Get The App

માંગલ્યરૂપ શિવજીની આરાધનાનો માસ ''શ્રાવણ માસ''

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
માંગલ્યરૂપ શિવજીની આરાધનાનો માસ ''શ્રાવણ માસ'' 1 - image

શ્રાવણ માસને શિવજીની આરાધનાનો માસ ગણવામાં આવે છે. દરેક શિવાલયોમાં આ માસ એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શિવજી પાસે કોઈ મંગળકારી વસ્તુઓ નથી. સ્મશાનમાં ક્રિડા કરે છે. ત્યાં રહે છે છતાં પણ તેનું સ્મરણ-પૂજન-કિર્તન તે પરમ મંગલકારી માંગલ્યરૂપ છે.

ભગવાન શિવજી કામદેવને હરનારા છે. સ્મશાનમાં ક્રીડા કરે છે. પિશાચોની સોબતમાં રહે છે. ચિત્તાની ભસ્મ ચોળે છે. મનુષ્યોની ખોપરીઓની માળા ધારણ કરે છે છતાં મંગળદાયક છે. શિવ શબ્દનો અર્થ પરમ મંગળ-પરમ કલ્યાણકારી થાય છે. અને શં એટલે કલ્યાણ અને કર એટલે કરવાવાળા કલ્યાણ કરનારા અને પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા ના તેજવાળા તે શંકર ભગવાન છે.

નંદિ-કાચબો : શિવજીનાં મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલા નંદિ અને કાચબાને નમસ્કાર કરીએ છીએ, નંદિ શિવને વહન કરે છે. તે રીતે આપણે પણ સાચા જ્ઞાાનના વાહન બનીએ તો નંદિની માફક આપણી પણ પૂજા થાય.

કૂર્મ એટલે કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતિક છે. 'શિવ' પાસે જવું હોય તો જીવન સંયમી હોવંત જોઈએ. ઇન્દ્રિયોનો ગુલામ શિવને પામી શકતો નથી.

આ સાથે ભગવાન શિવજીએ બીજનો ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે. બીજનો ચંદ્ર એ કર્મયોગનું પ્રતીક છે. ભગવાન સારા કર્મયોગીને જ મસ્તક ઉપર ધારણ કરે છે. એ વાતનું એ દ્યોતક છે.

નિલકંઠ : ભગવાન શિવજી નીલકંઠ કહેવાય છે. સમુદ્ર મંથનમાંથી નિકળેલ વિષ પણ સૃષ્ટિના કલ્યાણ માટે તેમણે ઝેર પણ પીધું જેનાથી તેનું ગળું નિલવર્ણનું થયું તેથી તેઓ નિલકંઠ કહેવાણા તે દિવસથી દેવોમાં દેવ એવા મહાદેવ કહેવાણા. સમાજમાં કડવા ઘૂંટડા પણ પચાવવાની હિંમત આપણે પણ રાખવી જોઈએ.

શિવજીનાં મસ્તક ઉપર વહેતો ગંગાનો પ્રવાહ એ પ્રેમ પ્રવાહનું પ્રતિક છે. શિવજી ત્રિલોચનવાળા છે જેને ત્રિનેત્ર કહે છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ તેના ત્રણ નેત્રો છે. સૂર્યનેત્ર દ્વારા અજ્ઞાાનના અંધકારનો નાશ થાય છે અને ચંદ્રના નેત્ર દ્વારા જગતને શીતળતા આપે છે તેમજ અગ્નિના નેત્ર દ્વારા તે રાગદ્વેષ અને મોહનો નાશ કરે છે.

સર્પોની માળા : ભગવાનના ગળે તથા હાથે વીંટળાયેલા સાપ એ વિષય વાસના અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ ષડ્રિપુનું પ્રતિક છે. એ માનવીની ઉર્ધ્વગતિમાં અવરોધ નિર્માણ કરનારા છે. તે જીવનમાં આવવાના જ છે તેનાથી ડરીને ભાગી ન જતાં તેને નિર્વિષ કરવાથી તેને રમાડી શકાય તેમને ઇશ્વરાભિમુખ કરવાના.

खङवांङग : એટલે ધોકો કે દંડ, સમગ્ર જગતનું શાસન કરવા માટે ભગવાન પોતાના હાથમાં દંડ રાખે છે. તે તેનું પ્રતિક છે તૈત્તિરીય ઉપનિષદમાં તેનું વર્ણન છે કે એ ધોકાની બીકથી વાયુ ચાલે છે. સૂર્ય ઉગે છે. તેના ડરથી અગ્નિ અને મેઘ પોતાની ફરજો બજાવે છે અને પાંચમો મૃત્યુદેવ પણ સદા કાર્યરત રહે છે. તે ધોકાની ધાકે સંસાર શાસક તત્ત્વો સ્વકાર્યમાં રત રહે છે. મૃત્યુર્ધાવતિપશ્ચમ્ ।

परशुं : એટલે કુહાડી, જે વૃક્ષ છેદન માટે વપરાય છે. સંસાર વૃક્ષનું છેદન કરવાનું છે. છેદન કર્યા પછી તે ફરી અંકુરિત ન થાય તે માટે જ્ઞાાન અને વૈરાગ્ય પણ હોવા જરૂરી છે. અને તેનું પ્રતીક એ શિવજીના હાથની કુહાડી છે.

अजिनमः : એટલે ચામડું. કોઈપણ પશુનું કે વાઘનુ ંચામડું હીન વૃત્તિનું પ્રતિક છે. માનવીના વિકાસ માટે દૂષણ રૂપ છે.  ભગવાન પોતાના શરીર ઉપર તેનું આચ્છાદન કરે છે એ બધી પ્રવૃત્તિઓ ભગવાનનાં વશમાં છે.

भस्म-चित्ताभस्मालेप : સ્મશાનમાં જ ક્રીડા કરનાર શિવજીને અંગરાજ કે લેપના માટે ચિતાની ભસ્મ સિવાય બીજું મળેય શું ? ભગવાન પોતાની માયાને બાળી તેનું સાર તત્ત્વ ગ્રહણ કરી તેની ભસ્મ પોતાનાં શરીર ઉપર લગાડી રાખે છે. મતલબ, જગતનાં સારને ભસ્મ રૂપે ગ્રહણ કરે તેને પોતાના શરીર ઉપર લગાડે છે.

फणिन : તેઓ સર્પોને શરીર ઉપર ધારણ કરે છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ.

कपालं : એટલે ખોપરી. ભગવાન મનુષ્યોની ખોપરીઓની માળા બનાવી ધારણ કરે છે. મસ્તકનું અસલી સ્વરૂપ તો ખોપરી જ છે ને ? બુદ્ધિ, દાન, માન, કુળ, કૌશલ્ય વગેરેનો મસાલો તેમાં ભર્યો છે પરંતુ તેમાંથી ચૈતન્યની ચિનગારી ઉડી ગઈ છે. એટલે અતિ બિહામણી ખોપરી થઈ. હું કંઈક છું - એ પ્રકારની અહંકાર ભરેલી વૃત્તિ જ્યાં સુધી મસ્તકમાં હોય એવા અહંકાર ભરેલા મસ્તકની માળા ભગવાન ધારણ નથી કરતા, પરંતુ જેમાંથી આ બધું નીકળી જાય ત્યારે ખાલી ખોપરી રહે છે. તેની મુંડમાળા ભગવાન ધારણ કરે છે.

માંગલ્ય રૂપ શિવજી : શિવજી પરમ મંગળકારી છે, શિવ કલ્યાણકારી છે, દુષ્ટોનો સંહાર કરનારા છે. અધિદૈવિક, અધિભૌતિક તથા આધ્યાત્મિક એવા ત્રણેય શૂળનાશ કરવાનાં પ્રતિક રૂપે ત્રિશૂલ ધારણ કરે છે જેણે ત્રિપુરાસુરને એ ત્રિશૂલથી હણ્યો હતો. ભગવાનના ડમરુના નાદથી, તેને સાંભળી પાપીઓના ગાત્રો ઢીલા થઈ જાય છે. સતવૃત્તિવાળા લોકોનો અવરોધ કરનારાઓ માટે ચેતવણીરૂપ છે.

- ડૉ. ઉમાકાંત જે.જોષી