' કહેવાય છે. જેના સંતોષકારક ઉત્તરો યુધિષ્ઠિરે આપ્યા. યક્ષ પ્રસન્ન થયો. તેણે કહ્યું ''યુધિષ્ઠિર, તેં સાચા ઉત્તરો આપ્યા છે. હું ખુશ છું. તારા આ ભાઈઓમાંથી કોઈપણ એક ભાઈને હું જીવિત કરી શકું છુ.'' યુધિષ્ઠિરે એક પળનોય વિલંબ કર્યા વગર નકુલને જીવિત કરવા વિનંતી કરી. ''કેમ નકુલ? એ તો તારો સાવકો ભાઈ છે. અર્જુન અને ભીમ તારા સગા ભાઈઓ છે. તું એમાંથી ગમે તે પસંદ કરી શકે છે. યક્ષની વાતનો ઉત્તર આપતાં યુધિષ્ઠિરે કહ્યું ધર્મો રક્ષતિ :- જે માણસ ધર્મની રક્ષા કરે છે એની ધર્મ પણ રક્ષા કરે છે. મારા માટે ધર્મ પહેલો. યક્ષ, ''આનૃશંસ્યં પરો ધર્મ:'' દયા અને સમતા જ પરમ ધર્મ છે. (કંતી ચૈવ તું માદ્રી ચ... મેં ધીપતે મતિ...) મારા પિતાને બે પત્નીઓ છે. કુંતી અને માદ્રી કુંતીમાતાનો એક પુત્ર હું તો જીવિત છું જ. એટલે માદ્રીમાતાનો પુત્ર પણ જીવિત રહેવો જોઈએ. બન્ને માતાઓ પુત્રવતી રહે એમ હું ઈચ્છું છું. મારા માટે બન્ને માતાઓ સમાન છે. ''આ સાંભળતાં જ યક્ષે પોતાનું અસલરૂપ બતાવ્યું.'' (અહં તે જનક સ્તાત) યુધિષ્ઠિર હું જ તારો જન્મદાતા પિતા ધર્મરાજ છું. તારા વિચારોથી પ્રસન્ન છું. તારા બધા જ ભાઈઓ જીવિત રહેશે. ''બધા ભાઈઓ આળસ મરડી બેઠા થયા યક્ષને પ્રણામ કર્યા. અને હરણને શોધી બ્રાહ્મણના લાકડાં લઈ પાછા ફર્યા. સંબંધનું આ ઉચ્ચતમ સોહામણું સ્વરૂપ છે.
જિંદગીના બિહામણા વળાંકે મનોભાવથી સચ્ચાઈ સાબિત થઈ જાય છે. જીવન માર્ગ પર હાથમાં હાથ લઈને ચાલતી શુધ્ધ લાગણી અણી વખતે ઘટનાઓથી ટક્કરથી કચડાઈ જતી નથી. મનમેળ હોય ત્યાં સહયોગ આપવો પડે છે. કુરબાની કે ફનાગીરી માટે તૈયાર રહેવું પડે છે. નબળી પળોમાં 'સ્ટેન્ડ બાય' રહેવું પડે છે જો કટોકટીની પળો ચૂકી જવાય તો સંબંધ કેટલો બોદો હતો તેનો જવાબ મળી જાય છે. માણસની દાનત ઉપરથી સંબંધનું ભાવિ નક્કી થાય છે. નાજુક પ્રસંગે આપણું વર્તન મનોવૃત્તિ છતી કરી દે છે.
સંકેત અને અંશ સ્કુલના સમયથી મિત્રો હતા. સંકેત ખાનદાની અમીર હતો. અંશ એક ઓફિસમાં જોબ કરતો હતો. અંશને વર્ષોથી સોનાની ચેઈન ગળામાં પહેરાવાની દિલી ખ્વાહિશ હતી. પણ મેળ પડતો નહોતો. એક દિવસ સંકેત તેના મિત્ર અંશને ગાડીમાં બેસાડી શહેરના વિશાળ જ્વેલરી શો-રૂમમાં લઈ ગયો. સોનાની ચેઈન પસંદ કરી, ખરીદી ''અંશ, લે.. આ ચેઈન હું તને બર્થ ડે ગિફ્ટ આપું છું.'' અંશ આનાકાની કરતો રહ્યો, સંકેત આગ્રહ કરતો રહ્યો. છેવટે અંશની આંખો ભીની થઈ ગઈ. ત્યાં ઊભેલી સેલ્સગર્લ આ મિત્રતા જોઈ ગદગદ થઈ ગઈ. તેનું હૈયું ભરાઈ આવ્યું. સંકેતે તેના હાવભાવ જોઈ કહ્યું - ''હું સમજી શકું છું, તમારા મનમાં શું ચાલી રહ્યું હશે ?'' ''શું'' એ જ કે તમને થતું હશે, કાશ ! તમારી પણ આવી કોઈ સધ્ધર ફ્રેન્ડ હોત તો એ પણ તમને આવી કિંમતી સોનાની ગિફ્ટ આપત!'' સેલ્સગર્લે ઊંડા શ્વાસ લઈ સ્વસ્થ થઈ કહ્યું, ''નો સર, હું એવું નથી વિચારતી.'' ''તો?'' ''હું ખરેખર એવું વિચારતી હતી કે ક્યારે મારી નાની સિસ્ટર કે જે મારી બેસ્ટફ્રેન્ડ પણ છે. હું તેને તેની મનપસંદ સોનાની ગિફ્ટ આપી શકીશ.'' સંકેત શૂન્ય મનસ્ક થઈ ગયો. તેને લાગ્યું શતરંજની રમતમાં કોઈ એ તેને શેહ આપી દીધી છે. ત્રણે કહ્યું - ''સોરી, પણ ઈશ્વર તમારી ઈચ્છા જરૂર પુરી કરશે. અત્યારે ભલે તમે સધ્ધર ના હો પણ દિલથી તમે કોઈ મોટા ઉદ્યોગપતિથી વધુ ધનવાન છો.''
સંજોગો ગમે તેવા હોય પણ માણસને તેની અંતર ભાવના ગૌરવશાળી બનાવી દે છે. અંગત વ્યક્તિનું સાન્નિધ્ય નિર્ભયતા બક્ષે છે. કોઈપણ બહાનું બતાવ્યા વગર સમયસર હાજર થઈ જનાર લાગણી સંબંધને સોળે કળાએ ખીલવી દે છે. જે માણસ સંબંધનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે જ કરે એ જ માણસ 'આ દુનિયામાં મારૂં કોઈ નથી' જેવાં રોદણાં રડે છે.
- સુરેન્દ્ર શાહ


