હજારો વર્ષોની તપશ્ચર્યા પછી અનેક ઋષિમુનિઓને ભગ્વદ્દર્શન પ્રાપ્ત થાય છે. અનેક જન્મોની આરાધના પછી ભગવાનનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે અને ત્યારે જે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તેની એક 'ઓરા' બને છે. અને તે 'ઓરા' ભગવાનના ભક્તની આજુબાજુ વર્તુળાકારે રહે છે અને તેથી તે વ્યક્તિ અથવા ભક્તમાં દરેકને ભગવાનનાં દર્શન થાય છે. અને તે 'ઓરા' ભક્તના અનેક અટવાયેલા કાર્યો પૂર્ણ કરી દે છે. સામેની વ્યક્તિને આ પ્રભુભક્તમાં કાંઈક મેળવવાની આશા જાગે છે. અને તેની સેવા કરવા માટે તે તૈયાર થાય છે.
આજે ભગવાનના મંદિરમાં ભગવાનની આજુબાજુ પણ જે વર્તુળ કે ચોરસમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી હોય તે ભગવાનની 'ઓરા' છે. અને તેના હિસાબે ભગવાનનાં દર્શન કરવા માટે આપણે પ્રેરાઈએ છીએ. ભક્તની ઉપર કૃપા કરવાથી પ્રભુની કૃપા સ્વરૂપે તેની 'ઓરા' માં એટલું તેજ હોય છે કે સામેની વ્યક્તિ અંજાઈ જાય છે. અને તે આ વ્યક્તિના દરેક કાર્યમાં પોતાનાથી થઈ શકે તે રીતે મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી ભગવાનની 'ઓરા' અવિચળ-અખંડ ભક્તિના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે એ સિવાય અસંભવ છે. માણસનાં ૯૯ ગુણને એક અવગુણ ઢાંકી દે છે. પરંતુ ૯૯ ગુણથી પ્રાપ્ત થયેલી ઉર્જા 'ઓરા' તે વ્યક્તિના અનેક કાર્યો વિના વિલંબે પૂર્ણ કરી દે છે. જે ઉત્તાનપાદ રાજા ધ્રુવજીને ખોળામાં બેસાડવા માટે તૈયાર નહોતો તે જ ેસમયે ધ્રુવજી ભગવાનને મેળવીને આવે છે ત્યારે તેની 'ઓરા'ના હિસાબે દોડીને પુત્રને મળવા જાય છે.
આવા તો આપણાં પુરાણોમાં અનેક દાખલાઓ સંતો તથા ભક્તોના છે કે જેમની 'ઓરા'ના તેજે તેઓ સંસાર સાગર અને ભવસાગર પાર કરી ગયા છે. અને લોકોને તેમનામાં ભગવદ્ દર્શન થયેલ છે. આપણાં જીવનમાં પણ આપણે આપણાં ભક્તિના હિસાબે મેળવેલી પ્રભુની કૃપાથી ઘણાં જ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થતા જોયા છે. અને આપણું આવી પડેલું કાર્ય કેવી રીતે પૂર્ણ થઈ જાય છે તે આપણને ખબર પણ પડતી નથી.
- નૈષધ દેરાશ્રી


